સુરત: પુણા ગોડાદરા રોડ પર મંડપના ગોડાઉનમાં વિકરાળ આગ; 15થી 20 ફાયર ફાઇટર દોડ્યાં, લાખોનું નુકસાન
આગ એટલી વિકરાળ હતી કે ગાદલા, લાકડા અને કાપડનો સામાન સળગતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

Published : October 15, 2025 at 10:38 PM IST
સુરત: સુરતના પુણા-ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળના પતરાના શેડમાં આવેલા એક ગોડાઉનમાં મોડી સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે ગાદલા, લાકડા અને કાપડનો સામાન સળગતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઝડપી ફેલાવો અને ફાયર વિભાગની કાર્યવાહી:
સૌથી પહેલા મંડપ અને ડેકોરેશનનો સામાન રાખેલા ગોડાઉનમાં આગ લાગી હતી. મંડપનો સામાન (જેમ કે કાપડ અને લાકડા) હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આસપાસના અન્ય ગોડાઉન પણ આગની ચપેટમાં આવી ગયા હતા.
આગની ગંભીરતાને ધ્યાનમાં લેતા, ફાયર વિભાગની ૧૫થી ૨૦ ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી. ફાયર અધિકારી ક્રિષ્ના મોઢેએ જણાવ્યું હતું કે, "અંદાજે બે કલાક સુધી પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો."
કોઈ જાનહાનિ નહીં:
આ ભીષણ ઘટનામાં સૌથી રાહતની વાત એ છે કે, કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, "તત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા કોઈ જાનહાનિ થઈ નથી. તમામ પરિસ્થિતિ અત્યારે અંડર કંટ્રોલ છે."
માલ-સમાન સંપૂર્ણ બળીને ખાખ, લાખોનું નુકસાન:
જોકે, આગની ભીષણતાને કારણે ગોડાઉનમાં રહેલો મંડપનો તેમજ અન્ય તમામ માલ-સમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. સામી દિવાળીએ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે.
આગ લાગવાનું કારણ અકબંધ:
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, "આગ કઈ રીતે લાગી એ બાબતે અમારી તપાસ ચાલુ છે. એફએસએલને બોલાવી અને આગળની કાર્યવાહી કરીશું." શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:

