દસ્તાવેજોમાં સાવકા પિતાનું નામ, ઓળખમાં સગા પિતા: યુવતી પહોંચી ગુજરાત હાઈકોર્ટ
માણસા તાલુકાની રહેવાસી યુવતીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે બાળપણમાં તેના માતા-પિતા રૂઢિગત છૂટાછેડા દ્વારા અલગ થઈ ગયા હતા.

Published : May 27, 2026 at 5:01 PM IST
અમદાવાદ: એક 20 વર્ષીય યુવતીએ પોતાના શૈક્ષણિક દસ્તાવેજોમાં સાવકા પિતાના નામના સ્થાને સગા એટલે કે બાયોલોજીકલ પિતાનું નામ ઉમેરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. યુવતીનો દાવો છે કે હાલના દસ્તાવેજો તેની સાચી ઓળખ અને પારિવારિક હકીકત દર્શાવતા નથી, જેના કારણે પાસપોર્ટ અને વિઝા જેવી પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
માણસા તાલુકાની રહેવાસી યુવતીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે બાળપણમાં તેના માતા-પિતા રૂઢિગત છૂટાછેડા દ્વારા અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા અને યુવતીને સાથે રાખીને ભરૂચ જિલ્લામાં રહેવા ગયા હતા. બાળપણથી જ યુવતીનો ઉછેર સાવકા પિતાએ કર્યો હોવાથી શાળાના તમામ દસ્તાવેજોમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું હતું.
યુવતીએ ધોરણ-10 સુધીનો અભ્યાસ ભરૂચમાં કર્યો હતો અને શાળા તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરાયેલા માર્કશીટ અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં સાવકા પિતાનું નામ નોંધાયું હતું. જોકે અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ કાનૂની દત્તક પ્રક્રિયા વિના જ સાવકા પિતાનું નામ દાખલ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી દરમિયાન યુવતીએ પોતાની માતાને ગુમાવી હતી. માતાના અવસાન બાદ તે ગાંધીનગરમાં પોતાના સગા પિતા સાથે રહેવા આવી ગઈ હતી અને ત્યારથી તેમની સાથે જ રહે છે. બાદમાં જ્યારે તેણે પાસપોર્ટ અને વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે દસ્તાવેજોમાં નામની વિસંગતતાના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
આ મામલે યુવતીએ પહેલા માણસાની કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજી મુજબ, 28 ફેબ્રુઆરીએ કોર્ટે શાળાને રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા માટે સૂચના આપી હતી. જોકે યુવતીને શિક્ષણ બોર્ડની માર્કશીટમાં પણ સુધારો કરાવવો હોવાથી તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
અરજદાર તરફથી વકીલ રાજારામ બાજપાઈએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે યુવતીના હાલના દસ્તાવેજો તેની વાસ્તવિક ઓળખ સાથે મેળ ખાતા નથી. સગા પિતાનું નામ દાખલ કરવામાં આવે તો પાસપોર્ટ, વિઝા અને અન્ય સત્તાવાર પ્રક્રિયાઓમાં આવતી અડચણો દૂર થઈ શકે છે.
હાઈકોર્ટે આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ ગાંધીનગરની સંબંધિત શાળાના સત્તાવાળાઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યા છે. કેસની વધુ સુનાવણી હવે 22 જૂનના રોજ હાથ ધરાશે.

