ETV Bharat / state

સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ગુંજી રામધૂન, મેઘરાજાને મનાવવા માસૂમોએ કરી પ્રાર્થના

મેઘરાજાને રીઝવવા માટે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના આહવાન પર પ્રાથમિક શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું.

સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ગુંજી રામધૂન
સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ગુંજી રામધૂન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 30, 2026 at 8:03 AM IST

1 Min Read
Choose ETV Bharat

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત છતાં વરસાદ ન વરસતા ધરતીપુત્રો ચિંતામાં ડૂબ્યા છે. સુકાતા પાકને બચાવવા અને મેઘરાજાને રીઝવવા માટે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના આહવાન પર પ્રાથમિક શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાળાના વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી મેઘરાજાને મનાવવા પ્રયાસ કર્યો હતો.

સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ગુંજી રામધૂન

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક સુકાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ નદી,નાળા અને તળાવો પણ ખાલીખમ છે, જેને પગલે પશુધનના ઘાસચારા અને પીવાના પાણીની ચિંતા પણ વધી રહી છે.

સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ગુંજી રામધૂન (ETV Bharat Gujarat)

આ કપરી પરિસ્થિતિમાં કુદુરતને રીઝવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલલા પ્રાથમિક શિક્ષણ સંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરકારી શાળાઓમાં શાળાના બાળકોએ હાથ જોડી, આંખો બંધ કરી મેઘરાજાને મન મૂકીને વરસવા માટે પ્રાર્થના કરી હતી. શાળાના પટાંગણમાં બાળકો અને શિક્ષકોએ રામધૂન બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

ખેડૂતના ખેતરમાં લીલોતરી છવાઈ રહે, પાકને જીવનદાન મળે, જળાશયો ફરીથી છલકાય અને પીવાના પાણીની ચિંતા દૂર થાય તેવી કામના સાથે સૌએ એકસ્વરે પ્રાર્થના કરી હતી. નિર્દોષ બાળકોની આ ભાવનાત્મક પ્રાર્થનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હવે સૌની નજર આકાશ તરફ મંડાઈ છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેઘરાજા વહેલી તકે મહેરબાન બની સમગ્ર જિલ્લામાં સારો વરસાદ વરસાવશે, જેથી ખેડૂતોના ચહેરા પર ફરી ખુશીની લહેર જોવા મળે.

"ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો છે અને જળાશયો ખાલી છે. બાળકોની નિર્દોષ પ્રાર્થના ભગવાન વહેલી સાંભળે છે, તેથી અમે મેઘરાજાને મનાવવા આ રામધૂનનું આયોજન કર્યું છે જેથી ધરતીપુત્રો પર આવેલું સંકટ ટળે." વિનય પટેલ, પ્રમુખ, સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ

આ પણ વાંચો: