7 વર્ષની સજાના કેસમાં શકુંતલા વસાવાને હાઈકોર્ટથી જામીન, રાજ્ય સરકારે માનવીય અભિગમ અપનાવ્યો
ટ્રાયલ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવી સાત વર્ષની સજા ફટકારી હતી.

Published : July 2, 2026 at 4:54 PM IST
અમદાવાદ: આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ આઠ લોકોને સાત વર્ષની સજા ફટકારવામાં આવેલા કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ રાહત આપતાં આરોપી શકુંતલા બલીરામ વસાવાને નિયમિત જામીન મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પણ માનવીય અભિગમ દાખવી તેમની જામીન અરજીનો વિરોધ કર્યો નહોતો.
આ કેસ વર્ષ 2023 દરમિયાન નોંધાયેલા ગુનાથી સંબંધિત છે. આરોપ છે કે સરકારી ફરજમાં અવરોધ, સરકારી કર્મચારીઓ પર હુમલો, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવા સહિતના આરોપોમાં ચૈતર વસાવા સહિત આઠ આરોપીઓ સામે કેસ નોંધાયો હતો.
ટ્રાયલ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવી સાત વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ અને જામીન માટે અરજી કરી હતી.આરોપી શકુંતલા બલીરામ વસાવા 31 વર્ષની મહિલા છે અને સજા બાદ તેઓ પોતાની માત્ર 18 દિવસની નવજાત બાળકી સાથે જેલમાં ગયા હતા. આ હકીકતને આધારે હાઈકોર્ટમાં તેમની તરફથી માનવીય અભિગમ રાખીને રાહત આપવા રજૂઆત કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલ હાર્દિક દવેએ કોર્ટને જણાવ્યું હતું કે, અરજદાર મહિલા છે અને તેમની સાથે 18 દિવસની નવજાત બાળકી છે. બાળકના હિત, માતાની હાજરીની જરૂરિયાત અને મહિલા તરીકેની પારિવારિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમની જામીન અરજીનો વિરોધ કર્યો નથી.
સરકારી વકીલ હાર્દિક દવેએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ કેસમાં કાયદાકીય મુદ્દાઓ સાથે માનવીય સંજોગોને પણ ધ્યાનમાં રાખી રહી છે. નવજાત બાળકના હિતને પ્રાથમિકતા આપીને સરકારે હાઈકોર્ટ સમક્ષ જામીન અરજીનો વિરોધ ન કરવાનો નિર્ણય લીધો હતો.
બંને પક્ષોની દલીલો અને કેસની હકીકતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે શકુંતલા બલીરામ વસાવાને નિયમિત જામીન મંજૂર કર્યા છે. જોકે, ટ્રાયલ કોર્ટના ચુકાદા સામેની અપીલ અને કેસની અન્ય કાનૂની કાર્યવાહી યથાવત ચાલુ રહેશે.
આ પણ વાંચો:

