નર્મદા: સાગબારા જંગલ જમીન વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો, રાજ્ય સરકારે બે મંત્રીઓને વિવાદનો નિવડો લાવવાની સોંપી જવાબદારી
ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણ અને સાગબારામાં ચાલી રહેલા ખેડૂતોના ધરણા સહિતના મુદ્દાઓને લઈને સરકાર હવે બે મંત્રીઓ સાગબારા જઈ ખેડૂતોની રજૂઆતો સાંભળશે.

Published : August 27, 2026 at 1:48 PM IST
નર્મદા: સાંસદ મનસુખ વસાવાની સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે. ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણ અને સાગબારામાં ચાલી રહેલા ખેડૂતોના ધરણા સહિતના મુદ્દાઓ પર બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. બેઠક બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે બે મંત્રીઓ સાગબારા જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળશે.
સાગાબારાની જમીનને લઈને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ખાસ કરીને ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણનો મુદ્દો તેમજ સાગબારામાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા ધરણા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. લાંબા સમયથી પેન્ડિંગ દાવાઓનો પણ મુદ્દો બેઠકમાં ઉઠ્યો હતો.
રક્ષાબંધન બાદ સરકારના બે મંત્રીઓ ખેડૂતો સાથે કરશે વાતચીત
બેઠક બાદ સરકારે નિર્ણય લીધો છે કે, બે મંત્રીઓ સાગબારા જઈ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરશે. રક્ષાબંધન બાદ આ બંને મંત્રીઓ સાગબારા પહોંચશે અને ખેડૂતોની રજૂઆતો સાંભળશે. ખાસ વાત એ છે કે, જમીનના દાવાઓ અંગે પુરાવાના આધારે નિર્ણય લેવામાં આવશે. સાગબારા સહિતના વિસ્તારોમાં પેન્ડિંગ રહેલા અંદાજે 80 હજાર દાવાઓ અંગે પણ મંત્રીઓ ખેડૂતો સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હાજર રહ્યા હતા. હવે બંને મંત્રીઓ સાગબારા જઈ સમગ્ર મામલે ખેડૂતો સાથે સીધી વાતચીત કરશે.
સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી જમીનના દાવાઓને લઈને ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવાની દિશામાં મહત્વની શરૂઆત થઈ શકે છે. જોકે, ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને સરકાર સાથેની ચર્ચા બાદ શું નિષ્કર્ષ આવે છે તેના પર સૌની નજર રહેશે.
સાગબારા પહોંચનારા બંને મંત્રીઓ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી તેમના દાવાઓ અને રજૂઆતો સાંભળશે. પુરાવાના આધારે જમીનના દાવાઓ અંગે નિર્ણય લેવાની સરકારની જાહેરાત બાદ હવે રક્ષાબંધન પછી યોજાનારી આ બેઠક પર ખેડૂતોની નજર છે.
શું છે સમગ્ર મામલો ?
મહત્વપૂર્ણ છે કે, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણના હકને લઈને ગત 08 ઓગસ્ટથી શરૂ થયેલું આદિવાસી ખેડૂતોનું આંદોલનનો હવે ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. પોતાના હક માટે આદિવાસીઓ ક્યારેક આખી રાત સુધી ધરણા પર બેઠા રહ્યા હતાં. સાગબારા તાલુકાના 12 ગામના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. આ જમીન પર પોતાના હકની માંગ સાથે ખેડૂતો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતાં. ખેડૂતોનું કહેવું છે કે, તેઓ છેલ્લા આશરે 25 વર્ષથી આ જમીન પર ખેડાણ કરી રહ્યા છે. આ જમીનના હકને લઈને યોગ્ય નિર્ણય આવે અને આદિવાસી ખેડૂતોને ન્યાય મળે તેવી તેમની માંગ છે.
આ પણ વાંચો

