સુરતમાં વરસાદી આફત: માત્ર 3 દિવસમાં જ 24 સ્થળે રસ્તા બેસી ગયા, તંત્ર દ્વારા એજન્સીઓને નોટિસ
ચોમાસું શરૂ થતા જ સુરતના વિવિધ વિસ્તારોમાં રસ્તા બેસી જવાની, ખાડા પડવાની અને ભુવા પડવાની ઘટનાઓ બનવા લાગી છે

Published : July 3, 2026 at 5:40 PM IST
સુરત: શહેરમાં ચોમાસાના આગમન સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનિંગની પોલ ખુલી ગઈ છે. શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ વિવિધ વિસ્તારોમાં રસ્તા બેસી જવાની (રોડ સેટલમેન્ટ), ખાડા પડવાની અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે. માત્ર ત્રણ દિવસના વરસાદમાં જ શહેરમાં 24 જેટલા સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થતા તંત્ર દોડતું થયું છે.
આ મામલે એડિશનલ સિટી ઇજનેર એમ.ડી. ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, “શહેરમાં અલગ-અલગ ઝોનમાં કુલ 24 સ્થળોએ રસ્તા બેસી ગયા હતા. ફરિયાદ મળતાની સાથે જ તમામ ઝોનના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર મોકલીને રીપેરિંગની કામગિરી હાથ ધરવામાં આવી હતી. મોટાભાગના રસ્તાઓ 1 થી 2 કલાકમાં, જ્યારે બાકીના સ્થળોએ 4 થી 5 કલાકની અંદર રીપેરિંગ પૂર્ણ કરીને રસ્તાઓ વાહન વ્યવહાર માટે પૂર્વવ્રત કરી દેવાયા છે. હાલ એકપણ સ્થળે કામગિરી બાકી નથી.”
રસ્તાઓની આ ગંભીર બેદરકારી સામે મનપા તંત્ર હવે કડક બન્યું છે. રસ્તા સેટલમેન્ટ માટે જે એજન્સીઓ જવાબદાર છે, તેમને તાકીદે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, કામગીરીમાં બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓને પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે મનપા કમિશનરે તમામ ઝોનલ ચીફ અને અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે, તમામ અધિકારીઓએ નિયમિત ફિલ્ડ વિઝીટ કરવી. જો ભવિષ્યમાં આ પ્રકારના બનાવો બને તો તાત્કાલિક રીપેરીંગ કરવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આગોતરું આયોજન કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
આ પ્રકારની ઘટાઓ સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય છે, કારણ કે લાખોના ખર્ચે બનતા રસ્તાઓ થોડા જ વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરોની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવશે કે પછી જવાબદાર એજન્સીઓ સામે કાયદેસરના કડક પગલાં લેવાશે.
આ પણ વાંચો:

