ETV Bharat / state

રાજકોટના આરાધ્ય દેવ છે રામનાથ મહાદેવ, ભક્તો માટે 24 કલાક મંદિર રહે છે ખુલ્લું

રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે પૂજાતા રામનાથ મહાદેવનો ઇતિહાસ આશરે 600 વર્ષ જેટલો જુનો છે. આજી નદીની વચોવચ આવેલું આ મંદિર ક્યારેય બંધ થતું નથી.

રામનાથ મહાદેવ રાજકોટ
રામનાથ મહાદેવ રાજકોટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 6:03 AM IST

2 Min Read
Choose ETV Bharat

રાજકોટ: દેવાધિદેવ મહાદેવનો અતિપ્રિય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને સમગ્ર ગુજરાત શિવમય બન્યું છે. ત્યારે રાજકોટવાસીઓ માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે આજી નદીની વચ્ચોવચ્ચ બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવના દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં શિવભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે.

રામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ

રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે પૂજાતા રામનાથ મહાદેવનો ઇતિહાસ આશરે 600 વર્ષ જેટલો જુનો છે. રામનાથ મહાદેવના મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો આજથી 600 વર્ષ પહેલા રાજકોટમાં ગાયકવાડ સરકારનું શાસન હતું. તે સમયે ગાયકવાડ સરકારના સૂબાઓ ઠેર ઠેર ખેતીવાડી પર ચોથ ઉઘરાવવા માટે નીકળતા હતા. જ્યારે તેઓ સૌરાષ્ટ્ર તરફ ચોથ ઉઘરાવવા જતા ત્યારે રાજકોટમાં રોકાણ કરતા. તે સમયે આજે જ્યાં રામનાથ મહાદેવ બિરાજે છે ત્યાં આજી નદીનો વિશાળ પટ અને ચારેય બાજુ ગાઢ જંગલ હતું, કોઈ શિવાલય નહોતું.

રાજકોટના આરાધ્ય દેવ રામનાથ મહાદેવનું મહાત્મય (Etv Bharat Gujarat)

ગાયકવાડના એક સૂબા સરદાર પરમ શિવભક્ત હતા. તેમનો નિયમ હતો કે શિવ પૂજા કર્યા વિના અન્ન જળ ગ્રહણ ન કરવું. રાજકોટમાં શિવાલય ન મળતા તેમણે 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો.કહેવાય છે કે સાતમા દિવસે રાત્રે સ્વયં મહાદેવે તેમના સ્વપ્નમાં આવીને કહ્યું કે, "આજી નદીના પટમાં ખોદકામ કરો, ત્યાં સ્વયંભૂ શિવલિંગ મળશે, તેની પૂજા કરીને અન્ન જળ ગ્રહણ કર." બીજા દિવસે સવારે સૂબાના સરદારે પોતાના માણસો પાસે આજી નદીના પટમાં ખોદકામ કરાવ્યું અને ચમત્કાર થયો. ખરેખર ત્યાંથી એક દિવ્ય સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું.સૂબા સરદારે તે શિવલિંગની વિધિવત પૂજા કરી અને તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ હોવાથી આ શિવલિંગનું નામ 'રામનાથ મહાદેવ' રાખવામાં આવ્યું.

દિવસ રાત ભક્તો માટે ખુલ્લુ રહે છે રામનાથ મહાદેવનું મંદિર
દિવસ રાત ભક્તો માટે ખુલ્લુ રહે છે રામનાથ મહાદેવનું મંદિર (Etv Bharat Gujarat)

રામનાથ દાદાની નગર યાત્રા

રામનાથ મહાદેવ એ માત્ર મંદિર નથી, રાજકોટના લોકોની રક્ષા કરનાર ગ્રામ્ય દેવતા છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામની મહામારી ફેલાઈ હતી. રોજ સેંકડો લોકો મૃત્યુ પામી રહ્યા હતા. ત્યારે રાજકોટના રાજવી સર લાખાજીરાજ મહારાજે રામનાથ દાદાના શરણે જઈને પ્રાર્થના કરી હતી કે, "હે દાદા, જો મારી પ્રજાને આ મહામારીમાંથી બચાવશો તો હું આપને નગરયાત્રા કરાવીશ."

રામનાથ મહાદેવ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર
રામનાથ મહાદેવ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર (Etv Bharat Gujarat)

કહેવાય છે કે રામનાથ દાદાએ રાજવીની પ્રાર્થના સાંભળી અને થોડા જ દિવસોમાં રાજકોટમાંથી પ્લેગ નાબૂદ થઈ ગયો. પોતાની માનતા પૂરી કરવા માટે લાખાજીરાજે રામનાથ મહાદેવની ભવ્ય વર્ણાંગી (નગરયાત્રા) કાઢી. આ પરંપરા આજે 100 વર્ષથી પણ વધુ સમયથી અવિરત ચાલી રહી છે. દર વર્ષે શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામનાથ દાદાની વર્ણાંગી ઢોલ-નગારા અને હજારો ભક્તો સાથે નીકળે છે.

રામનાથ પરા વિસ્તારમાં આજી નદીની વચોવચ બિરાજમાન છે રામનાથ મહાદેવ
રામનાથ પરા વિસ્તારમાં આજી નદીની વચોવચ બિરાજમાન છે રામનાથ મહાદેવ (Etv Bharat Gujarat)

રામનાથ મહાદેવ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ મંદિર 24 કલાક દર્શનાર્થે ખુલ્લું રહે છે. ચારેય બાજુથી ખુલ્લા આ મંદિરને ક્યારેય તાળા લાગતા જ નથી. ભક્તો ગમે ત્યારે આવીને દાદાના દર્શન કરી શકે છે. દેશમાં અનેક શિવ મંદિરો નદીના કિનારે છે, પરંતુ રામનાથ મહાદેવ તો ખુદ આજી નદીની વચ્ચોવચ્ચ બિરાજમાન છે. ચોમાસામાં જ્યારે આજી નદીમાં પૂર આવે છે ત્યારે નદીના પાણી દાદાના શિવલિંગને સ્પર્શીને વંદન કરીને જાય છે તેવું ભક્તો માને છે.

ભક્તો માટે 24 કલાક મંદિર રહે છે ખુલ્લું
ભક્તો માટે 24 કલાક મંદિર રહે છે ખુલ્લું (Etv Bharat Gujarat)

શ્રાવણ માસ દરમિયાન અહીં રામનાથ મહાદેવના મંદિરે વિશેષ પૂજા-અર્ચના થાય છે. દરરોજ બપોરે 12 વાગે મહાપૂજા, સવાર-સાંજ મહાઆરતી અને રાત્રે 9:30 વાગે ભૈરવ મહાપૂજા કરવામાં આવે છે. શ્રાવણી સોમવારે અહીં ફૂલેકા ઉત્સવ પણ ઉજવાય છે.

આ પણ વાંચો

  1. ખેડા જિલ્લામાં બે નદીઓના સંગમ સ્થળે આવેલું મહાદેવનું પૌરાણિક મંદિર, ગળતેશ્વર મહાદેવ મંદિર
  2. ભરૂચના શિયાલીમાં આવેલું શિવજીનું અનોખું ધામ, અમરનાથના બાબા બર્ફાની જેવી થાય અનુભૂતિ