લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ! વડોદરામાં SMCનો દરોડો, 400થી વધુ પેટી દારૂ ઝડપાયો
ખોડિયારનગર સફેદ વુડા પાસેના ગોડાઉનમાં ચાલતા દારૂના કટિંગ પર પડેલા દરોડામાં અંદાજે 400થી વધુ પેટી દારૂ મળી આવ્યો છે

Published : August 23, 2026 at 10:07 PM IST
વડોદરા: ભાવનગર લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત બાદ પણ ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે સવાલો યથાવત છે. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખોડિયારનગર સફેદ વુડા પાસેના ગોડાઉનમાં ચાલતા દારૂના કટિંગ પર પડેલા દરોડામાં અંદાજે 400થી વધુ પેટી દારૂ મળી આવ્યો છે.
SMCના દરોડા દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા 400થી વધુ પેટી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત બોલેરો પીકઅપ, સુપર કેરી, સ્વિફ્ટ ડિઝાયર અને મોપેડ સહિતના વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા આ મામલે ક્વોલિટી કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરોડા સમયે દારૂના કટિંગ સાથે સંકળાયેલા કેટલાક શખસો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર મામલામાં લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે નિલુ નથાણી, જેને નિલુ સિંધી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું નામ સામે આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલો દારૂનો જથ્થો તેની સાથે સંકળાયેલો હોવાની ચર્ચા છે. જોકે આ અંગેની અંતિમ હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હવે SMCની આ કાર્યવાહી બાદ સૌથી મોટો સવાલ બાપોદ પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યો છે. કારણ કે જે પોલીસ સ્ટેશનની હદમાં આટલો મોટો દારૂનો જથ્થો ગોડાઉનમાં સંગ્રહિત હતો અને તેનું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ?
શું બાપોદ પોલીસ ઊંઘતી રહી અને SMC દરોડો પાડી ગઈ?
આ સવાલ એટલા માટે પણ મહત્વનો બની જાય છે કારણ કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી કે જે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ ઝડપાશે, ત્યાંના જવાબદાર PI અને PSI સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીની આ જાહેરાતના થોડા જ દિવસોમાં વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાંથી આટલો મોટો દારૂનો જથ્થો ઝડપાતા હવે સવાલ સીધો ગૃહ વિભાગની જાહેરાત સાથે જોડાઈ રહ્યો છે.
જો જે વિસ્તારમાંથી દારૂ ઝડપાય ત્યાંના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે, તો તેનો દાખલો વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનથી જ બેસાડવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. એક તરફ લઠ્ઠાકાંડમાં લોકોના જીવ જઈ રહ્યા છે અને બીજી તરફ દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે રહેણાંક વિસ્તાર નજીક ગોડાઉનમાં દારૂનો આટલો મોટો જથ્થો મળી આવે છે. ત્યારે સ્થાનિક પોલીસની બાતમી વ્યવસ્થા, પેટ્રોલિંગ અને દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે.
હવે સવાલ માત્ર દારૂનો જથ્થો પકડવાનો નથી. સવાલ એ છે કે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો, કોના મારફતે આવ્યો, કોના ઈશારે તેનું કટિંગ ચાલી રહ્યું હતું અને આ સમગ્ર નેટવર્ક પાછળ કોણ છે? સાથે જ જો ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત મુજબ જવાબદાર PI અને PSI સામે કાર્યવાહી થવાની હોય, તો બાપોદ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાય છે તેના પર પણ નજર રહેશે.
આ પણ વાંચો:

