ETV Bharat / state

સોમનાથ સ્વાભિમાન પર્વ: વડાપ્રધાનમાં સ્વાગતમાં આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે

વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા પરંપરાગત અને ઐતિહાસિક ‘મહારાસ’ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે.

વડાપ્રધાનમાં સ્વાગતમાં આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે
વડાપ્રધાનમાં સ્વાગતમાં આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 10, 2026 at 3:26 PM IST

3 Min Read
Choose ETV Bharat

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ–2026' અંતર્ગત આજે 10 જાન્યુઆરીની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિને લઈને પ્રભાસતીર્થ સોમનાથમાં ઐતિહાસિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા પરંપરાગત અને ઐતિહાસિક ‘મહારાસ’ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે.

મહમુદ ગઝનવીના આક્રમણને એક હજાર વર્ષ અને સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવાના પાવન સંગમ પ્રસંગે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ માતાઓ સુધીની 100 આહીરરાણી પરંપરાગત વેશભૂષા ધારણ કરી લોકસંગીતના તાલે આહીર સમાજની સંસ્કૃતિ, શૌર્ય અને ગૌરવને રાષ્ટ્રીય મંચ પર ઉજાગર કરશે.

વડાપ્રધાનમાં સ્વાગતમાં આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે (ETV Bharat Gujarat)

સોમનાથ મંદિર પરિસરમાં હાલ મહારાસના આખરી તબક્કાના રિહર્સલ ચાલી રહ્યા છે. જેમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જાયો છે. ઢોલ-નગારાના તાલ, પરંપરાગત ઘાઘરા-ચોળી અને આભૂષણોમાં સજ્જ બહેનોના નૃત્યથી મંદિર પરિસર એક જીવંત સાંસ્કૃતિક મહોત્સવમાં પરિવર્તિત થયું છે, જે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ આકર્ષણ બની રહ્યું છે.

પેઢીઓનો સંગમ આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં બાળાઓ, યુવતીઓ અને વયોવૃદ્ધ માતાઓ ત્રણેય પેઢીઓ એકસાથે સહભાગી બની રહી છે, જે આહીર સમાજની એકતા અને પરંપરાની અખંડતા દર્શાવે છે.

આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે
આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે (ETV Bharat Gujarat)

સાંસ્કૃતિક વારસાની ઝલક

પરંપરાગત વેશભૂષા, લોકસંગીત અને નૃત્ય દ્વારા આહીર સમાજ પોતાની આગવી ઓળખ, ઇતિહાસ અને સંસ્કૃતિક વારસાને સમગ્ર દેશ સમક્ષ ગૌરવપૂર્વક રજૂ કરશે.

ભક્તિ અને શક્તિનું મિલન

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાતું આ મહારાસ રિહર્સલ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં, પરંતુ ભક્તિ અને શક્તિનું દિવ્ય મિલન બની રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને સોમનાથ મહાદેવ મંદિર, મંદિર પરિસર તથા સમગ્ર આગમન માર્ગને ભવ્ય અને દિવ્ય પુષ્પસજ્જાથી શણગારવામાં આવ્યો છે. મંદિરના શિખરથી લઈને પ્રવેશદ્વાર, સભામંડપ, પરિક્રમા માર્ગ અને આસપાસના વિસ્તારોમાં સફેદ, કેસરી અને પીળા રંગના તાજા પુષ્પોથી અલૌકિક સૌંદર્ય ખીલ્યું છે. સમગ્ર પરિસર ભક્તિમય સુગંધ અને દિવ્ય આભાથી ઝળહળી ઉઠ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે માર્ગે સોમનાથ પહોંચશે તે સમગ્ર રૂટ પર ફૂલોના તોરણો, કલાત્મક પુષ્પલડીઓ અને રંગબેરંગી શણગાર કરવામાં આવ્યા છે. આ ભવ્ય સજાવટ માટે 100થી વધુ કુશળ કારીગરોએ દિવસ-રાત મહેનત કરી પરંપરાગત શૈલી સાથે આધુનિક કલાત્મકતાનું સુંદર સંયોજન ઊભું કર્યું છે.

આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે
આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે (ETV Bharat Gujarat)

પ્રભાસ તીર્થ સોમનાથમાં દેશભરના શિવભક્તો અને યાત્રિકોમાં ઉત્સાહ ચરમસીમાએ છે. 'જય સોમનાથ' અને 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદથી સમગ્ર ધામ ગુંજી ઉઠ્યું છે. ભવ્ય પુષ્પ સજ્જા, મહારાસ અને વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં એક દિવ્ય અને ઐતિહાસિક ઉત્સવનો માહોલ સર્જાયો છે, જે આ ક્ષણને સદાય સ્મરણિય બનાવશે.

પ્રધાનમંત્રીના પ્રવાસને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં

સોમનાથ ખાતે યોજાનારી પ્રધાનમંત્રીની ભવ્ય શૌર્ય યાત્રા તથા જાહેર સભાને લઈ સમગ્ર વિસ્તારમાં અભેદ અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને અંતિમ આકાર આપવામાં આવ્યોછે. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ માટે 3 ઇન્સ્પેક્ટર જનરલ (IG), 3 ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG), 15થી વધુ પોલીસ અધિક્ષક (SP) સહિત ઉચ્ચ અધિકારીઓની તૈનાતી કરવામાં આવી છે. આ ઉપરાંત અંદાજે 50 DYSP, 100 જેટલા PI, 150 PSI અને 2000થી વધુ પોલીસ જવાનો ફરજ પર રહેશે.

આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે
આહીર સમાજ સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે (ETV Bharat Gujarat)

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ની 3 કંપનીઓ તેમજ સ્પેશિયલ સ્ટ્રાઈકિંગ ફોર્સને પણ બંદોબસ્તમાં સામેલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના રોડ શો, જાહેર સભાના સ્થળ તેમજ સમગ્ર યાત્રા રૂટ પર સતત અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

CCTV, ડ્રોન સર્વેલન્સ, વાહન ચેકિંગ, પગપાળા પેટ્રોલિંગ અને રૂટ સેનિટાઇઝેશન જેવી વ્યવસ્થાઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા બહુસ્તરીય બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને કોઈપણ સંભવિત જોખમ સામે તાત્કાલિક કાર્યવાહી માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે.

સોમનાથમાં યોજાનારા આ ઐતિહાસિક કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સફળ બનાવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.

આ પણ વાંચો...

  1. સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુઓની સોમનાથ મંદિર સુધી ભવ્ય રવાડી નીકળી, શિવરાત્રીના મેળા જેવો સર્જાયો માહોલ
  2. સોમનાથ સ્વાભિમાન પર્વ: સોમનાથ મંદિર બન્યું મહિલા સશક્તિકરણું કેન્દ્ર, 363 મહિલાઓને વર્ષમાં 9 કરોડની કમાણી થઈ