સુરત: લસકાણામાં તબેલાની આડમાં ચાલતા ‘મોતની ફેક્ટરી’ સમાન નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ
શુદ્ધ ઘીના નામે સોયાબીન તેલ અને કેમિકલ એસેન્સ પધરાવી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવાનું ગંભીર કૌભાંડ સામે આવ્યું છે.

Published : January 5, 2026 at 4:56 PM IST
સુરત: કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં ‘સુપર સ્વચ્છ લીગ’માં બીજો ક્રમ મેળવનાર સુરત શહેર હવે ભેળસેળિયા તત્ત્વો માટે મોકળું મેદાન બની રહ્યું હોય તેમ લાગે છે. સુરતના લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા નકલી ઘીના કાળા કારોબાર પર લસકાણા પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શુદ્ધ ઘીના નામે સોયાબીન તેલ અને કેમિકલ એસેન્સ પધરાવી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવાનું ગંભીર કૌભાંડ સામે આવ્યું છે.
ગુપ્ત બાતમી અને પોલીસ એક્શન
લસકાણા પોલીસને સચોટ બાતમી મળી હતી કે, લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલા પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘી બનાવવાના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડતા સ્થળ પરથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 319.54 કિલો ભેળસેળયુક્ત ઘી અને 856 કિલો વેજીટેબલ-સોયાબીન ઓઈલ જપ્ત કર્યું હતું.
ઝેર બનાવવાની ફોર્મ્યુલા: તેલ + એસેન્સ = શુદ્ધ ઘી!
પકડાયેલો આરોપી અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયા (ઉં.વ. 30, રહે. કામરેજ ચાર રસ્તા) અત્યંત જોખમી પદ્ધતિથી ઘી બનાવતો હતો. વધુ નફો કમાવવાની લાલચમાં તે સસ્તા વેજીટેબલ અને સોયાબીન ઓઈલને મિશ્રિત કરી, તેમાં ઘી જેવી સુગંધ લાવવા માટે ‘સ્પેશિયલ એસેન્સ’ ઉમેરતો હતો. ગ્રાહકોને છેતરવા માટે તે તબેલામાં બનતા થોડાક અસલી ઘીમાં આ નકલી મિશ્રણ ભેળવી તેને ગરમ કરી બજારમાં વેચતો હતો.
ભાવમાં મોટો તફાવત, ભોળા ગ્રાહકો નિશાન
આરોપીની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. બજારમાં જે ઘીની કિંમત 1200 રૂપિયા છે, તે ઘી અલ્પેશ સ્થાનિક નાની દુકાનોમાં માત્ર રૂ. 300 માં સપ્લાય કરતો હતો. એટલું જ નહીં, તબેલા પર દૂધ લેવા આવતા ભોળા ગ્રાહકોને ‘ઘરનું શુદ્ધ ઘી’ હોવાનું કહી રૂ. 500 માં આ ઝેર પધરાવી દેતો હતો.
તપાસનો રેલો હોટલ-રેસ્ટોરન્ટ સુધી જશે?
પોલીસે કુલ રૂ. 2,11,865 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી ઘી સુરતની કઈ કઈ હોટલો, ડેરીઓ કે મીઠાઈની દુકાનોમાં સપ્લાય કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગે લીધેલા નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના અહેવાલ બાદ આરોપી સામે કાયદાનો શિેકંજો વધુ કસાશે.
આ પણ વાંચો:

