સુરેન્દ્રનગર: 8 કરોડના ખર્ચે બનેલો પુલ પ્રથમ વરસાદમાં જ બેસી ગયો, 10થી વધુ ગામના લોકો પર જોખમ
ત્રણ વર્ષ પૂર્વે 8 કરોડના ખર્ચે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનેલા આ પુલમાં 5 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે, પુલના જોઈન્ટ્સ પણ છૂટા પડી ગયા છે.

Published : July 8, 2026 at 11:55 AM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામ નજીક નિર્મિત નવો પુલ પ્રથમ વરસાદમાં જ બેસી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માત્ર ત્રણ વર્ષ પૂર્વે 8 કરોડના ખર્ચે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનેલા આ પુલમાં 5 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે અને પુલના જોઈન્ટ્સ પણ છૂટા પડી ગયા છે. ખાસ વાત એ છે કે, આ પુલનું છેલ્લા ત્રણ વર્ષમાં છ વખત સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં તેની ગુણવત્તા અત્યંત નબળી સાબિત થઈ છે. 10થી વધુ ગામડાઓને જોડતા આ મહત્ત્વપૂર્ણ માર્ગ પર પુલ બેસી જવાથી મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે, ત્યારે ગ્રામજનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદમાં જ પુલ બેસી ગયો
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ગોદાવરી ગામ નજીક ત્રણ વર્ષ પહેલા નવો પુલ બનાવવામાં આવ્યો હતો. 10થી વધુ ગામના લોકો આ પુલ ઉપરથી રોજ અવર જવર કરે છે. આ પુલ પ્રથમ વરસાદમાં જ બેસી જતા ભયના ઓથાર વચ્ચે ગ્રામજનો ચાલવા માટે મજબૂર બન્યા છે. આ પુલ ઉપરથી મસમોટા ટ્રક પણ ચાલતા હોવાથી મોટી જાનહાનિ થઇ શકે છે.
ચોમાસામાં સતત વરસાદ પડતો હોવાને કારણે પુલ નીચેથી પસાર થતી ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે. ઉપરના ભારે પુલ બેસી જતા સળિયા દેખાવા લાગ્યા છે. પુલનો સમારકામ ત્રણ દિવસ પહેલા પણ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ વ્યવસ્થિત કામ ના થતા પુલ ફરી બેસી ગયો છે.
રામસંગ ખેર નામના ગ્રામજને જણાવ્યું હતું કે, પુલનું 3 દિવસ પહેલા જ રીનોવેશન કરવામાં આવ્યું છે અને વરસાદ પડતા આ પુલ પર 5 ફૂટનો મોટો ભૂવો પડ્યો હતો.
8 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પુલમાં ભ્રષ્ટાચારની ગંધ
મુળી તાલુકાના 10થી વધુ ગામોમાં જવા માટે આ એકમાત્ર પુલ ઉપલબ્ધ છે ત્યારે ત્રણ વર્ષ પહેલાં સરકાર દ્વારા 8 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ નવો બનાવવામાં આવ્યો હતો. વ્યવસ્થિત રીતે પુલનું કામ ના થતા વારંવાર ગાબડાઓ પડી જાય છે. ચોમાસા પહેલા જ પુલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ ત્રણ જ દિવસમાં ગાબડા પડી ગયા છે. ગ્રામજનોએ વડોદરા જેવી ઘટના બને તે પહેલા જ પુલનું જલ્દી રિનોવેશન કરવા માંગ કરી છે.
આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર આરએન્ડબી વિભાગના મુખ્ય એન્જિનિયર અરૂણ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પુલ પર ગાબડું પડવાના સમાચાર મળ્યા છે. પુલ પર ગાબડું પુરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપવામાં આવી છે. આ પુલ પાંચ ફૂટ જેટલો બેસી ગયો છે ત્યારે પ્રથમ તેનું રિનોવેશન કામ અને ત્યારબાદ તેનું ફિટનેસ માપવામાં આવશે. જો યોગ્ય લાગશે તો પુલને ચાલુ રાખવામાં આવશે નહીં તો તેને તોડી નવો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો:

