ETV Bharat / state

ક્ષણિક આવેશ, માસૂમ જિંદગીઓનો અંત: શું નવી પેઢીમાં સહનશક્તિ ખૂટી રહી છે? સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સા!

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સગીરોમાં આત્મહત્યાનો એક એવો ગમગીન દોર શરૂ થયો છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ ધ્રુજી ઉઠે.

સુરતમાં માતાના ઠપકાથી બાળકનો આપઘાત
સુરતમાં માતાના ઠપકાથી બાળકનો આપઘાત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 1, 2026 at 6:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: માતા-પિતાનો એક સામાન્ય ઠપકો કે નાની એવી ટકોર આજે માસૂમ જિંદગીઓને હણી રહી છે. આ કોઈ સામાન્ય વાત નથી, પણ આપણી કૌટુંબિક વ્યવસ્થા અને નવી પેઢીના માનસિક સ્વાસ્થ્ય સામે ઊભો થયેલો એક અત્યંત ગંભીર અને ભયાનક સવાલ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સગીરોમાં આત્મહત્યાનો એક એવો ગમગીન દોર શરૂ થયો છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ ધ્રુજી ઉઠે.

તાજો કિસ્સો સુરતના રાંદેર વિસ્તારનો છે. ભેસાણ ગામમાં રહેતો અને ધોરણ 8માં ભણતો 13 વર્ષનો સગીર પોતાની બહેન સાથે ધમાલ-મસ્તી કરી રહ્યો હતો. માતાએ માત્ર એટલું જ કહ્યું કે, "તોફાન બંધ કરો." માતા ડોક્યુમેન્ટમાં સુધારાના કામ માટે બહાર ગયા હતા અને માત્ર 15-20 મિનિટમાં પાછા ઘરે આવી ગયા હતા. જ્યારે તે પરત ફર્યા ત્યારે સામે વ્હાલસોયા દીકરાનો મૃતદેહ હતો. માત્ર એક ટકોરના બદલામાં આ બાળકે જિંદગી ટૂંકાવી લીધી!

આ દુર્ઘટના અંગે મૃતક કિશોરના સંબંધી રાકેશભાઈએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, "હું બધા મા-બાપને મેસેજ આપવા માંગું છું કે તમારા છોકરાઓને ફોનથી દૂર રાખો અને સાચવો, બસ."

આ કોઈ એકલદોકલ ઘટના નથી, છેલ્લા છ માસમાં સમગ્ર ગુજરાતમાંથી આવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે:

ઓગસ્ટ 2026: સરધાર નજીક અણીયારા ગામમાં એક શ્રમિક પરિવારની 16 વર્ષની દીકરીને માતા-પિતાએ માત્ર વહેલા કામે જવા માટે ઘરનું કામ ઝડપથી પતાવવા કહ્યું. આટલી નાની વાતમાં આવેશમાં આવીને દીકરીએ આપઘાત કરી લીધો.

જુલાઈ 2026: શેખપુર ગામમાં 17 વર્ષની સગીરાને મોબાઈલ ફોનનું ભયંકર વળગણ હતું. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીને માતાએ ફોન મૂકી દેવા ઠપકો આપ્યો, અને ક્ષણિક ગુસ્સામાં સગીરાએ મરણને વ્હાલું કર્યું.

માર્ચ 2026: અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક સગીર વયના દીકરાએ કૌટુંબિક કંકાસ અને સતત રહેતા માનસિક દબાણથી કંટાળીને પોતાના જ ઘરમાં જીવન ટુંકાવી લીધું.

મનોચિકિત્સકોનું વિશ્લેષણ
આ ચિંતાજનક ટ્રેન્ડ વિશે મનોચિકિત્સકોનું કહેવું છે કે, આજકાલના બાળકોમાં માનસિક લડત આપવાની ક્ષમતા અને સહનશક્તિનું સ્તર ખૂબ ઘટી રહ્યું છે. આ આત્મહત્યાઓ કોઈ પૂર્વ આયોજિત પ્લાન નથી હોતી, પરંતુ ક્ષણિક આવેશ, અતિશય ગુસ્સો અને ડિજિટલ દુનિયાના કારણે પેદા થતા એકલતા તથા તણાવનું પરિણામ હોય છે.

આ મુદ્દે સિનિયર સાયકોલોજીસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીનું કહેવું છે કે, આ પ્રકારની ઘટનાઓ વધવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે માતા-પિતા અને બાળકો વચ્ચેનો સ્વસ્થ સંવાદ ઘટી ગયો છે, બીજું કે બાળકોના મેન્ટર કે શિક્ષક બાળકોને નિષ્ફળતાના પાઠ શિખવતા જ નથી, માત્ર સફળતાની વાત કરે છે, જેના કારણે સમસ્યા આવે તો ત્યારે કેવી રીતે ડિલ કરવાની તે રીત બાળકને કોઇ સમજાવતું નથી. હાલ જાતે જ બાળકને શિખવું પડે છે, કોઇપણ પ્રકારનો પડકાર વાતચીત કરીને પણ સોલ્વ થઇ શકે છે, માત્ર હિંસા જ તેનો ઉકેલ નથી. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને વેબ સિરીઝ સૌથી વધુ ખતરનાક છે, સ્ક્રીનમાં મોટાભાગે હિંસા સિવાય કંઇ દેખાતુ નથી, પછી ભલે તે હિંસક વીડિયો ગેમ હોય કે વેબસિરીઝ. બાળકોમાં અત્યારે જે ઇચ્છીએ છે તે થવું જ જોઇએ તેવી માનસિકતા વધી રહી છે અને તેના કારણે સહનશીલતા ઘટી ગઇ છે. મોબાઇલ સ્ક્રિન પર આવતી રિલ્સનો સમય પણ ઘટી રહ્યો છે, માત્ર બાળકોનો જ નહીં મોટાઓની પણ ધીરજ અને સહન શક્તિ ઘટી રહી છે, આજકાલ બાળકોમાં તાત્કાલિક સંતોષની ઇચ્છા વધી રહી છે. સામાજિક દ્રષ્ટિકોણથી એકબીજાના મતભેદોને સ્વીકારવાની વૃત્તિ નથી રહી. અત્યારે બાળકોમાં અને કિશોરોમાં ટ્રેન્ડ વધી રહ્યો છે કે માય વે ઓર હાઇ વે. બીજાના જુદા ઓપીનિયન સ્વિકારવાની વૃત્તિ જતી રહી છે. બાળકોના મિત્રોની સંગત પણ એવી થઇ રહી છે, કેટલીક ખરાબ સંગતની ખરાબ અસર થાય છે, નાની ઉંમરમાં પણ ડિપ્રેશન, ગુસ્સો વધી રહ્યા છે. અને તેના કારણે જ આવા કિસ્સાઓ વધી રહ્યા છે.

આ ઘટનાઓ માત્ર પરિવારોને જ નથી ઉજ્જડ કરતી, પણ સમગ્ર સમાજને ઢંઢોળે છે. બાળકોને ભૌતિક સુખ-સુવિધાઓ આપવાની સાથે તેમને 'ના' સાંભળવાની અને પરિસ્થિતિઓનો સામનો કરવાની માનસિક તાલીમ આપવી પણ એટલી જ જરૂરી છે. જો આજે આપણે બાળકો સાથે ખુલ્લા મને સંવાદ સાધતા નહીં શીખીએ, તો આ ક્ષણિક આવેશ આવતીકાલની પેઢીને ભરખી જશે. જાગવાની આ જ સાચી ક્ષણ છે.

આ પણ વાંચો: