ETV Bharat / state

સુરત: અમરોલીમાં માસૂમ બાળકીની છેડતી કરનાર દુકાનદારનું રી-કન્સ્ટ્રક્શન, મહિલાઓએ ચપ્પલ વડે ફટકાર્યો

'શ્રીજી લાઈવ આલુપુરી'ની દુકાને એકલી ગયેલી બાળકીના વાળ સરખા કરવાના બહાને દુકાનદારે કરી શારીરિક છેડછાડ, ડરીને ઘરે પહોંચેલી બાળકીએ માતા-પિતાને કહી આપવીતી.

સુરત: અમરોલીમાં માસૂમ બાળકીની છેડતી કરનાર દુકાનદારનું રી-કન્સ્ટ્રક્શન
સુરત: અમરોલીમાં માસૂમ બાળકીની છેડતી કરનાર દુકાનદારનું રી-કન્સ્ટ્રક્શન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 29, 2026 at 6:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી, દાદાની ઉંમરના એક વિકૃત દુકાનદારે શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, બાળકીની હિંમત અને પરિવારની સતર્કતાને કારણે નરાધમ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. આજે જ્યારે પોલીસ આરોપીને ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની હાજરીમાં જ આરોપીને લાતો અને ચપ્પલ વડે ફટકારી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરોલીના સૃષ્ટિ રો-હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં ‘શ્રીજી લાઈવ આલુપુરી’ નામની દુકાન ચલાવતો 56 વર્ષીય દિનેશ જીવરાજભાઈ રામાણી (મૂળ રહે. જૂનાગઢ) ગઈકાલે બપોરે પોતાની દુકાને હાજર હતો. આ દરમિયાન વિસ્તારની એક 11 વર્ષની બાળકી ત્યાં આલુપુરી લેવા ગઈ હતી. દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક ન હોવાનો લાભ ઉઠાવી દિનેશે બાળકીને વાતોમાં ભોળવી ટેબલ પર બેસાડી હતી. ‘તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપું’ તેમ કહી નજીક બોલાવી બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હતી. ગભરાયેલી બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી અને ઘરે જઈ રડતા રડતા માતા-પિતાને આપવીતી જણાવી હતી.

દુકાને એકલી ગયેલી બાળકીના વાળ સરખા કરવાના બહાને દુકાનદારે કરી શારીરિક છેડછાડ (Etv Bharat Gujarat)


બનાવની ગંભીરતા જોઈ પરિવાર તુરંત અમરોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી હતી.


આજે અમરોલી પોલીસ જ્યારે આરોપીને તેની દુકાને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવા માટે લઈ ગઈ ત્યારે સ્થાનિકોનો ટોળું ઉમટી પડ્યું હતું. માસૂમ સાથેની આ હરકતથી મહિલાઓમાં ભારે રોષ હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ એક મહિલાએ આરોપીને જોરદાર લાત ફટકારી હતી, જ્યારે અન્ય એક મહિલાએ પોતાનું સેન્ડલ કાઢી આરોપીને મેથીપાક આપ્યો હતો. લોકોમાં એવી પણ ચર્ચા હતી કે આ શખ્સે અગાઉ પણ આવી હરકતો કરી હોઈ શકે છે. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

અમરોલી પોલીસ મથકના પીઆઈ એ જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને અમારી ટીમ હરકતમાં આવી હતી. ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે. તેને કડક સજા થાય એ દિશામાં કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચો...

  1. સુરત: અલ્થાણમાં સગીરાની છેડતી બાદ લોકો વિફર્યા, પોલીસ સ્ટેશનમાં હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ
  2. સુરત: જેલમાંથી છૂટ્યા બાદ નરાધમ ફરી બેફામ, સગીરાની બહેનપણીને જ બનાવી હવસનો શિકાર