સુરતના કીમમાં પ્રથમ વરસાદે તંત્રની તૈયારીઓની પોલ ખોલી, હોસ્પિટલ અને મંદિરોમાં ભરાયા પાણી
કીમની સાધના હોસ્પિટલની મેઈન ગટર લાઈન બંધ હોવાથી વરસાદી પાણી બેક મારી હોસ્પિટલ ભરાઈ ગઈ, ડૉ. સુરેશ છાબડાએ ઓપરેશન કેન્સલ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું.

Published : June 30, 2026 at 3:51 PM IST
સુરત : ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, પરંતુ આ પહેલાં જ વરસાદે તંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી છે. કીમમાં જાણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે કીમની સાધના હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ડૉ. સુરેશ છાબડા (તબીબ, સાધના હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે, "આ વર્ષનું પહેલું વરસાદ પડ્યું છે અને અમારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું છે. મેઈન ગટર લાઈનનું પાણી આગળ બંધ હોવાથી પાણી બેક મારી રહ્યું છે. આ સમસ્યાને કારણે આજે અમારે એક દર્દીનું ઓપરેશન પણ કેન્સલ કરવું પડ્યું છે. અમે પંચાયતમાં પણ વાત કરી છે, તેઓએ માણસો મોકલીને કામ ચાલુ કરાવવાની ખાતરી આપી છે."
હોસ્પિટલની સાથે જ કીમના જાણીતા હરે હરેશ્વર મહાદેવ અને રાધે કૃષ્ણા મંદિરમાં પણ પાણી ભરાતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે.
માત્ર હોસ્પિટલ કે મંદિરો જ નહીં, પરંતુ કીમના નીચાણવાળા વિસ્તારો જેવા કે અમૃત નગર, શિવાજી નગર અને નવજીવન સોસાયટીમાં પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હાલ પંચાયત દ્વારા ગટર સાફ કરવાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ ભારે વરસાદ ફરી થાય તો સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો...

