ઓલપાડના કારેલી ગામે SOGનો મોટો દરોડો: 27.74 લાખનો 55 કિલો ગાંજો ઝડપાયો, 4 ઓરિસ્સાવાસીઓની ધરપકડ
સુરત ગ્રામ્ય SOGની ચોક્કસ બાતમી મળી હતી કે કારેલી ગામની મધુવન રેસીડેન્સીના મકાન નંબર-188માં નશીલા પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

Published : February 25, 2026 at 4:22 PM IST
|Updated : February 25, 2026 at 4:36 PM IST
સુરત: સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા અપાયેલી સૂચનાના પગલે એસ.ઓ.જી. શાખાને મોટી સફળતા મળી છે. ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલી એક રેસીડેન્સીમાં ચાલતા ગાંજાના નેટવર્ક પર ત્રાટકી પોલીસે 55.493 કિલોગ્રામ ગાંજા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
સુરત ગ્રામ્ય SOGની ચોક્કસ બાતમી મળી હતી કે કારેલી ગામની મધુવન રેસીડેન્સીના મકાન નંબર-188માં નશીલા પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે ઓચિંતા દરોડા પાડીને ઓરિસ્સાના વતની એવા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
- ગાંજાનો જથ્થો: 55.493 કિલોગ્રામ (કિંમત રૂ. 27,74,650/-)
- વાહન: ટાટા ટેમ્પો (નંબર GJ-05-CU-1531)
- અન્ય: ૬ નંગ મોબાઈલ ફોન, રોકડ રકમ અને દસ્તાવેજો.
- કુલ મુદ્દામાલ: રૂ. 30,34,320/-
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના મુખ્ય સપ્લાયરો રાજેશ ઉર્ફે રામ અને જયસીંગ ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો મોકલતા હતા. આ જથ્થો સાયણ રેલ્વે ટ્રેક પાસે પીલર નંબર પાસે લાઈટના સિગ્નલ બતાવીને ડિલિવરી લેવામાં આવતી હતી. ત્યાંથી ટેમ્પો મારફતે આ જથ્થો કારેલી ગામના મકાનમાં લાવી સુરતના વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતો હતો.

ધરપકડ કરાયેલા આરોપીઓ:
૧. જયસેન તોફાન મહંતી (રહે. ઓરિસ્સા)
૨. સુશાંત પ્રફુલ્લા નાયક (રહે. ઓરિસ્સા)
૩. અજય ઉર્ફે અજયા નિત્યાનંદ નાયક (રહે. ઓરિસ્સા)
૪. શ્રીકાંત શીબરામ પલતા (રહે. ઓરિસ્સા)
આ ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે ગંગુ, જયસીંગ અને ટ્રેનમાં માલ પહોંચાડનારા માણસો સહિત કુલ 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઓલપાડ પોલીસ મથકે NDPS એક્ટની કલમ 8(સી), 20(બી) અને 29 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઓપરેશનથી સુરત ગ્રામ્યમાં નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો:

