ETV Bharat / state

કપાયેલો હાથ ફરી જોડાયો, હવે એ જ હાથ પર બંધાશે રાખડી! કલાકોની સર્જરીથી ત્રણને મળી નવી જિંદગી

અકસ્માતમાં પોતાના હાથ લગભગ ગુમાવી ચૂકેલા સર્વાઈવર સર્જરીની મદદથી આજે ફરી સામાન્ય જીવન જીવી રહ્યા છે

અકસ્માતમાં પોતાના હાથ લગભગ ગુમાવી ચૂકેલા સર્વાઈવર સર્જરીની મદદથી આજે ફરી સામાન્ય જીવન જીવી રહ્યા છે
અકસ્માતમાં પોતાના હાથ લગભગ ગુમાવી ચૂકેલા સર્વાઈવર સર્જરીની મદદથી આજે ફરી સામાન્ય જીવન જીવી રહ્યા છે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 22, 2026 at 8:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ, કલ્પીન ત્રિવેદી : રાખડીનો એક નાનકડો ધાગો... આ વખતે આ ધાગો માત્ર ભાઈના કાંડા પર નહીં, એક નવી જિંદગી સાથે બંધાશે. જે હાથ ક્યારેક ભયાનક અકસ્માતમાં કપાઈ ગયો હતો, જે હાથ ફરી ક્યારેય જોવા નહીં મળે એવું લાગતું હતું, એ જ હાથ આજે ફરી જોડાઈ ગયો છે. અમદાવાદના હેમંત પટેલ સહિત ત્રણ દર્દીઓ માટે આ રક્ષાબંધન માત્ર તહેવાર નહીં, પરંતુ પોતાના હાથ સાથે ફરી જીવન જીવવાની ખુશીની ઉજવણી બની છે.

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે, પરંતુ અમદાવાદના હેમંત પટેલ માટે આ રક્ષાબંધન જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી ખુશી લઈને આવ્યું છે. થોડા સમય પહેલાં જે જમણો હાથ એક ગંભીર અકસ્માતમાં લગભગ ગુમાવી દીધો હતો, એ જ હાથ આજે ફરી તેમની સાથે છે અને આ વખતે પહેલીવાર એ હાથ પર તેઓ બહેનની રાખડી બંધાવી શકશે.

મશીનમાં હાથ કપાઈ ગયો, 14 કલાક ચાલી સર્જરી

મૂળ અમદાવાદના રહેવાસી હેમંત પટેલ વટવા વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતા હતા. કામ દરમિયાન અચાનક તેમનો હાથ વેક્યૂમ મશીનમાં આવી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમના જમણા હાથના ચાર ટુકડા થઈ ગયા હતા. કપાયેલા હાથના ટુકડા લઈને હેમંત તાત્કાલિક સારવાર માટે પહોંચ્યા અને ત્યારબાદ હાથને ફરી જોડવા માટે જટિલ માઇક્રોસર્જરી હાથ ધરવામાં આવી હતી. હેમંતની સર્જરી લગભગ 14 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન હાડકાં સાથે રક્તવાહિનીઓ, નસો અને ટેન્ડન જેવી મહત્વપૂર્ણ રચનાઓને ફરી જોડવામાં આવી હતી. લાંબી સર્જરી બાદ હેમંતનો હાથ ફરી જોડવામાં સફળતા મળી અને ત્યારબાદ રિકવરી તથા પુનર્વસનની પ્રક્રિયા શરૂ થઈ. આજે હેમંત પોતાના હાથને ફરી ઉપયોગમાં લઈ રહ્યા છે અને તેમના માટે આ રક્ષાબંધન નવી જિંદગીની ઉજવણી સમાન બની ગયું છે.

અકસ્માતમાં પોતાના હાથ લગભગ ગુમાવી ચૂકેલા સર્વાઈવર સર્જરીની મદદથી આજે ફરી સામાન્ય જીવન જીવી રહ્યા છે (ETV Bharat Gujarat)

આવા કિસ્સામાં શું કરવું?

આવા ગંભીર અકસ્માતમાં ઘટના બાદના શરૂઆતના કલાકો ખૂબ મહત્વના હોય છે. ડૉ. કર્ણ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, જો હાથ કે આંગળી કપાઈ જાય તો કપાયેલું અંગ ફેંકી દેવું નહીં, પરંતુ તેને ભીના રૂમાલ અથવા કપડામાં લપેટીને બરફવાળા બોક્સમાં રાખવું હિતાવહ છે. જોકે કપાયેલું અંગ સીધું બરફના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અકસ્માત બાદ આ પ્રક્રિયા તાત્કાલિક કરીને દર્દીને શક્ય તેટલી ઝડપથી નિષ્ણાત સારવાર સુધી પહોંચાડવો મહત્વપૂર્ણ છે.

પ્રતિક પાંડેની કહાણી પણ ભાવુક

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા પ્રતિક પાંડે પણ આવા જ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. લિફ્ટમાં તેમનો હાથ આવી જતાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેમની સર્જરી કરવામાં આવી હતી અને સારવાર સફળ રહી હતી. આજે પ્રતિક પણ પોતાના સામાન્ય જીવન તરફ પરત ફરી રહ્યા છે. મૂળ ઈડરના રહેવાસી અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વિનોદ પંચાલની કહાની પણ એટલી જ ભાવુક છે. આશરે આઠ મહિના પહેલાં તેમના હાથ પર ભારે લોખંડ પડતાં હાથમાં ગંભીર ઈજા થઈ હતી. વ્યવસાય માટે હાથ પર નિર્ભર વિનોદ માટે આ અકસ્માત માત્ર શારીરિક ઈજા નહોતો, પરંતુ રોજગાર અને ભવિષ્ય સામે પણ મોટો સવાલ હતો. જોકે સારવાર બાદ આજે તેમનો હાથ સાજો થયો છે.

...તો રાખડી ન બંધાવી શક્યા હોત વિનોદ પંચાલ

વિનોદ પંચાલ પોતાની લાગણી વ્યક્ત કરતા કહે છે કે, આજે એ વાત યાદ આવે છે તો લાગે છે કે હું સદનસીબે મારો હાથ સાજો થયો. હાથ ન હોત તો રાખડી ક્યાં બંધાવતો? પરંતુ આજે મારો હાથ સાજો થયો છે એની ખુશી છે. વિનોદના આ શબ્દોમાં રક્ષાબંધનનો સાચો ભાવ છુપાયેલો છે. રિપ્લાન્ટેશન એટલે માત્ર કપાયેલો હાથ ફરી જોડી દેવો નહીં, પરંતુ વ્યક્તિને ફરી તેના પરિવાર, વ્યવસાય અને રોજિંદા જીવન સાથે જોડવાની પ્રક્રિયા છે. આવી જટિલ માઇક્રોસર્જરીમાં હાડકાં, રક્તવાહિનીઓ, નસો અને ટેન્ડનને ફરી જોડવામાં આવે છે. સર્જરી બાદ પણ હાથની કાર્યક્ષમતા પરત લાવવા માટે લાંબી દેખરેખ, ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનની જરૂર પડી શકે છે. હેમંત, પ્રતિક અને વિનોદ ત્રણ અલગ અકસ્માત, ત્રણ અલગ સંઘર્ષ અને એક જ આશા. આજે ત્રણેય માટે હાથ માત્ર શરીરનું અંગ નથી, પરંતુ ફરી મળેલી જિંદગીનું પ્રતીક છે. ખાસ કરીને હેમંત માટે આ રક્ષાબંધન એ વાતની સાક્ષી બનશે કે જે હાથ ક્યારેક અકસ્માતમાં ગુમાવાની અણી પર હતો, એ જ હાથ હવે બહેનની રાખડીથી સજાશે. રાખડી તો દર વર્ષે બંધાય છે, પરંતુ આ વખતે આ ત્રણ ભાઈઓ માટે રાખડી સાથે એક ખાસ ખુશી પણ બંધાશે ફરી મળેલા હાથની, ફરી મળેલા આત્મવિશ્વાસની અને ફરી મળેલી જિંદગીની.

આ પણ વાંચો: