રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો; સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો, ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવી હોવાથી ખેડૂત વર્ગમાં વધુ ચિંતા વધી છે.

Published : February 23, 2026 at 7:49 PM IST
અમરેલી: હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને તેના પગલે જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના ખાંભા ગીર અને ધારી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
પ્રથમ ખાંભા પંથકમાં વાદળો ઘેરાયા બાદ ઝાપટાં અને વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારબાદ ધારી તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ધારી તાલુકાના સરસિયા, દલખાણીયા, ઝર, ગઢિયા સહિતના અનેક ગામોમાં ક્યાંક હળવા વરસાદી છાંટા તો ક્યાંક ઝાપટાં પડતા ખેતરો ભીંજાઈ ગયા હતા.
આ સાથે ખાંભા ગીર પંથકના ઇંગોરાળા, નાની ધારી, નાના વિસાવદર સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદી ઝાપટાં નોંધાયા છે. બપોર બાદ અચાનક વાદળછાયા વાતાવરણ અને પવન સાથે વરસાદ શરૂ થતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

અમરેલી જિલ્લો કેસર કેરીના ગઢ તરીકે ઓળખાય છે. આવા સમયે કમોસમી વરસાદ પડતાં કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ ખેડૂતોના તૈયાર અવસ્થામાં આવેલા શિયાળુ પાક જેમ કે ચણા, જીરૂ, ઘઉં અને ધાણી પર પણ કમોસમી વરસાદનો માઠો અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેતરોમાં તૈયાર પાક ભીંજાઈ જતાં ઉત્પાદન ઘટવાની અને ગુણવત્તા ખરાબ થવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવી હોવાથી ખેડૂત વર્ગમાં વધુ ચિંતા વધી છે. કમોસમી વરસાદે એક તરફ ગરમીમાંથી થોડી રાહત આપી છે, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે.
આ પણ વાંચો:

