સોમનાથ દર્શનાર્થીઓ સાવધાન: AIથી ફેક ગેસ્ટહાઉસ બુકિંગ કૌભાંડ, 6 આરોપી ઝડપાયા
શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી અતિથિ ભવનમાં બુકિંગ માત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી જ થાય છે.

Published : February 24, 2026 at 7:07 PM IST
ગાંધીનગર: સોમનાથ મંદિર ખાતે દર્શન માટે જઈ રહેલા યાત્રાળુઓ માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. CID ક્રાઇમ ગુજરાતના સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા AI ટેક્નોલોજીની મદદથી ફેક વેબસાઇટ બનાવી ગેસ્ટહાઉસ બુકિંગના નામે છેતરપિંડી કરતી ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી અતિથિ ભવનમાં બુકિંગ માત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી જ થાય છે. AGODA સહિત અન્ય કોઈ પણ બુકિંગ પ્લેટફોર્મને મંજૂરી આપવામાં આવી નથી. કેટલાક યાત્રાળુઓએ ઓનલાઈન બુકિંગ કરાવ્યાનો દાવો કર્યો હતો, પરંતુ ટ્રસ્ટના રેકોર્ડમાં નોંધ ન મળતા છેતરપિંડીની શંકા ઊભી થઈ હતી.
અરજી મળ્યા બાદ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. ગૂગલ સર્ચ દરમિયાન સોમનાથ નામ સાથે ભળતી 4 ફેક વેબસાઇટ મળી આવી. આ વેબસાઇટ પર હોટલના મૂળ ફોટાનો ઉપયોગ કરી AIની મદદથી તેમાં ફેરફાર કરીને ખોટા મોબાઇલ નંબર દર્શાવવામાં આવ્યા હતા. પર્યટકોને QR કોડ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરવા કહેવામાં આવતા અને ચુકવણી બાદ AI જનરેટેડ ખોટી બુકિંગ રસીદ મોકલી દેવામાં આવતી હતી.
ટેક્નિકલ સર્વેલન્સમાં જાણવા મળ્યું કે, સમગ્ર કૌભાંડ રાજસ્થાનના જયપુર માંથી સંચાલિત થતું હતું. પોલીસ ટીમે રાજસ્થાન પહોંચી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓ કોલેજના વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા પાંચ મહિનાથી ભાડાના મકાનમાં રહી ગેંગ ચલાવતા હતા.
સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડૉ રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓ અત્યાધુનિક AI ટૂલ્સનો ઉપયોગ કરી વિશ્વસનીય દેખાતી ફેક વેબસાઇટ બનાવતા હતા. તેઓ મૂળ વેબસાઇટના ફોટા અને ડિઝાઇન કૉપી કરીને તેમાં ફેરફાર કરતા, ખોટા સંપર્ક નંબર ઉમેરતા અને QR કોડ દ્વારા સીધા પોતાના એકાઉન્ટમાં રૂપિયા મંગાવતા હતા.
ડૉ. ઝાલાએ વધુમાં જણાવ્યું કે આરોપીઓ દ્વારા ખોલાવવામાં આવેલા બેંક ખાતાઓ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વિગતોનું વિશ્લેષણ કરતાં દેશભરમાં 90થી વધુ સાયબર છેતરપિંડીના ગુનાઓ સાથે તેમનો સંબંધ બહાર આવ્યો છે.
તપાસમાં ખુલ્યું કે માત્ર સોમનાથ જ નહીં, પરંતુ વૃંદાવન ખાતે ઇસ્કોન, કાશી વિશ્વનાથ અને નાથદ્વારામાં પણ બુકિંગના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. 1930 પોર્ટલ અને સમન્વય પોર્ટલ પર મળેલી અરજીઓ અનુસાર ગુજરાતની 43 અને અન્ય રાજ્યોની 47 મળી કુલ 90 ફરિયાદો નોંધાઈ છે.
પોલીસે યાત્રાળુઓને અપીલ કરી છે કે, સોમનાથ ખાતે રહેવાની વ્યવસ્થા માટે માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ બુકિંગ કરવું, અજાણી વેબસાઇટ કે મોબાઇલ નંબર પર વિશ્વાસ ન કરવો અને સાયબર છેતરપિંડીનો ભોગ બનતા જ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર જાણ કરવી.
આ પણ વાંચો:

