જેતપુરમાં પુત્રે માતા સાથે 12 વર્ષથી મૈત્રી કરારમાં રહેતાં વ્યક્તિની તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા કરી
વિધવા માતાના પ્રેમી સાથે લાંબા સમયથી અદાવત ચાલતી હતી, પોલીસે આરોપીને દબોચી હત્યાની કલમ હેઠળ કાર્યવાહી કરી

Published : July 8, 2026 at 9:02 PM IST
રાજકોટ: જેતપુરના કણકીયા પ્લોટમાં ધોળા દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ ખેલાયો હતો. માતા સાથે મૈત્રી કરાર કરી 12 વર્ષથી સાથે રહેતાં વ્યક્તિની મહિલાના પુત્ર દ્વારા તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા કરવામાં આવતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ઘરેથી છાસ લેવા નિકળેલ કમલેશભાઈ વાઘેલા પર રાજકોટ રહેતો જયેન વાઘેલા ક્રૂર થઈ તૂટી પડ્યો હતો અને તેની હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે જેતપુરમાં કણકીયા પ્લૉટ, અંબર ટોકીઝ પાછળ, વાલ્મીકી વાસમાં રહેતાં કપિલભાઈ અરવિંદભાઈ વાઘેલા (ઉ.વ.25)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયેન કાળુ વાઘેલા નામના શખ્સનું નામ આપતાં જેતપુર સીટી પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે રહે છે અને મજૂરીકામ કરે છે. તેના પિતા સાતેક વર્ષ પહેલા અવસાન પામેલ છે. મમ્મી લક્ષ્મીબેન મજૂરીકામ કરે છે. બે ભાઈઓ તથા એક બહેન છે. સૌથી મોટા કમલેશભાઈ જે જેતપુર નગરપાલિકામાં કરાર આધારિત સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા, તેને આજથી આશરે બાર વર્ષ પહેલા નીતાબેન નૈયા (રહે. કોઠારીયા રાજકોટ) સાથે પ્રેમસંબંધ થઈ જતાં આ નીતાબેન તેના અગાઉના પતિ કાળુભાઈ વાઘેલા (રહે.જેતપુર) ની હયાતિમાં તેઓને છોડી ભાઈ કમલેશ સાથે મૈત્રીકરાર કરી ઘરે લઈ આવ્યા હતા અને ત્યારથી તે બંને પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા.
અગાઉ આ નીતાબેનના લગ્ન કાળુભાઇ પ્રેમજીભાઈ વાઘેલા સાથે થયેલ હતા. આ કાળુભાઈ આશરે દસેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા, તેનાથી નીતાબેનને સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે જેમાં એક જયન કાળુ વાઘેલા તથા અર્જુન અને એક દીકરી તુલસીબેન જે પૈકી દીકરી તુલસીબેનને ભાઈ કમલેશએ દત્તક લીધેલ હતી. તેના લગ્ન પણ ભાઈએ કરાવી દીધેલ હતા. આ નીતાબેનના બંને દીકરા જયન અને અર્જુન સાથે ભાઈ કમલેશભાઈને કોઈ વ્યવહાર નહોતો અને તેઓ બંને રાજકોટ કોઠારીયા ખાતે રહી મજુરીકામ કરે છે.
ગઈકાલે સવારના ફરિયાદી અને તેની માતા તેમજ ભાઈ કમલેશ બધા સાફ સફાઈ કરવા મજૂરીકામે ગયેલ અને આશરે સાડા અગિયારેક વાગ્યે ઘરે આવેલ હતાં. ત્યારબાદ ફરિયાદી તેના માતા અને પત્ની રૂપા ઘરે હાજર હતા ત્યારે આશરે સાડા બારેક વાગ્યે ભાઈ કમલેશ ગામમાં છાસ લેવા જવાનું કહી બહાર ગયો હતો અને તે આશરે અડધી કલાક થવા છતા ઘરે આવ્યો નહીં, જેથી તેને બોલાવવા ઘરથી બહાર નિકળતો હતો.
ત્યારે તે વિસ્તારમાં રહેતો લખનભાઈ સોલંકી મળ્યો અને કહ્યું, તમારા ભાઈ કમલેશભાઈને ઈજા થઈ છે, ચાલો જલ્દી, જેથી તેની સાથે ગયા હતા અને જોયું તો કણકીયા પ્લોટમાં શારદા મંદીર સ્કુલથી થોડેક આગળ શેરીમાં ભાઈ કમલેશ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને ત્યાં બીજા ઘણા માણસો ઉભેલા હતા. જે બાદ તુરંત જ ભાઈ કમલેશને 108 મારફત જેતપુર સરકારી હોસ્પિટલ સારવારમાં લાવતા ફરજ પરના તબીબે કમલેશને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ વખતે જોયું તો ભાઈના શરીરમાંથી ખુબજ લોહી નીકળી ગયેલ અને પોલીસ આવી જતાં કાર્યવાહી કરેલ તે વખતે ભાઈની લાશ જોતાં તેના શરીરે આગળ છાતી ના ભાગે, ડાબા હાથ ઉપર, ખભાથી નીચેના ભાગે, પીઠ પાછળ સહિત છરીના કુલ છ ઊંડા ઘા જોવામાં આવેલ હતાં.
આ વખતે હોસ્પિટલના બીજા માણસોના મોબાઇલમાં સોશિયલ મીડિયામાં આ બનાવનો વીડિયો વાઈરલ થયેલ હોય તેમાં જોતાં ભાઈ કમલેશને ભાભી નીતાબેનનો અગાઉનો દીકરો જયન કાળુ વાઘેલા છરીથી આડેધડ ઘા મારતો હોય અને ભાઈ તેનાથી બચવા દોડી આજીજી કરતો હોય તેવું આ વિડીયોમાં જોયેલ હતું. જેથી જયન વાઘેલાએ ભાઈના શરીરે છરીથી આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવતા ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી પીઆઈ એ.ડી.પરમાર અને ટીમે આરોપી જયેન વાઘેલાને ગણતરીની કલાકોમાં દબોચી કાર્યવાહી કરી હતી.
જેતપુરના કણકીયા પ્લોટમાં સરા જાહેર થયેલ હત્યાના બનાવમાં DySP રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, આ હત્યાના ગુનામાં બે આરોપીઓની સંડોવણી ખુલવા પામી છે. જેમાં પહેલા મુખ્ય આરોપી જયેન વાઘેલાની ધરપકડ થયા બાદ પુછતાછમાં તેની સાથે રાજકોટથી તેના મામાનો પુત્ર ધ્રુવ પણ સાથે આવ્યો હતો. બંને આગલા દિવસે જેતપુર આવી પહોંચ્યા હતા અને તે રાતે જ હત્યાને અંજામ આપવાનું આયોજન થયું હતું. પરંતુ તે રાતે કોઈ કારણોસર તેમનું કાવતરું નિષ્ફળ નીકળતા બીજા દિવસે વ્યવસ્થિત રેકી કરી ગુનાને અંજામ આપ્યાનું ખુલતાં ધ્રુવની પણ ધરપકડ કરી કાર્યવાહી આદરી હતી.'
આ પણ વાંચો:

