ETV Bharat / state

સુરત: ડિંડોલીમાં ધર્મ પરિવર્તનના આક્ષેપથી હિન્દુ સંગઠનોનો હોબાળો, રાજમહેલ મોલ બન્યો વિવાદનું કેન્દ્ર

હિન્દુ સંગઠનોના આક્ષેપ મુજબ, ધર્મ પરિવર્તન કરાવનારા લોકો આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગના પરિવારોને નિશાન બનાવતા હતા.

ડિંડોલીમાં ધર્મ પરિવર્તનના આક્ષેપથી હિન્દુ સંગઠનોનો હોબાળો
ડિંડોલીમાં ધર્મ પરિવર્તનના આક્ષેપથી હિન્દુ સંગઠનોનો હોબાળો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : November 9, 2025 at 5:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત : ડિંડોલી વિસ્તારમાં રાજમહેલ મોલમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આર્થિક પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ મોટો હોબાળો મચાવ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી ગુપ્ત રીતે ચાલતી આ પ્રવૃત્તિનો પર્દાફાશ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, અને "જય શ્રી રામ"ના નારા લગાવ્યા હતા. પરિસ્થિતિ વણસતા ધારાસભ્ય પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે પોલીસની હાલની તપાસમાં ધર્મ પરિવર્તન થતું હોવાનું સામે આવ્યું નથી.

આર્થિક લાલચ આપી ધર્માંતરણનો આક્ષેપ: હિન્દુ સંગઠનોના આક્ષેપ મુજબ, ધર્મ પરિવર્તન કરાવનારા લોકો આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગના પરિવારોને નિશાન બનાવતા હતા. જે વ્યક્તિ અન્ય હિન્દુઓને આ ધર્મમાં જોડે, તેને પ્રતિ વ્યક્તિ રુ.5,000ની એજન્ટ ફી ચૂકવાતી હતી. આ આર્થિક પ્રલોભનને કારણે ઘણા પરિવારો આ જાળમાં ફસાઈ રહ્યા હોવાનો દાવો સંગઠનોએ કર્યો હતો.

ધર્મ પરિવર્તનના આક્ષેપથી હિન્દુ સંગઠનોનો હોબાળો (ETV Bharat Gujarat)

ધારાસભ્યની હાજરી, પોલીસે 4 લોકોની અટકાયત: ઘટનાની જાણ થતાં જ ઉધના વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવા પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ડિંડોલી પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું અને વિવાદમાં સંડોવાયેલા ચાર લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ધારાસભ્ય મનુ પટેલે આ ઘટનાને 'રાષ્ટ્રવિરોધી કામ' ગણાવતા કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, "છેલ્લા ત્રણ મહિનાથી આ ખોફનાક અને ખુફિયા એજન્સીઓ કામ કરી રહી છે. આ રાષ્ટ્રવિરોધી કામને અમે ક્યારેય સાંખી લઈશું નહીં. આપણા રાષ્ટ્ર, ભારત માતાનો મામલો છે, અને આવી રાષ્ટ્રવિરોધી તાકાતોને નેસ્તનાબૂદ કરવાનું કામ કરવું જ પડશે."

મામલો માફીનામા સાથે સમાપ્ત, પણ પોલીસની તપાસ ચાલુ: ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ PI કે. એ. ચૌહાણએ જણાવ્યું કે, હોબાળો થતા ક્રિશ્ચિયન દંપતી દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. હિન્દુ સંગઠનો દ્વારા વિરોધના પગલે 7 જેટલા લોકોને પોલીસ સ્ટેશન લાવી નિવેદન લેવામાં આવ્યા છે.

ધર્મ પરિવર્તનના આક્ષેપથી હિન્દુ સંગઠનોનો હોબાળો (ETV Bharat Gujarat)

PI ચૌહાણ એ જણાવ્યું હતું કે, "હાલની તપાસ દરમિયાન ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું નથી. આ બાબતે કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ કરાઈ નથી. જોકે હાલમાં વિશેષ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને તપાસ ચાલુ છે."

આ પણ વાંચો...

  1. હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં હિન્દુ આરોપીની સંડોવણી, જાણો સમગ્ર વિગત - Hindu leader Assassination
  2. હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપી હિન્દુ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બન્યો હતો - surat crime branch