સુરત ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ‘સાધુ’ના વેશમાં લૂંટ ચલાવતી આંતરરાજ્ય ‘મદારી ગેંગ’ના બે સાગરીતો ઝડપાયા
પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 21 જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

Published : March 3, 2026 at 6:27 PM IST
સુરત: સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે જ્યોતિષ વિદ્યા અને ધાર્મિક વાતોના બહાને ભોળા લોકોને ફસાવી સોના-ચાંદીના દાગીના પડાવી લેતી રીઢા ગુનેગારોની ‘મદારી ગેંગ’નો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના બે મુખ્ય સાગરીતોને દબોચી લઈ ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 21 જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
આ ગેંગની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર હતી. આરોપીઓ લક્ઝુરિયસ કારમાં નીકળતા અને રસ્તામાં કોઈ રાહદારીને આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાના બહાને રોકતા હતા. ત્યારબાદ સાધુના વેશમાં રહેલો રાજેશનાથ ઉર્ફે રાજલો મદારી જ્યોતિષના એવા વાક્યો બોલતો કે સામેવાળી વ્યક્તિ અંજાઈ જતી.
ઠગાઈની રીત: ‘તારી પાસે રૂપિયા આવે છે પણ બચત થતી નથી’ અથવા ‘તારા દુશ્મન ઘણા છે’ જેવા વાક્યો કહી વિશ્વાસ જીત્યા બાદ, ‘ભંડારો’ કે ‘ગૌશાળામાં દાન’ના નામે વિધિ કરવા માટે વ્યક્તિના સોનાના દાગીના ઉતરાવી લેતા અને નજર ચૂકવી કારમાં ફરાર થઈ જતા હતા.
ક્રાઈમ બ્રાન્ચના આર્મ્સ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસમાડા-ખડસાદ કેનાલ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી પોલીસે રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી (રહે. કપડવંજ, ખેડા), અશોકકુમાર ગમનારામ ચૌધરી (રહે. સિરોહી, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. તેમની પાસેથી સ્વિફ્ટ અને અમેઝ જેવી બે લક્ઝુરિયસ કાર, સોનાની રુદ્રાક્ષની માળા, વીંટી, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. 8,71,780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ પોતાની ગાડી પર ‘POLICE’ લખેલી પ્લેટ રાખતા હતા, જેથી હાઈવે કે શહેરમાં કોઈ તેમને રોકે નહીં અને પોલીસ હોવાનો ડોળ કરી બચી શકાય. મુખ્ય આરોપી રાજેશનાથ સામે અગાઉ કપડવંજ અને રાજસ્થાનના સાગવાડામાં પણ ગુના નોંધાયેલા છે.
PI આર.આર. જાડેજાની અપીલ:
"આ ગેંગે સુરતના વેસુ, કામરેજ સહિત આણંદ, નવસારી અને મહારાષ્ટ્રના નાસિક, પુણે, શિરડી જેવા વિસ્તારોમાં અનેક લોકોને નિશાન બનાવ્યા છે. જો કોઈ આ રીતે ઠગાઈનો શિકાર બન્યું હોય તો તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવો. જનતાએ સાધુના વેશમાં આવતા અજાણ્યા શખ્સો પર વિશ્વાસ ન કરવો."
આ પણ વાંચો:

