ETV Bharat / state

ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો, ભાવ નિયંત્રણમાં આવશે: જીતુ વાઘાણી

રાજ્યની 17 ખાંડ મિલો પાસે હાલમાં આશરે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે.

ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો, ભાવ નિયંત્રણમાં આવશે: જીતુ વાઘાણી
ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો, ભાવ નિયંત્રણમાં આવશે: જીતુ વાઘાણી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 10:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાતમાં ખાંડની અછતને લઇને રાજ્ય સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ભાવ પણ નિયંત્રણમાં આવશે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની 17 ખાંડ મિલો પાસે હાલમાં આશરે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. સીઝન ન હોવાના કારણે મિલો હાલ બંધ છે પરંતુ 15 ઓક્ટોબર બાદ મિલો ફરી શરૂ થતાં ખાંડનું ઉત્પાદન પણ શરૂ થશે અને ઉપલબ્ધ જથ્થામાં વધુ વધારો થશે.

રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં 17 ખાંડ મિલો કાર્યરત છે અને તેમની પ્રતિદિન 73,800 ટન શેરડી પીલાણ કરવાની ક્ષમતા છે. રાજ્યમાં દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને તેના થકી આશરે 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે. હાલમાં ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો જથ્થો ઉપલબ્ધ છે.મંત્રી વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતમાં કોઈ ખાંડ મંડળી શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડ બનાવ્યા પછી જે મોલાસિસ મળે છે, તેમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે.

ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો (ETV Bharat Gujarat)

ખાંડના ભાવમાં ઘટાડો

ફેક્ટરીની બહાર અગાઉ પ્રતિ ક્વિન્ટલ ખાંડના ભાવ રૂ.6,500થી પણ વધુ પહોંચ્યા હતા. સરકારના વિશેષ પ્રયાસોના પરિણામે હાલમાં ભાવ રૂ.6,000થી નીચે આવ્યા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આગામી સમયમાં બજારમાં ખાંડના ભાવ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ

વરસાદની ઘટની સ્થિતિમાં પશુપાલકો અને પશુધનની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવાયું હતું. રાજ્યના 301 ગામોના આશરે 90 હજાર પશુધન સુધી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઘાસચારાની કોઈ અછત નથી. વન વિભાગ પાસે હજુ 361 લાખ કિલો ઘાસચારો અનામત છે. સ્થાનિક જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા જિલ્લા કલેક્ટરોને સત્તા આપવામાં આવી છે. પશુપાલકોને માત્ર રૂ.2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

ઊભા પાકને બચાવવા સિંચાઈનું પાણી

સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્કથી જોડાયેલા તળાવો અને ડેમોમાં પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોના ઊભા પાક અને મોલાતને નુકસાનથી બચાવવા પાણી પુરવઠો સતત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

મહી કમાન્ડ વિસ્તારમાં પરિયેજ અને કનેવાલ તળાવમાં પીવાનું પાણી નિયમિત પહોંચાડવામાં આવી રહ્યું છે. આણંદ અને ખેડા જિલ્લામાં ઊભા પાકને બચાવવા કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

7 જિલ્લાઓમાં 10 કલાક વીજળી

ખેતીવાડી માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં હાલમાં દરરોજ 8 કલાક નિયમિત અને ગુણવત્તાસભર વીજળી આપવામાં આવી રહી છે. સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જરૂરિયાત ઊભી થશે તો અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતોને 10 કલાક વીજળી આપવા સરકાર તૈયાર છે.

આ પણ વાંચો: