સુરત: જહાંગીરપુરામાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સપાટો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ મુંબઈથી યુવતીઓને લલચાવી-ફોસલાવી સુરત લાવતા હતા.

Published : December 31, 2025 at 10:25 PM IST
સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં સ્પાના નામે ચાલતા દેહવ્યાપારના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ બાતમીના આધારે દરોડા પાડીને ૩ મહિલાઓને નરક સમાન જીવનમાંથી મુક્ત કરાવી છે. પોલીસે ઘટનાસ્થળેથી સંચાલકની ધરપકડ કરી છે, જ્યારે ભાગીદારો સહિત ૩ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડમી ગ્રાહક મોકલીને ફૂંકાયું ઓપરેશન
જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા 'ગ્રીન એરિસ્ટો' કોમ્પ્લેક્સમાં 'એ વન ગ્રીન' નામના સ્પામાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. સત્યતા જાણવા પોલીસે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. જ્યાં સોદો નક્કી થતા જ પોલીસે ત્રાટકીને કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.
મુંબઈથી યુવતીઓ બોલાવી ચલાવાતું રેકેટ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ મુંબઈથી યુવતીઓને લલચાવી-ફોસલાવી સુરત લાવતા હતા.
આરોપીઓની ઓળખ: પાંડેસરાનો સુશીલકુમાર ઉર્ફે ગુડ્ડુ યાદવ અને સગરામપુરાનો રુખસાર સમીર ભાગીદારીમાં આ સ્પા ચલાવતા હતા.
સંચાલન: તેમણે સાહિલ સોહિલ ખાન નામના શખ્સને મેનેજર તરીકે રાખ્યો હતો.
નાણાકીય વ્યવહાર: ગ્રાહકો પાસેથી ₹1,000 વસૂલવામાં આવતા હતા. આ રકમ ઓનલાઇન માધ્યમથી મુંબઈના ફૈઝલ નુર મોહમ્મદના ખાતામાં જમા કરાવવામાં આવતી હતી.
પોલીસની કાર્યવાહી અને વોન્ટેડ આરોપીઓ
દરોડા દરમિયાન પોલીસે ₹16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી સંચાલક સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સુશીલ યાદવ, રુખસાર સમીર અને નાણાં મેળવનાર ફૈઝલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. મુક્ત કરાવવામાં આવેલી ત્રણેય મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:

