સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી ગણાતા ધોળીધજા ડેમના તળિયા દેખાયા, આજથી સૌરાષ્ટ્ર-કચ્છને અપાતું પાણી બંધ
સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી ગણાતા ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર-કચ્છને પહોંચાડવામાં આવતું પાણી આજથી બંધ કરાયું છે, જેને પગલે 5 હજારથી વધુ ગામડાઓ પર સીધી અસર થશે.

Published : May 28, 2026 at 5:06 PM IST
સુરેન્દ્રનગર: સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાનું પાણી સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ હાલના તબક્કામાં ડેમના તળિયા દેખાઈ ગયા છે. નર્મદાની કેનાલો રીપેરીંગના નામે બંધ હોવાના કારણે ઢાંકી પંપીંગ સ્ટેશનથી લઈ ધોળીધજા ડેમ સુધી પીવાનું પાણી પહોંચાડી શકાતું નથી.
છેલ્લા દસ દિવસથી કેનાલો બંધ કરી નાખવામાં આવી છે, જેને લઈને ડેમનું સ્તર ઘટી ગયું છે. 10 દિવસ પહેલા ડેમ નું સ્તર 20 ફૂટ પાણીથી ભરાયેલું હતું જે હવે 13 ફૂટની સપાટીએ છે. 10 થી વધુ જિલ્લાઓમાં પીવાનું પાણી આ ડેમ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે, અને સૌરાષ્ટ્રનાં સૌથી અગ્રેસર ડેમો પૈકીના આ ડેમના જળસ્તરમાં ઘટાડો થતા તંત્રની ચિંતા પણ વધી ગઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ આ ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ જળસ્તરનું લેવલ નીચે જતું રહ્યું હોવાના કારણે હાલમાં મહાનગરપાલિકાની પાણી વિતરણ કરવાની સિસ્ટમ પણ પાણીની બહાર આવી ગઈ છે, ત્યારે તે અંદર ખસેડવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર અને જટીલ સમસ્યાઓ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો છે, અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાનું પાણી પૂરું પાડતાં ડેમમાંથી કોઈપણ શહેરમાં પીવાનું પાણી પૂરું ન પાડવાના આદેશ કરી દેવામાં આવ્યા છે.

આજે વહેલી સવારથી આ પાણી વિતરણ વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને સૌરાષ્ટ્ર કચ્છના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે. કુલ 5 હજારથી વધુ ગામડાઓમાં સૌની યોજના અને પીવાના પાણીની પાઇપલાઇનનો અને નર્મદાની કેનાલથી આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ હાલના તબક્કામાં ડેમના તળિયા દેખાઈ ગયા હોવાના કારણે પાણી પૂરું પડે તેવી કોઈ પરિસ્થિતિ નથી.
જો આ ગામોમાં પીવાનું પાણી તંત્ર પહોંચાડે તો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તે નક્કી છે. જ્યારે આજથી સૌની યોજના અને કેનાલો મારફતે પીવાનું પાણી વિતરણ વ્યવસ્થા ધોળીધજા ડેમમાંથી બંધ કરવામાં આવી છે, જેને લઈ કચ્છ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પીવાના પાણીની જટિલ સમસ્યા સર્જાય તે પણ નક્કી છે.હાલના તબક્કામાં ડેમની જળ સપાટી 13 ફૂટ જેટલી થઈ ગઈ છે, અને રોજ એક ફૂટ જેટલી પાણીની સપાટી ઘટી રહી છે.

ત્યારે હવે સુરેન્દ્રનગર શહેરની ત્રણ લાખથી વધુની જનતાને પણ આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ પહેલા સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસે પાણી મળતું હતું, હવે પાંચ થી સાત દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત દુધરેજ સહિત અને ખેરાળી, માળોદ, મૂળચંદ સહિતના ગામોમાં બોરનું પાણી મિશ્ર કરી અને ગ્રામજનોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે આ વિસ્તારના લોકોમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે.

'હાલના તબક્કામાં દુધરેજ ગામ મહાનગરપાલિકામાં ભળ્યું છે, પરંતુ અધિકારીઓ દ્વારા પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, હાલના તબક્કામાં દુધરેજ ગામમાં બોરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે ક્ષાર વાળું હોય છે, જેને લઈને ગામમાં પથરીના દુખાવા અને પેટના દુખાવાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે ચોખ્ખું પીવાનું પાણી અને ફિલ્ટર યુક્ત પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી દુધરેજ ગ્રામજનોની માંગ છે'. - વિનોદ મકવાણા, સ્થાનિક, દુધરેજ
'આ ડેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, રોજ પાણીનું લેવલ ઘટી રહ્યું છે. મહાનગરપાલિકાએ પણ 10 જેટલી ટીમો કામે લગાવી છે, અને તેમની વચ્ચોવચ પાણી વિતરણ કરવાની સિસ્ટમ લઈ જવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્ર -કચ્છના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું, એ આજથી બંધ કરવામાં આવ્યું છે. જો આ પાણી બંધ કરવામાં ન આવે તો માત્ર દસ દિવસ ચાલે તેટલું પાણી .છે અને હાલના તબક્કામાં માત્ર પીવાના પાણીની ઉપર વધુ પડતો ભાર મૂકવામાં આવી રહ્યો છે. સિંચાઈ માટે અને ગ્રામીણ વિસ્તારમાં પહોંચાડવાનું પાણી આજથી બંધ કરવામાં આવ્યું છે, ત્યારે શહેરીજનોને પણ પાંચ થી સાત દિવસે પાણી મળે તેવી પરિસ્થિતિ છે, કારણ કે ડેમનું સ્તર ઘટી ગયું છે હવે નર્મદાની કેનાલો ચાલુ થાય અને ડેમમાં પાણી પડે ત્યારબાદ લેવલ ઓછું આવે ત્યારબાદ પાણી સમસ્યાનો નિવેડો આવે'. - દેવાભાઈ, કર્મચારી, સિંચાઈ વિભાગ
ડેમમાંથી પાણીનું સ્તર ઘટતા આજથી પાણી બંધ કરવામાં આવ્યું છે, સૌની અને નર્મદાની કેનાલો આજથી બંધ કરી દેવામાં આવી છે. જોકે, કચ્છ, બોટાદ, વાંકાનેર, મોરબી, રાજકોટ, હળવદ, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા જેવા ઘણા જિલ્લાઓમાં 5 હજાર થી વધુ ગામડાઓને આ ડેમમાંથી જ પાણી મળી રહ્યું છે, ત્યારે આજથી ડેમ ખાલી થઈ ગયો છે અને વિતરણ વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને આ ગામો ઉપર પણ સીધી અસર થવાની છે.

