યુક્રેનની જેલમાંથી સાહિલે કરી વીડિયો કોલ પર માતા સાથે વાત, સામસામે વેદના વરસી
સોમવારે યુક્રેનથી સાહિલ મજોઠીએ તેમની માતા હસીનાબેન સાથે વ્હોટસપ કોલથી વાત કરી હતી. કુલ 18 મિનિટના વ્હોટ્સએપ વીડિયો કોલમાં નિશબ્દતા અને વેદના એકસાથે રહ્યા.

Published : January 6, 2026 at 7:51 PM IST
|Updated : January 6, 2026 at 8:27 PM IST
મોરબી: યુક્રેનની કેદમાં રહેલા સાહિલ મજોઠીએ ભારત સરકાર સામે અનેક વખત પોતાને છોડાવવા માટે વિનંતીભરી અપીલ કરી છે. પણ હજી સાહિલ મજોઠી જેલમાં જ છે અને તેમની માતા દિકરાને વતન પરત લાવવા માટે પ્રયત્નશીલ છે. સોમવારે યુક્રેનથી સાહિલ મજોઠીએ તેમની માતા હસીનાબેન સાથે વ્હોટ્સએપ વીડિયો કોલથી વાત કરી હતી.
સામસામે વેદના વરસી
કુલ 18 મિનિટના વ્હોટસપ કોલમાં નિશબ્દતા અને વેદના એકસાથે રહ્યા. 10 મિનિટતો ફક્ત માતા પુત્ર આંસુ સાથે એક બીજાને જોતા રહ્યાં. એક તરફ પૂત્રની વેદના હતી તો બીજી તરફ માતાની મમતા હતી જે, ઘરના વાતાવરણને વધુ ગમગીન બનાવી રહી હતી. વ્હોટસએપ કોલ પૂર્ણ થયા બાદ પણ સાહિલના માતાના કાનમાં સાહિલના શબ્દો ગુંજે છે. કમનસીબે વ્હોટસપ કોલ રેકોર્ડ ન થયો એ અફસોસ હજી સુધી તેમને સતાવી રહ્યો છે, એમ સાહિલ મજોઠીના માતા હસીના મજોઠીએ કહ્યું છે.
સાહિલના માતા હસીના મજોઠીએ શું કહ્યું ?
યુક્રેનની કેદમાં રહેલા સાહિલ મુજેઠીએ લગભગ એક વર્ષ બાદ તેની માતા હસીના મજોઠી સાથે વ્હોટસએપ પર વાત કરી. એક વર્ષના લાંબા અંતરાલ બાદ વ્હોટસપ કોલના સંવાદ માતા પુત્રની વેદનાને વાચા આપતો રહ્યો. વ્હોટસપ કોલનો વીડિયો રેકોર્ડ થયો, પણ તેનો ઓડિયો ટેકનીકલ કારણોસર રેકોર્ડ ન થતા હવે તેનો અવાજ ક્યારે ફરીથી સાંભળીશ એ વેદના હાલ સતાવી રહી છે, એવું સાહિલના માતા હસીના મજોઠીનું કહેવું છે.

ગત 5, જાન્યુઆરી એટલે કે સોમવારે ભારતીય સમય અનુસાર બપોરે 3:45 વાગ્યે વ્હોટસએપ પર વીડિયો કોલ આવ્યો હતો. સાહિલના માતા હસીના મજેઠીને એ વાતનો સંતોષ છે કે, તેમનો પૂત્ર સહી સલામત છે. બસ, હવે સાહિલ વહેલી તકે વતન પરત ફરે.

સાહિલ મજોઠીની વ્હારે આવ્યા વકિલ દીપા જોસેફ
મૂળ કેરળના વતની દીપા જોસેફ ભારતમાં સુપ્રીમ કોર્ટના વકીલ છે અને તેઓ ડિસ્ટ્રેસ મેનેજમેન્ટ કલેક્ટિવ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા છે. દીપા જોસેફ સાહિલનો કેસ વિના મૂલ્યે લડવાના છે. જે અંતર્ગત તેઓ યુક્રેન પહોંચ્યા છે અને ત્યાં તેમણે સાહિલ મજોઠી સાથે મુલાકાત કરી અને તેની પાસેથી સમગ્ર ઘટનાક્રમ જાણ્યો.

કોણ છે યુક્રેનના ડિટેન્શનમાં કેદ સાહિલ મજોઠી ?
સાહિલ મજોઠી મૂળે મોરબીનો યુવાન છે, જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે રશિયા ગયો હતો. 22 વર્ષીય સાહિલ મજોઠીના માતા હસીનાબેન મજોઠીના કહેવા પ્રમાણે રશિયામાં અભ્યાસ કરતા સાહિલ મજોઠી કુરિયર કંપનીમાં કામ કરતો હતો. સાહિલ મજોઠી સામે રશિયામાં 20 ગ્રામ ડ્રગ્સ મળવાના કારણે તેને આ ગુના હેઠળ સાત વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

રશિયાની આર્મીમાં જોડાયો, યુક્રેન સામે કર્યુ આત્મસમર્પણ
જ્યારે સાહિલ મજોઠી જેલમાં હતો ત્યારે રશિયાએ તેને વિવિધ પ્રલોભન આપી યુક્રેન સામે યુદ્ધ લડવા માટે રશિયન સેના વતી મોકલ્યો હતો. પણ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સાહિલ મજોઠીએ યુદ્ધ મેદાનમાં યુદ્ધ કર્યા પહેલા જ યુક્રેન લશ્કર સામે શરણાગતિ સ્વીકારી હતી. જેના પગલે યુક્રેન લશ્કરે સાહિલ મજોઠીને ગિરફતાર કર્યો, ત્યાર બાદ સાહિલ મજોઠી યુક્રેનના કિવ શહેરના ડિટેન્શન સેન્ટરમાં છે અને બે વીડિયો દ્વારા તેણે ભારત સરકારને સ્વદેશ પરત લાવવા માટે અપીલ કરી છે.

સાહિલના પરિવારની ઠેર ઠેર રજૂઆત
મહત્વપૂર્ણ છે કે, યુક્રેન-રશિયા યુદ્ધમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા સાહિલ મજોઠીના માતા હસીનાબેન માજોઠીએ દિકરાને સ્વદેશ પરત લાવવા માટે દરેક સ્તરે રજુઆત કરી છે. હસીનાબેન માજોઠીએ ભારતના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને દિલ્લી કોર્ટ સુધી પોતાની રજુઆતો કરી છે. દિલ્લી કોર્ટની અરજી સામે ફેબ્રુઆરી - 2026માં સુનાવણી પણ થવાની છે.

