સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આ પરિવારે બાળકીનો અગ્નિસંસ્કાર કેમ ટાળ્યો?, પોલીસ થઈ દોડતી
વર્ષો અગાઉ વર્ષોથી ચાલી આવતી આ જ પ્રથા અંતરિયાળ વિસ્તારમાં જોવા મળતી હતી, જેને લોકો આજે પણ “ચડોતરું” નામથી ઓળખે છે.

Published : January 11, 2026 at 10:17 AM IST
|Updated : January 11, 2026 at 10:37 AM IST
સાબરકાંઠા : અંતરિયાળ વિસ્તારમાં થોડાક વર્ષો અગાઉ ચડોતરું થવું તે સામાન્ય બાબત માનવામાં આવતી હતી. સમય બદલાયો અને તે પ્રથામાં પણ સુધારો થયો, જ્યારે પણ કોઈપણ વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થાય એટલે સુખદ સમાધાન કરીને તેના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે.
જોકે વર્ષો જૂની ભુલાયેલી પ્રથા ફરી એકવાર સાબરકાંઠામાં જીવંત થતી જોવા મળી રહી છે. વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હોવાના આક્ષેપ સામે 4 દિવસથી પરિવારે મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાનો ઈનકાર કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની જીદ અડગ રાખી છે.
પરિવારે બાળકીનો અગ્નિસંસ્કાર ટાળ્યો
સાબરકાંઠાના વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની દીકરી સાથે ઇસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે. ગામના ઇસમે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ બાદ તેની કરુણ રીતે હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે છેલ્લા 4 દિવસથી સગીરાના મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા વિના ઘરમાં રાખવામાં આવ્યો છે.
પરીવારે કર્યો દિકરી સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ
સગીરાના સ્વજનોના સ્પષ્ટ આક્ષેપ છે કે અમારી દીકરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને બાદમાં તેની હત્યા કરવામાં આવી છે. અમે પોલીસમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી. જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનો અગ્નિસંસ્કાર કરવા માટે સહમત નથી.

ચાર દિવસ અગાઉ રાત્રિના દરમિયાન બનેલી આ કરુણ હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપને લઈ વિસ્તાર સહિત જિલ્લાભરમાં ભારે ખળભળાટ વ્યાપ્યો છે.
એક તરફ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર અંતરિયાળ વિસ્તારમાં ચડોતરું જેવી પ્રથા સંપૂર્ણપણે બંધ થાય તે માટે પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે ખેડબ્રહ્મા, પોશીના જેવા અંતરિયાળ વિસ્તારો બાદ વિજયનગરમાં પણ ચડોતરા જેવી સ્થિતિ સર્જાતાં આવનાર સમય વિજયનગર સહિત આસપાસના વિસ્તારમાં આ ધટનાઓ વધી રહી છે.

વિજયનગર પોલીસ થઈ દોડતી
હાલ પરિવારે ચાર દિવસથી સગીરાના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાની બદલે પીએમ કાર્યવાહી કરાવ્યા બાદ પોતાના ઘરે જ રાખ્યો છે. પોલીસ તંત્ર દ્વારા મૃતદેહના અગ્નિસંસ્કાર કરવા માટે સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા છે, છતાં પરિવાર પોતાની જીદ મક્કમ રાખી ચોથા દિવસે પણ મૃતદેહને ઘરમાં ચડોતરું પ્રથા સ્વરૂપે મૂકી રાખ્યો છે.

જોકે ગત મોડી રાતે પોલીસે ઘટનાને જોતા એડી તેમજ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે, તે છતાં પરિવાર સામાજિક આગેવાનો સાથે બેઠકો કરી રહ્યો છે. વિજયનગર પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.
એટલે કહી શકાય કે અંતરિયાળ વિસ્તારમાં ચડોતરું પ્રથા આજે પણ સ્થાનિક તેમજ રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની રહી છે. હવે અન્ય સમાજ અને અંતરિયાળ વિસ્તારના આગેવાનો આ બાબતે લાશ મૂકી રાખી ન્યાય માગવાનું કેટલું વ્યાજબી છે તે અંગે જાગૃત થવાની જરૂરિયાત છે.
આ પણ વાંચો...

