સાબરકાંઠા: ભાજપ નેતાના કોમ્પ્લેક્સમાંથી બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાવવા મામલે SITની રચના
ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકીના ‘ગંગાજલ’ કોમ્પલેક્ષમાંથી વિજિલન્સ પોલીસે બાતમીના આધારે ગઈકાલે રેડ કરી હતી.

Published : February 25, 2026 at 7:39 PM IST
સાબરકાંઠા: ગઈકાલે (24 ફેબ્રુઆરી, 2026) ઈડરના બરવાવ રોડ પરથી ઝડપાયેલા બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર મામલે 10 જેટલા આરોપીઓની અટક થયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા પોલીસે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકી (M.D. SOLANKI) ના કોમ્પ્લેક્ષમાંથી ઝડપાયેલ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર મામલે આવનાર દિવસોમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
ભાજપ નેતાના કોમ્પલેક્ષમાં દરોડા
સાબરકાંઠાના ઈડર બરવાવ રોડ ઉપર આવેલા ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકીના ‘ગંગાજલ’ કોમ્પલેક્ષમાંથી વિજિલન્સ પોલીસે બાતમીના આધારે ગઈકાલે રેડ કરી હતી. આ દરોડામાં 20 લાખથી વધારેના મુદ્દામાલ સાથે 10 આરોપીઓની અટકાયત થઈ હતી, જયારે 11 થી વધુ આરોપીઓ હજુ ફરાર છે. પકડાયેલા તમામ 10 આરોપીઓ અમદાવાદના છે. પોલીસે 40 મોબાઇલ, 12 લેપટોપ, ચાર હાઇ સ્પીડ રાઉટર, મોબાઇલ ચાર્જર, હેડફોન, 8 ATM કાર્ડ સહિત મોંઘી કાર અને 10 આરોપીઓને ઝડપી લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.
આવનારા સમયમાં વધુ ચોકાવનારા ખુલાસા થાય તેવી સંભાવનાઓ
વિજિલન્સ સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ આ મામલે વધુ ગંભીર બની તપાસ હાથ ધરી છે, જે અંતર્ગત સમગ્ર ઇન્ટરનેશનલ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આજે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. હિંમતનગર ડીવાયએસપી એ.કે. પટેલની અધ્યક્ષતામાં તપાસ ટીમ દ્વારા આવનારા સમયમાં વધુ ચોકાવનારા ખુલાસા થાય તેવી સંભાવનાઓ છે. કોમ્પ્લેક્સમાં ઑનલાઇન કલાસીસના નામે ભાડા કરાર કરવામાં આવ્યો હતો, જેને લઈને આવનાર દિવસોમાં ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
પોલીસે નોંધ્યો ગુન્હો
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર થકી વિદેશમાં વસનારા લોકોને લોન આપવાના બહાને વિવિધ બહાના હેઠળ ડોલરને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી છેતરપિંડી કરનાર આરોપીઓ સહિત સાગરીતોની તપાસ વધુ તેજ કરી છે. આ મામલે ભારતીય ન્યાય સહિતાની કલમ 316(2), 319(2), 318(4), 61 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરી આર્થિક છેતરપિંડી કરવામાં આવતી હોવાની શંકા છે.

સ્થાનિક પોલીસ સામે શંકાની સોય
સમગ્ર વિશ્વમાં ઓનલાઇન તેમજ સાયબર ફ્રોડથી કેટલાય લોકોના જાત મહેનતથી કરેલી કમાણી બરબાદ થઈ રહી છે. બીજી તરફ ફ્રોડ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર થકી કેટલાય ઠગબાજ લોન આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. એક તરફ વિજિલન્સ વિભાગ દ્વારા ઈડર જેવા શહેરમાં દરોડો કરતા સ્થાનિક પોલીસ સામે પણ શંકાની સોય સેવાઇ રહી છે. આવનારા સમયમાં પોલીસની એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરશે તો વિદેશમાં વસતા લોકો સહિત સ્થાનિક લોકોની પણ મોટી ભૂમિકા બહાર આવે તેવી સંભાવનાઓ છે. અમદાવાદ સહિત સાબરકાંઠાની નજીકના કેટલાય લોકો વિદેશના ડેટા આપી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર થકી લોન આપવાના બહાને કેટલાય લોકોને આ છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે.
પકડાયેલા આરોપીઓ
- ગુલામગોશ ઉર્ફે રાઇડર સબીરભાઈ કુરેશી (રહે.શાહપુર અમદાવાદ)
- મોહમ્મદ મુજાહિદ ઉર્ફે રોમન ઈનાયત હુસેન મલેક (રહે, મિરઝાપુર અમદાવાદ)
- સાહિરખાન ઉર્ફે એલેક્સ બિસ્મિલ્લખાન પઠાણ ( રહે,શાહીબાગ અમદાવાદ)
- શાહરૂખ ઉર્ફે જેસન મુજીબુરેહમાન શેખ (રહે. સરખેજ અમદાવાદ)
- ફરહાજ ઉર્ફે ગા સયા મિ જ્યુદિન શેખ (રહે.વેજલપુર અમદાવાદ)
- પાર્થ ઉર્ફે સન ભરતભાઈ ચૌહાણ (રહે.હાથીજણ અમદાવાદ)
- અઝહર ઉર્ફે રોય ગફુરખાન પઠાણ (રહે. શાહઅલમ અમદાવાદ)
- રાજેશ ઉર્ફે ડેનિયલ ઠાકુરદાસ ભવનાની (રહે. સાબરમતી અમદાવાદ)
- નિકુંજ ખોડા ભાઈ પટેલ (રહે. સરસપુર અમદાવાદ)
- નિસર્ગ અજયભાઈ બારોટ (રહે. કૃષ્ણનગર અમદાવાદ)
ફરાર આરોપી
- બાબા (અમેરિકન સિટીઝનના ડેટા આપતો હતો)
- પ્રતીક (અમેરિકન સિટીઝનના ડેટા આપતો હતો)
- જેક સ્ટીમ (અમેરિકન સિટીઝનના ડેટા આપતો હતો)
- વોલ્ટર (અમેરિકન સિટીઝનના ડેટા આપતો હતો)
- રમીઝ મલિક (અમેરિકન સિટીઝનના ડેટા આપતો હતો)
- સની (ગિફ્ટ કાર્ડ અને વોલમાર્ટ ગિફ્ટ કાર્ડને ડોલરમાં કન્વર્ટ કરનાર)
- ડાન (ગિફ્ટ કાર્ડ અને વોલમાર્ટ ગિફ્ટ કાર્ડને ડોલરમાં કન્વર્ટ કરનાર)
- યોરી (ગિફ્ટ કાર્ડ અને વોલમાર્ટ ગિફ્ટ કાર્ડને ડોલરમાં કન્વર્ટ કરનાર)
- એલેક્સ (ડોલર મોકલનાર અને એકસચેન્જ કરનાર)
- જ્હોન હેનરિકક્સ (ડોલર મોકલનાર અને એકસચેન્જ કરનાર)
- સાદિક ઉર્ફે રાજા કુરેશી (આ આંગડિયામાં આવેલા નાણા મેળવતો હતો)
આ પણ વાંચો:

