ફેસબુકનો પ્રેમ, સરહદ પાર અને હવે ડિપોર્ટેશનનો ખતરો: પરિવારની વ્યથા વચ્ચે સરકાર સમક્ષ માનવતાની અપીલ
કાજલ અને આણંદના તરુણ પટેલ વચ્ચે વર્ષો પહેલાં ફેસબુક મારફતે સંપર્ક થયો હતો. ઓળખાણ પ્રેમમાં પરિણમી અને બંનેએ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો.

Published : June 16, 2026 at 4:34 PM IST
આણંદ: આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એક અનોખી પ્રેમ કહાની ચર્ચાનું કેન્દ્ર બની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શરૂ થયેલો પ્રેમ આજે 12 વર્ષ બાદ કાયદાકીય વિવાદમાં સપડાયો છે. મૂળ બાંગ્લાદેશની રહેવાસી કાજુલી, જે આજે કાજલ તરીકે ઓળખાય છે, તેની આણંદ પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાના આરોપસર ધરપકડ કરી છે. હવે તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થતા સમગ્ર પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ કાજલ અને આણંદના તરુણ પટેલ વચ્ચે વર્ષો પહેલાં ફેસબુક મારફતે સંપર્ક થયો હતો. ધીમે ધીમે આ ઓળખાણ પ્રેમમાં પરિણમી અને બંનેએ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ કાજલ ભારતમાં આવી અને બંનેએ લગ્નજીવનની શરૂઆત કરી હતી. છેલ્લા 12 વર્ષથી બંને પતિ-પત્ની તરીકે જીવન વ્યતિત કરી રહ્યા હતા. તેમના બે સંતાનો પણ છે અને પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યો હતો.
પરંતુ તાજેતરમાં કાજલની નાગરિકતા અને દસ્તાવેજોને લઈને થયેલી તપાસ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ હવે કાજલને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની શક્યતા ઉભી થઈ છે. જેના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પતિ તરુણ પટેલ માટે આ પરિસ્થિતિ ખૂબ જ કપરા સમય જેવી બની ગઈ છે. વર્ષોથી સાથે રહેલી પત્નીથી અલગ થવાનો ભય તેમને સતત સતાવી રહ્યો છે. બીજી તરફ તેમના બે માસૂમ બાળકો પણ માતાના વિયોગની કલ્પનાથી વ્યથિત બન્યા છે. બાળકો માટે તેમની માતા માત્ર પરિવારનો સભ્ય નથી પરંતુ તેમની દુનિયાનું કેન્દ્ર છે. જો કાજલને ડિપોર્ટ કરવામાં આવશે તો બાળકોના ઉછેર, શિક્ષણ અને માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે તેવી પરિવારજનોને ચિંતા છે.

પરિવારનું કહેવું છે કે કાજલે છેલ્લા ઘણા વર્ષોથી આણંદમાં રહીને પરિવાર અને સમાજ સાથે જીવન જોડ્યું છે. તેણે પત્ની અને માતા તરીકેની જવાબદારીઓ નિભાવી છે. હવે અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે આખા પરિવારનું ભવિષ્ય અનિશ્ચિતતામાં મુકાઈ ગયું છે.

તરુણ પટેલ અને તેમના પરિવારજનોએ સરકાર તેમજ સંબંધિત સત્તાધીશો સમક્ષ માનવતાના ધોરણે વિચારણા કરવાની અપીલ કરી છે. પરિવારનું કહેવું છે કે કાયદો પોતાની જગ્યાએ યોગ્ય છે, પરંતુ આ મામલામાં બે નિર્દોષ બાળકો અને એક પરિવારનું ભવિષ્ય પણ જોડાયેલું છે. તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય અને માનવીય અભિગમ અપનાવવામાં આવે.
હાલ સમગ્ર મામલો કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે. જોકે આ ઘટના માત્ર ગેરકાયદેસર પ્રવેશના મુદ્દા સુધી સીમિત રહી નથી. હવે તે એક એવા પરિવારની વ્યથા બની ગઈ છે જે વર્ષોથી સાથે રહી રહ્યો હતો અને આજે વિખેરાઈ જવાની ભીતિનો સામનો કરી રહ્યો છે. આગામી દિવસોમાં આ કેસમાં શું નિર્ણય આવે છે તેના પર માત્ર કાજલ જ નહીં, પરંતુ તેના પતિ તરુણ પટેલ અને તેમના બે માસૂમ બાળકોનું ભવિષ્ય પણ નિર્ભર રહેશે.

