ETV Bharat / state

ગોંડલમાં સામાજિક કાર્યકર પિયુષ રાદડિયાને જાનથી મારી નાખવાની ધમકી, ગણેશ જાડેજા અને તેના સાથીદાર સામે ગંભીર આક્ષેપ

ગોંડલના સામાજિક કાર્યકર અને પાટીદાર આગેવાન પિયુષભાઈ લાલજીભાઈ રાદડિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી

ગોંડલમાં સામાજિક કાર્યકર પિયુષ રાદડિયાને જાનથી મારી નાખવાની ધમકી
ગોંડલમાં સામાજિક કાર્યકર પિયુષ રાદડિયાને જાનથી મારી નાખવાની ધમકી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 7:43 AM IST

|

Updated : January 7, 2026 at 11:21 AM IST

2 Min Read
Choose ETV Bharat

રાજકોટ: ગોંડલ પંથકમાં ફરી એકવાર રાજકીય અને સામાજિક ગરમાવો આવ્યો છે. ગોંડલના જાણીતા સામાજિક કાર્યકર અને પાટીદાર આગેવાન પિયુષભાઈ લાલજીભાઈ રાદડિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પિયુષભાઈએ સીધા ગણેશ જાડેજા અને જનકસિંહ જાડેજા સામે આંગ ચીંધીને બી-ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે.

પિયુષભાઈ રાદડીયાના જણાવ્યા અનુસાર, ઘટના તારીખ 5 જાન્યુઆરી 2026ના રોજ બની હતી. જ્યારે તેઓ સવારે ઉઠ્યા ત્યારે તેમણે પોતાના મોબાઈલમાં ફેસબુક મેસેન્જર ચેક કરતા ચોંકી ઉઠ્યા હતા. રાત્રે અંદાજે 3:00 વાગ્યાના સુમારે 'જનકસિંહ જે. જાડેજા' (Janaksinh J Jadeja) નામના ફેસબુક એકાઉન્ટ પરથી તેમને અનેક મેસેજ, ઓડિયો કોલ અને વીડિયો કોલ આવ્યા હતા. આ મેસેજીસમાં તેમને બિભત્સ ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી.

ગોંડલમાં સામાજિક કાર્યકર પિયુષ રાદડિયાને જાનથી મારી નાખવાની ધમકી (ETV Bharat Gujarat)

પિયુષભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે ધમકી આપનાર પ્રોફાઇલ ચેક કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ વ્યક્તિ ગોંડલના ગણેશ જાડેજા સાથે અંગત સંબંધો ધરાવે છે. પ્રોફાઇલમાં ગણેશ જાડેજા સાથેના ફોટાઓ પણ જોવા મળ્યા હતા. પિયુષભાઈએ સીધો આક્ષેપ કર્યો છે કે, "મને ડરાવવા અને ધમકાવવા માટેનું આ કૃત્ય ગણેશ જાડેજાના કહેવાથી જ કરવામાં આવ્યું છે."

પોલીસ ફરિયાદ અને મીડિયા સમક્ષ પિયુષભાઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં ખેડૂતોના પ્રશ્નો અને અન્યાય સામે લડત ચલાવી રહ્યા છે. ખાસ કરીને ગોંડલમાં થયેલા રાજકુમાર જાટ મર્ડર કેસમાં ન્યાયની માંગણી કરતા રહ્યા છે.

ગોંડલના સામાજિક કાર્યકરને ધમકી મળતા પોલીસને અરજી આપી છે
ગોંડલના સામાજિક કાર્યકરને ધમકી મળતા પોલીસને અરજી આપી છે (ETV Bharat Gujarat)

"હું દલિતો,ખેડૂતો અને પીડિતો માટે અવાજ ઉઠાવું છું, જે આ તત્ત્વોને ખૂંચી રહ્યું છે, તેમના પેટમાં તેલ રેડાયું હોવાથી મને ચૂપ કરવા માટે આ પેંતરો રચવામાં આવ્યો છે." પિયુષ રાદડીયા, સામાજિક કાર્યકર

પોતાની અરજીમાં પિયુષ ભાઈએ અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ગોંડલના ભૂતકાળને યાદ કરતા જણાવ્યું છે કે, જે રીતે ભૂતકાળમાં સ્વ. વિનુભાઈ શીંગાળા અને સ્વ. નિલેશભાઈ રૈયાણીની હત્યા કરવામાં આવી હતી, તેવી જ રીતે તેમની હત્યા થવાની પૂરેપૂરી દહેશત છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે ધમકી આપનાર જનકસિંહ જાડેજા ગુનાહિત માનસિકતા ધરાવે છે અને ભૂતકાળમાં કોલેજ ચોક વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં પણ તેનું નામ સંડોવાયેલું હતું.

આ પણ વાંચો:

Last Updated : January 7, 2026 at 11:21 AM IST