સુરતમાં શાકભાજીની આડમાં ડ્રગ્સ વેચતો વેપારી ઝડપાયો, 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત
સુરતની રાંદેર પોલીસની ટીમે તાડવાડી શાકભાજી માર્કેટમાં દરોડો પાડીને શાકભાજીની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

Published : January 10, 2026 at 6:55 AM IST
|Updated : January 10, 2026 at 7:21 AM IST
સુરત: શહેરમાં નશાના કારોબારને જળમૂળમાંથી ઉખેડી નાખવા માટે સુરત પોલીસ કટિબદ્ધ છે, ત્યારે રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે તાડવાડી શાકભાજી માર્કેટમાં દરોડો પાડી, શાકભાજી વેચવાની આડમાં નશાનો કાળો કારોબાર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસને શાકભાજીને બદલે જીવલેણ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ભીડભાડનો લાભ લઈ ડ્રગ્સનું વેચાણ
તાડવાડી શાકમાર્કેટમાં એક ઈસમ નશાકારક પદાર્થ સાથે ઉભો છે. આ અંગેની બાતમી મળતા પોલીસે તાત્કાલિક ઓપરેશન હાથ ધરી 30 વર્ષીય નઝીલ રસીદ સૈયદ ને પકડી પાડ્યો હતો. આરોપી વ્યવસાયે શાકભાજીનો વેપારી છે, પરંતુ પોલીસની નજરથી બચવા માટે તેણે ભીડભાડવાળા શાકમાર્કેટને ડ્રગ્સ વેચવાનું સુરક્ષિત સ્થળ બનાવ્યું હતું.
પોલીસે 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું
પોલીસે આરોપી પાસેથી 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 53,100 જેટલી થાય છે. આ ઉપરાંત તેની પાસેથી રોકડા રૂ. 3,880 પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નઝીલ અગાઉ પણ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
બે સપ્લાયર વોન્ટેડ, વધુ તપાસ શરૂ
પકડાયેલા આરોપીની પૂછપરછમાં ડ્રગ્સના નેટવર્કનો ખુલાસો થયો છે. આ જથ્થો પૂરો પાડવામાં ઉઝેફ શેખ અને શોયેબ નામના બે શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. રાંદેર પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના કયા અન્ય યુવાનોને તે વેચવાનો ટાર્ગેટ હતો.

