કચ્છમાં SMCએ 4 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો, 23 વોન્ટેડ; PI-PSI સસ્પેન્ડ, ડી-સ્ટાફ અને હેડ કોન્સ્ટેબલોની બદલી
ભુજ તાલુકાના વડવાળા ગામે, સર્વે નં. 39 ખાતે દારૂની કટીંગ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે SMC એ અચાનક દરોડો પાડી સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.

Published : February 21, 2026 at 7:48 AM IST
કચ્છ: રાજ્ય પોલીસ વડાની કચ્છ મુલાકાત પહેલા જ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના જથ્થા સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ તાલુકાના વડવાળા ગામે, સર્વે નં. 39 ખાતે દારૂની કટીંગ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે SMC એ અચાનક દરોડો પાડી સમગ્ર જથ્થો કબજે કર્યો હતો. દરોડા દરમિયાન કુલ ₹5,09,06,270 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં વિદેશી દારૂ, વાહનો અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
56 હજારથી વધુ IMFL બોટલ્સ કબજે
SMCની ટીમે સ્થળ પરથી 56,088 IMFL બોટલો કબજે કરી, જેની અંદાજિત કિંમત ₹4,00,85,270 છે. દારૂના જથ્થાની હેરફેર અને સપ્લાય માટે ઉપયોગમાં લેવાતા 2 ટાટા ટ્રક, 3 ટાટા મીની ટ્રક અને 1 મહિન્દ્રા પિકઅપ સહિત કુલ ₹1,08,21,000 ના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત 2 મોબાઇલ ફોન (₹20,000) અને તપાસ માટે ઉપયોગી સાધન (₹1,000) મળી કુલ મુદ્દામાલ ₹5.09 કરોડ સુધી પહોંચ્યો છે.
કાયદેસર કાર્યવાહી
આ સમગ્ર મામલે ગુજરાત દારૂબંધી અધિનિયમની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 111(2)(B), 111(3)(4), 238 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર્યવાહી બાદ કેસ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે.
ઝડપી પાડવામાં આવેલા આરોપીઓ
SMC દ્વારા દરોડા દરમિયાન નીચેના બે આરોપીઓને ઝડપી પોલીસ હવાલે સોંપવામાં આવ્યા છે:
- જસરામ જગા ભરવાડ, રહે. વિક્રમ, રાપર, કચ્છ
- વિશાલ બિરેન કરમકમ, રહે. મેઘપર બોરીચી, કચ્છ
આ કેસમાં કુલ 23 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
અધિકારીઓની ભૂમિકા
આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ SMC ના PSI એસ.વી. ગલચર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની ટીમે બાતમીને આધારે તાત્કાલિક કાર્યવાહી કરી અને દારૂની કટીંગ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ દરોડો પાડી સફળતા મેળવી.
પોલીસ તંત્રમાં હલચલ
રાજ્ય પોલીસ વડાની મુલાકાત પહેલા થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પશ્ચિમ કચ્છ LCB માં તાજેતરના સત્તા પરિવર્તન બાદ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપારમાં વધારો થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે SMC ની આ કડક કાર્યવાહી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે. જિલ્લા પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કચ્છમાં દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
PI એ.જી. પરમાર, PSI વાય.એસ. ઝાલા સહિત 5 સસ્પેન્ડ
પધ્ધરમાંથી SMCએ ઝડપેલા 4 કરોડના દારૂ બાદ પોલીસ સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ પધ્ધરના PI એ.જી. પરમાર, PSI વાય.એસ. ઝાલાને સસ્પેન્ડ કર્યા છે. ASI મહેન્દ્રસિંહ જાડેજા, ASI મહિપાલસિંહ નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ નીલેશ પુનમાભાઈ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પધ્ધર ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI એ.એમ. મકવાણા અને PSI જાદવની લીવ રીઝર્વમાં બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો:

