સુરતીલાલાઓનો અનોખો મોજ-શોખ: 6 કરોડની લેમ્બોરગીની કારનો '0001' નંબર 13.81 લાખમાં વેચાયો
RTO દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સિરીઝમાં '0001' નંબર મેળવવા માટે અનેક દિગ્ગજો મેદાનમાં હતા.

Published : March 3, 2026 at 5:39 PM IST
સુરત: 'સુરત એટલે શોખીનોનું શહેર' - આ કહેવતને સુરતીઓએ ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. ખાણી-પીણી હોય કે લક્ઝરી લાઈફસ્ટાઈલ, સુરતીઓ જ્યારે કોઈ વસ્તુ પાછળ ઘેલા થાય ત્યારે કિંમતના આંકડા ગૌણ બની જાય છે. તાજેતરમાં સુરત RTO ખાતે યોજાયેલી નવી 'JX' સિરીઝના ફેન્સી નંબરોની હરાજીમાં રકમના એવા આંકડા સામે આવ્યા છે જેણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. શહેરના જાણીતા ઉદ્યોગપતિ પરેશ ખંડેલવાલે પોતાની 'ડ્રીમ કાર' માટે જે રકમ ખર્ચી છે, તેણે નવો ઇતિહાસ રચી દીધો છે.
RTO દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સિરીઝમાં '0001' નંબર મેળવવા માટે અનેક દિગ્ગજો મેદાનમાં હતા. જોકે, યશવી ગ્રુપના સ્થાપક પરેશ ખંડેલવાલે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા રૂ. 13,81,000 ની જંગી બોલી લગાવી આ નંબર પોતાના નામે કર્યો છે. નવાઈની વાત એ છે કે, આટલી રકમમાં એક મધ્યમવર્ગીય પરિવાર પ્રીમિયમ સેડાન કે શાનદાર SUV ખરીદી શકે છે, પરંતુ પરેશભાઈએ આ રકમ માત્ર પોતાની 6 કરોડની લેમ્બોરગીનીની નંબર પ્લેટ માટે ખર્ચી છે.
પરેશ ખંડેલવાલને ફેન્સી નંબરોનો જબરદસ્ત ક્રેઝ છે. તેમની પાસે બીએમડબલ્યુ, મર્સિડીઝ અને રેન્જ રોવર જેવી કારોનું કલેક્શન છે અને મોટાભાગની કારના નંબર '0001' જ છે.
- ગયા વર્ષનો રેકોર્ડ: રેન્જ રોવર માટે 'RZ' સિરીઝમાં 11.95 લાખ ખર્ચ્યા હતા.
- આ વર્ષનો રેકોર્ડ: લેમ્બોરગીની માટે 'JX' સિરીઝમાં 13.81 લાખ ખર્ચ્યા.
- માત્ર '0001' જ નહીં, પણ અન્ય આંકડાઓ માટે પણ ભારે રસાકસી જોવા મળી હતી.
- '9999' નંબર: રૂ. 3.62 લાખ
- '0007' (જેમ્સ બોન્ડ): રૂ. 3.01 લાખ
- '1234' નંબર: રૂ. 2.83 લાખ
પરેશ ખંડેલવાલ સુરતના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર અને યશવી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે. બિઝનેસ સિવાય તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ જાણીતા છે. જોકે, હાલમાં તેમના 'યશવી ફાઉન્ડેશન' દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં એક આંતરધર્મીય લગ્નને લઈને તેઓ વિવાદોમાં પણ સપડાયા છે.
RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરતના ઇતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ એક નંબર માટે આટલી મોટી રકમની ઓફર જોવા મળી નથી, જે સાબિત કરે છે કે સુરતમાં ફેન્સી નંબર મેળવવાનો ક્રેઝ ચરમસીમાએ છે.
આ પણ વાંચો:

