સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે ઈંટો અને રેતીની જાહેરાતો થકી ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો, ઠગાઈની પદ્ધતિથી પોલીસ પણ ચોંકી
સુરત સાયબર ક્રાઈમ સેલે એક એવા ઠગને ઝડપી પાડ્યો છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી લલચામણી જાહેરાતો આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો.

Published : July 7, 2026 at 8:00 AM IST
નવસારી: સોશિયલ મીડિયાના માધ્યમથી ઇંટો અને રેતી સસ્તા ભાવે અપાવવાના બહાને ગ્રાહકો તથા ભઠ્ઠાના માલિકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગનો સુરત સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. પોલીસે ફેસબુક પર આકર્ષક જાહેરાતો આપી લોકોને લાખોનો ચૂનો લગાવતા એક રીઢા આરોપીને ઝડપી પાડી સુરત અને ડાંગના 5 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પોતાની જાતને ઈંટોનો હોલસેલ એજન્ટ ગણાવી ફેસબુક પર જાહેરાતો મૂકતો હતો. તેની ઠગાઈની પદ્ધતિ અત્યંત ચોંકાવનારી હતી. આરોપી 'જસ્ટ ડાયલ' પરથી અસલી ભઠ્ઠા માલિકોની માહિતી મેળવતો. જ્યારે ગ્રાહક ઓર્ડર આપે ત્યારે તે ભઠ્ઠા માલિકને ગ્રાહકના સ્થળે માલ મોકલવા કહેતો.
ગ્રાહક માલ મળ્યા બાદ પેમેન્ટ આરોપીના ખાતામાં મોકલતો, પરંતુ આરોપી તે રકમ ભઠ્ઠા માલિકને ચૂકવવાને બદલે પોતે રોકડી કરી લેતો અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દેતો. કાયદાકીય પકડથી બચવા તે અન્ય વ્યક્તિઓના નામે મેળવેલા બોગસ સીમકાર્ડ અને ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો.
પકડાયેલો આરોપી મૂળ રાજસ્થાનના બિકાનેરનો વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે. 32 વર્ષીય આરોપી અગાઉ ઈંટ લે-વેચના એજન્ટ તરીકે કામ કરી ચૂક્યો છે. વર્ષ 2021માં હાર્ડવેરના ધંધામાં અંદાજે 6 લાખનું નુકસાન વેઠ્યા બાદ, ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવવાની લાલચમાં તેણે આ ગુનાહિત માર્ગ અપનાવ્યો હતો.

આરોપી વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં સુરતના સિંગણપોર, પાંડેસરા, ઓલપાડ અને ડાંગના વઘઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસોની કબૂલાત કરી છે.

આ ઘટના બાદ સાયબર ક્રાઈમ સેલના પીઆઇએ નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, અને લોકોને અનુરોધ કરતા કહ્યું કે, આવી સોશિયલ મીડિયા પર આવતી સસ્તી વસ્તુઓની જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન રાખવો. કોઈ પણ ઓનલાઈન સોદા પહેલાં વેચનાર પેઢીનું પ્રત્યક્ષ વેરિફિકેશન અવશ્ય કરવું, અને અજાણી વ્યક્તિ કે અજાણ્યા બેંક એકાઉન્ટમાં એડવાન્સ કે ફૂલ પેમેન્ટ ન કરવું.
ક્યાં કરવી ફરિયાદ: જો તમે ઓનલાઈન ઠગાઈનો ભોગ બનો, તો ત્વરિત 1930 નંબર પર કોલ કરવો અથવા www.cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવી.

