ETV Bharat / state

સુરતઃ બારડોલીમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે 82 વર્ષના વૃદ્ધ સાથે રૂ. 2.96 કરોડની સાયબર ઠગાઈ

પોલીસ, CBI, ED અને કોર્ટના નામે 82 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને ડરાવી ધમકાવી રૂ. 2.96 કરોડની મસમોટી ઠગાઈ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

બારડોલીમાં ‘ડિજિટલ અરેસ્ટ’
બારડોલીમાં ‘ડિજિટલ અરેસ્ટ’ (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 3, 2026 at 12:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરતઃ જિલ્લાના બારડોલીમાં સાયબર ઠગોએ પોલીસ, CBI, ED અને કોર્ટના નામે 82 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને ડરાવી ધમકાવી રૂ. 2.96 કરોડની મસમોટી ઠગાઈ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, બેંક મેનેજરની સતર્કતાને કારણે વૃદ્ધ પાસેથી વધુ રકમ પડાવવાનો સાઇબર ઠગોનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી શ્યામ પાર્ક સોસાયટીમાં પત્ની સાથે રહેતા 82 વર્ષીય NRI વૃદ્ધને ગત 8 ઓગસ્ટના રોજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ પોલીસના અધિકારી અને DSP તરીકે આપી હતી.

ઠગોએ વૃદ્ધને જણાવ્યું હતું કે, તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને કેનેરા બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું છે અને આ ખાતા મારફતે રૂ. 1.22 કરોડનું મની લોન્ડરિંગ થયું છે. આ વાત કહી વૃદ્ધને કાયદાકીય કાર્યવાહીનો ભય બતાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ સાયબર ઠગોએ વોટ્સએપ પર ED, CBI અને બોમ્બે હાઈકોર્ટના નામે બનાવટી દસ્તાવેજો તેમજ એરેસ્ટ વોરંટ મોકલી વૃદ્ધનો ભય વધુ વધાર્યો હતો. તેમને 10 વર્ષ સુધી જેલમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, તેમની પત્નીને પણ ‘ડિજિટલ અરેસ્ટ’ કરવાની ધમકી આપી બંનેને સતત માનસિક દબાણ હેઠળ રાખવામાં આવ્યા હતા.

બારડોલીમાં ‘ડિજિટલ અરેસ્ટ’ (ETV BHARAT GUJARAT)

ઠગોએ જાણે કોઈ પોલીસ તપાસ ચાલી રહી હોય તે રીતે વૃદ્ધ પાસે કલાકે-કલાકે રિપોર્ટિંગ કરાવવાનું શરૂ કર્યું હતું. તપાસના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં RTGS મારફતે ટુકડે-ટુકડે કુલ રૂ. 2.96 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તપાસ પૂર્ણ થયા બાદ તમામ રૂપિયા પરત આપી દેવાની લાલચ પણ આપવામાં આવી હતી.

દરમિયાન ઠગોએ વધુ નાણાંની માંગણી કરી હતી. જેથી વૃદ્ધ પત્નીના નામે રહેલી FD તોડાવવા માટે બેંક પહોંચ્યા હતા. જોકે, સમગ્ર ઘટનાક્રમ અંગે બેંક મેનેજરને શંકા જતા તેમણે FD તોડવાનો ઇનકાર કર્યો હતો અને વૃદ્ધને તેમની સાથે સાયબર ફ્રોડ થયું હોવાની જાણ કરી હતી.

બેંક મેનેજરે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કરવાની સલાહ આપતાં વધુ મોટી રકમ પડાવવાનો સાઇબર ઠગોનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ભોગ બનનાર વૃદ્ધ વિદેશમાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે અને અમેરિકા, લંડન તથા મિસીસિપીમાં તેમના મોટેલ હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસ મથકમાં PI વી.એ.સંગલે દ્વારા IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી સાયબર ઠગોના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.

આ પણ વાંચોઃ સુરતના ચકચારી ફેઝલ ફટ્ટા હત્યા કેસમાં મોટો ખુલાસો: કુખ્યાત મુબારક ઉર્ફે મુબો પટેલે આપી હતી 10 લાખની સોપારી!

જુનાગઢઃ આજે શીતળા સાતમનો પવિત્ર તહેવાર, કાળવા ચોકમાં શીતળા માતાના મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ