ETV Bharat / state

ઉના-વેરાવળ રોડ પર ફરી ગંભીર અકસ્માત: બેદરકારી ભર્યા ડ્રાઇવિંગે બે લોકોને પહોંચાડી ગંભીર ઈજાઓ

પોલીસ ફરિયાદ મુજબ ઉનાના નાથળ ગામના ડાયાભાઈ ભાણાભાઈ વંશ પોતાની હોન્ડા શાઇન બાઈક લઈને ઉનાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.

ઉના-વેરાવળ રોડ પર ફરી ગંભીર અકસ્માત: બેદરકારી ભર્યા ડ્રાઇવિંગે બે લોકોને પહોંચાડી ગંભીર ઈજાઓ
ઉના-વેરાવળ રોડ પર ફરી ગંભીર અકસ્માત: બેદરકારી ભર્યા ડ્રાઇવિંગે બે લોકોને પહોંચાડી ગંભીર ઈજાઓ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 16, 2026 at 4:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઉના-વેરાવળ રોડ પર શિલોજ બાયપાસ નજીક વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે આરોપી બાઈક ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. ઉના-વેરાવળ રોડ પર વારંવાર નાના-મોટા અકસ્માતો થતા હોવાથી માર્ગ સલામતી અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.

પોલીસ ફરિયાદ મુજબ ઉનાના નાથળ ગામના ડાયાભાઈ ભાણાભાઈ વંશ પોતાની હોન્ડા શાઇન બાઈક લઈને ઉનાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જનતા ઓટો ગેરેજ નજીક આવેલા ભૂતડાદાદાના થાનક પાસે સામે તરફથી લાલ રંગની નંબર વગરની પલ્સર બાઈક અત્યંત ઝડપે અને બેદરકારીપૂર્વક આવી હતી. બાઈક ચાલકે સીધી તેમની બાઈકને ટક્કર મારી હતી.

ટક્કરની અસર એટલી ગંભીર હતી કે ડાયાભાઈ રોડ પર પટકાઈ ગયા હતા. તેમની પાછળ આવતી બીજી બાઈક પણ અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી, જેના ચાલક ભાવેશ અરજણભાઈ ડાભીને પણ ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને પ્રથમ ઉના સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડાયાભાઈને માથા, મોઢા, દાંત તેમજ શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉપરાંત જમણા હાથની આંગળી, જમણા પગના પંજામાં અને અન્ય ભાગોમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ હોવાનું તબીબોએ જણાવ્યું છે. ભાવેશ અરજણભાઈ ડાભીની પણ સારવાર ચાલુ છે.

પોલીસ તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર બાઈક ચાલકની ઓળખ સુરેશગીરી ભાણગીરી ગોસ્વામી (રહે. મોટા ડેસર, ઉના) તરીકે થઈ છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વ્હીકલ અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉના-વેરાવળ રોડને અકસ્માત ઝોન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં વારંવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પર વાહનોની અત્યંત ઝડપ અને પૂરતા સુરક્ષા ઉપાયોના અભાવે અકસ્માતો વધી રહ્યા છે. તેથી લામધાર બાયપાસથી ઉના શહેર તરફ આવતા અકસ્માત ઝોન વિસ્તારોમાં સ્પીડ બ્રેકર નાખવા, ચેતવણીના સૂચન બોર્ડ લગાવવા અને ટ્રાફિક નિયમોનો કડક અમલ કરાવવાની માંગ સ્થાનિકોએ તંત્ર સમક્ષ ઉઠાવી છે.

જે સ્થળે અકસ્માત થયો હતો ત્યાંના લોકોએ જણાવ્યું હતું કે આ બાઈક ચાલક સુરેશગીરી ભાણગીરી ગોસ્વામી ચાલુ બાઈક પર પૈસાની ખોટી નોટો ઉડાવતો આવતો હતો અને તે જ સમયે આ અકસ્માત સર્જાયો હતો.