સાતમ-આઠમમાં સોરઠ પંથકમાં મેસુબ મીઠાઈનો આજે પણ દબદબો
સોરઠ પંથકમાં સાતમ-આઠમના તહેવારમાં મેસુબ મીઠાઈનો આજે પણ દબદબો, ચણાનો લોટ, કાજુ, બદામ, પિસ્તા, કોપરું અને દેશી ઘીમાંથી બનતી આ મીઠાઈ દરેક ઘરમાં ખવાય છે.

Published : September 2, 2026 at 9:04 PM IST
જૂનાગઢ: સાતમ-આઠમના તહેવારમાં સોરઠ પંથકમાં મેસુબ મીઠાઈનો આજે પણ દબદબો જોવા મળે છે. ખાસ કરીને સાતમ-આઠમના તહેવારમાં પ્રત્યેક ઘરમાં ચણાનો લોટ, કાજુ, બદામ, પિસ્તા, કોપરું, શુદ્ધ દેશી ઘી અને ખાંડમાંથી બનતી મેસુબ નામની મીઠાઈ પ્રત્યેક ઘરમાં બનતી અને ખવાતી જોવા મળે છે. આજે લોકો મજૂરીથી મીઠાઈ બનાવતા કારીગરો પાસેથી બનાવીને પણ મેસુબનો સ્વાદ માણવાનું ચૂકતા નથી.
સોરઠ પ્રદેશની સાતમ-આઠમની મીઠાઈ એટલે મેસુબ
સાતમ-આઠમના તહેવારમાં સોરઠ પ્રદેશના પ્રત્યેક ઘરમાં થેપલાં, પૂરી અને અન્ય મિષ્ઠાન વર્ષોથી બનતા આવ્યા છે. પરંતુ ખાસ કરીને સાતમ-આઠમનો આ તહેવાર સોરઠ પ્રદેશમાં મેસુબ મીઠાઈ માટે પણ ખૂબ જ જાણીતો છે. વર્ષો પૂર્વે તહેવારોના દિવસોમાં મેસુબ પ્રત્યેક ઘરમાં બનતી અને ખવાતી, સૌની પસંદગીની પહેલી મીઠાઈ હતી.
આજે સમય બદલાયો છે, ઘરમાં મેસુબ બનાવી જાણનારા વડીલોની સંખ્યા ઓછી થઈ છે. પરંતુ તહેવારોમાં મેસુબનો સ્વાદ માણનારા વ્યક્તિઓની સંખ્યા આજે પણ જળવાઈ રહેલી જોવા મળે છે. જેને કારણે જે લોકો ઘરમાં મેસુબ બનાવી શકતા નથી તેવા તમામ લોકો ખાસ મેસુબ બનાવનારા મીઠાઈના કારીગરો પાસે મજૂરીથી પણ મેસુબ બનાવીને સાતમ-આઠમનો આ તહેવાર પરંપરાગત મીઠાઈ સાથે ઉજવી રહ્યા છે.

ચણાનો લોટ, કોપરું અને સૂકા મેવામાંથી બને છે મેસુબ
મેસુબ ચણાનો લોટ, કોપરું, સૂકો મેવો જેમાં કાજુ, બદામ, પિસ્તા, ખાંડ અને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવવામાં આવે છે. જેમાં ચણાનો લોટ, ખાંડ અને દેશી ઘીમાંથી બનતી મેસુબ કોઈપણ પરિવારમાં મીઠાઈ તરીકે પહેલી પસંદ આજે પણ જોવા મળે છે.

પરંતુ કેટલાક સ્વાદના શોખીનો મોંઘા કહી શકાય તેવા કાજુ, બદામ, પિસ્તામાંથી અલગ-અલગ સ્વતંત્ર રીતે મેસુબ બનાવીને આરોગતા હોય છે. તો કેટલાક સ્વાદના શોખીનો કાજુ, બદામ, પિસ્તાના ત્રણેયનો એક સાથે મેસુબ પણ બનાવે છે. તો કેટલાક લોકો આજે પણ કોપરામાંથી બનતા મેસુબના શોખીન છે. આ તમામ મેસુબમાં શુદ્ધ દેશી ઘી અને ખાંડની ચાસણી અનિવાર્ય છે. આ સિવાય કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારના સ્વાદ અનુસાર તેમાં અલગ-અલગ ચીજોનો ઉપયોગ કરીને મેસુબ બનાવીને આ તહેવારના સમયમાં આરોગતા હોય છે.

મેસુબ બનાવવાની પદ્ધતિ
મેસુબ બનાવવાની પદ્ધતિમાં ખાસ ખાંડની ચાસણી અને દેશી ઘી કેટલું અને ક્યારે ઉમેરવું તેના પર મેસુબનો સ્વાદ અને તેની સ્થિરતા નક્કી થતી હોય છે. ખાંડની ચાસણી બનાવ્યા બાદ તેમાં ચણાનો લોટ, મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલા કાજુ, બદામ, પિસ્તા, કોપરું ઉમેરીને ગેસ પર ધીમા તાપે સતત હલાવતા રહેવું પડે છે અને સમયાંતરે ગરમાગરમ શુદ્ધ દેશી ઘી તેમાં ઉમેરતા જવું પડે છે.

ખાંડની ચાસણી અને ઘીનું પ્રમાણ તેમજ તેને ઉમેરવાનો સમય ખૂબ જ ચીવટતા માંગી લે છે. જો તેમાં થોડું પણ આઘું-પાછું થાય તો મેસુબ તેના સ્વભાવ મુજબ ખમણ જેવું જાળીદાર અને કરકરું બનતું નથી. જો તેમાં થોડી પણ ભૂલ રહી જાય તો મેસુબ એકદમ કડક ખાંડની ચાસણીને કારણે થઈ જતો હોય છે. ઘી ઉમેરવાના સમયમાં પણ જો થોડું વહેલું-મોડું થાય તો તેમાં ખમણ જેવી જાળી પણ પડતી નથી, જેથી મેસુબનો યોગ્ય સ્વાદ અને તેનો આકાર બનતો નથી. જેથી સાતમ-આઠમના તહેવારોમાં લોકો મેસુબ બનાવનારા ખાસ કારીગરો પાસેથી પોતાના ખર્ચે મજૂરીથી બનાવડાવે છે.
આ પણ વાંચો...

