ETV Bharat / state

સાબરમતી જેલમાં રક્ષાબંધનની તૈયારીઓ તેજ, 2 હજાર જેટલા પરિવારજનો આવવાની શક્યતા, જાણો કેવી છે જેલ પ્રશાસનની તૈયારીઓ

જેલ તંત્રના અંદાજ મુજબ આ વર્ષે 2000 જેટલા કેદીઓને મળવા પરિવારજનો આવશે, જેના માટે અમદાવાદ પોલીસનો બંદોબસ્ત અને 125 સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે.

2 હજાર જેટલા પરિવારજનો આવવાની શક્યતા
2 હજાર જેટલા પરિવારજનો આવવાની શક્યતા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 26, 2026 at 2:45 PM IST

|

Updated : August 26, 2026 at 4:00 PM IST

4 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: રક્ષાબંધન એટલે ભાઈના કાંડે બંધાતો માત્ર એક દોરો નહીં, પરંતુ જેલની ઊંચી દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધને જીવંત રાખતી લાગણી. બહારની દુનિયા માટે રક્ષાબંધનનો દિવસ સામાન્ય રીતે ખુશી, મીઠાઈ અને પરિવાર સાથેની ઉજવણીનો હોય છે, પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલમાં આ દિવસનું અલગ જ મહત્વ છે. 28 ઓગસ્ટે રક્ષાબંધનને પગલે સાબરમતી જેલમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં કેદી ભાઈઓ માટે બહેનોને મળવાની અને તેમના હાથે રાખડી બંધાવવાની તક સાથે જેલની સુરક્ષા અને નિયમોની જવાબદારી પણ એટલી જ મહત્વની રહેશે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનોને જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે. જેલ તંત્રની ગણતરી મુજબ આ વખતે આશરે 2 હજાર જેટલા કેદીઓને મળવા તેમના પરિવારજનો આવે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં લોકો એકસાથે જેલ પરિસરમાં પહોંચવાના હોવાથી સુરક્ષા, પ્રવેશ, જડતી અને લોકોની અવરજવરનું નિયંત્રણ સૌથી મોટો પડકાર રહેશે.

સાબરમતી જેલમાં રક્ષાબંધનની તૈયારીઓ તેજ (Etv Bharat Gujarat)

ETV Bharat સાથેની વાતચીતમાં SP ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને કેદી ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેલ તંત્રને આશા છે કે આશરે 2 હજાર જેટલા કેદીઓને મળવા તેમના પરિવારજનો આવશે. આ માટે અમદાવાદ પોલીસ પાસેથી પણ વધારાનો બંદોબસ્ત માંગવામાં આવ્યો છે, જ્યારે જેલ તરફથી પણ આશરે 125 જેટલા વધારાના સ્ટાફને સમગ્ર વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવશે.

જડતીથી લઈને મુવમેન્ટ કંટ્રોલ સુધી ખાસ વ્યવસ્થા

રક્ષાબંધનના દિવસે જેલમાં આવનારા દરેક પરિવારજનની સુરક્ષા તપાસ કરવામાં આવશે. જેલમાં પ્રવેશ પહેલાં જડતી, રાખડીની તપાસ, આવન-જાવનનું નિયંત્રણ અને કેદીઓ સાથેની મુલાકાતની પ્રક્રિયા સરળતાથી થાય તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સાબરમતી જેલમાં રક્ષાબંધનની તૈયારીઓ તેજ (Etv Bharat Gujarat)

SP ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર પ્રક્રિયા સ્મૂથલી ચાલે તે માટે જેલ સ્ટાફ ઉપરાંત અમદાવાદ પોલીસનો પણ બંદોબસ્ત રહેશે. છેલ્લા બે દિવસથી જેલમાં બેરિકેડિંગ અને મુવમેન્ટ કંટ્રોલ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે. મોટી સંખ્યામાં પરિવારજનો આવતા હોવાથી કેદીઓ અને મુલાકાતીઓની અવરજવર અલગ રીતે નિયંત્રિત કરવામાં આવશે.

રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈ માટે રાખડી અને મીઠાઈ લઈને આવતી હોય છે. પરંતુ જેલની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બહારથી કોઈપણ પ્રકારની મીઠાઈ સીધી અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેલમાં પોતાની બેકરી હોવાથી ત્યાં તૈયાર થતો મોહનથાળ કેદી ભાઈઓને આપવામાં આવશે.

250 ગ્રામ મીઠાઈ જેલના કાઉન્ટર પરથી ખરીદી શકાશે

SP ગૌરવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ બહેન પોતાના ભાઈને મીઠાઈ આપવા માગતી હોય તો તે જેલના કાઉન્ટર પરથી મહત્તમ 250 ગ્રામ મીઠાઈ ખરીદીને કેદીને આપી શકશે. બહારથી મીઠાઈ લાવવાની મંજૂરી નહીં હોય. આ વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા છે, જેથી મીઠાઈના ડબ્બા કે અન્ય વસ્તુઓની આડમાં કોઈ અનિચ્છનીય વસ્તુ જેલની અંદર ન પહોંચી જાય.

સાબરમતી જેલ
સાબરમતી જેલ (Etv Bharat Gujarat)

રાખડી બાબતે પણ જેલ તંત્ર દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે. બહેનો સાદી રાખડી લઈ જઈ શકશે, પરંતુ એવી કોઈ રાખડી કે વસ્તુને મંજૂરી આપવામાં નહીં આવે જેના કારણે જેલની સુરક્ષા અથવા શિસ્ત સામે પ્રશ્ન ઊભો થાય. ખાસ કરીને ડિજિટલ રાખડી અથવા બહારની દુનિયા સાથે કોઈપણ પ્રકારનું કમ્યુનિકેશન શક્ય બને તેવી રાખડી અંદર લઈ જવાની મંજૂરી નહીં હોય.

જેલ અધિકારીઓનું કહેવું છે કે રાખડીમાં કોઈ એવી વસ્તુ ન હોવી જોઈએ જેના કારણે કેદી, અન્ય કેદીઓ અથવા જેલ સ્ટાફની સુરક્ષાને જોખમ ઊભું થાય. એટલે લાગણીના આ પર્વમાં પણ સુરક્ષાના નિયમો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

ગયા વર્ષે 1100, આ વર્ષે 1500થી વધુ કેદીઓના પરિવારજનોની અપેક્ષા

ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન આશરે 1100 અંડરટ્રાયલ કેદીઓને મળવા તેમના પરિવારજનો સાબરમતી જેલમાં આવ્યા હતા. આ વર્ષે આ સંખ્યા વધવાની શક્યતા છે. જેલ તંત્રના અંદાજ મુજબ આશરે 1400થી 1500 જેટલા અંડરટ્રાયલ કેદીઓને મળવા તેમના પરિવારજનો આવી શકે છે.

આ ઉપરાંત, 500થી વધુ કન્વિક્ટેડ કેદીઓના પરિવારજનો પણ રક્ષાબંધન નિમિત્તે જેલમાં આવે તેવી અપેક્ષા છે. એટલે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ જેલ પરિસરમાં પરિવારજનોની અવરજવર વધારે રહેવાની શક્યતા છે.

SP ગૌરવ અગ્રવાલ
SP ગૌરવ અગ્રવાલ (Etv Bharat Gujarat)

રક્ષાબંધન 28 ઓગસ્ટે હોવાથી જેલ તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બેરિકેડિંગ, મુવમેન્ટ કંટ્રોલ, પ્રવેશ પ્રક્રિયા અને મુલાકાતીઓની જડતી સહિતની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જેલ તંત્રની સામે પડકાર એ છે કે એક તરફ હજારો લોકોની અવરજવર વચ્ચે સુરક્ષા જળવાઈ રહે અને બીજી તરફ કેદી ભાઈઓને તેમની બહેનો સાથે આ ખાસ દિવસની લાગણીસભર મુલાકાત પણ મળી શકે.

સાબરમતી જેલની દીવાલો ભલે કેદીઓને બહારની દુનિયાથી અલગ રાખતી હોય, પરંતુ રક્ષાબંધનના દિવસે એ જ દીવાલોની વચ્ચે રાખડીનો એક નાનો દોરો સંબંધ, લાગણી અને પરિવાર સાથેનું જોડાણ ફરી જીવંત કરશે. સુરક્ષાની કડક વ્યવસ્થા વચ્ચે પણ ભાઈની કાંડે બંધાતી રાખડી કેદી માટે બહારની દુનિયા સાથે જોડાયેલી સૌથી લાગણીસભર કડી બની રહેશે.

આ પણ વાંચો...

  1. અમદાવાદ: રક્ષાબંધન માટે પોસ્ટ ઓફિસમાં ભીડ, વિદેશમાં ભાઈઓ માટે બહેનોએ મોકલી રાખડી
  2. રક્ષાબંધન પહેલાં રાજકોટમાં સોના-ચાંદીની રાખડીનો ક્રેઝ, 90% ગ્રાહકોની પસંદ ‘BRO’ અને ‘VEERA’
  3. રક્ષાબંધન પહેલા જ ભાઈએ બે બહેનોની ગોળી મારીને કરી કરપીણ હત્યા, બનેવી ઈજાગ્રસ્ત
Last Updated : August 26, 2026 at 4:00 PM IST