શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ડ્રોપઆઉટ દીકરીના ઘરે પહોંચ્યા, પ્રેમથી સમજાવી ફરી શાળાએ મોકલી
રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત ડ્રોપઆઉટ દીકરી દેવયાનીબાના ઘરે જઈને તેને પ્રેમપૂર્વક અભ્યાસ શરૂ કરવા સમજાવી.

Published : July 5, 2026 at 5:50 PM IST
સુરેન્દ્રનગર: રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ આજે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રોટોકોલને ગણકાર્યા વિના એક ડ્રોપઆઉટ દીકરીના ઘરે જઈને તેને શાળાએ પાછી ફરવા મનાવી લીધી. દાળમીલ રોડ, શક્તિ માતા મંદિર પાસે રહેતા મુકેશસિંહ જાડેજાની દીકરી દેવયાનીબાએ અભ્યાસ છોડી દીધાની જાણ થતાં મંત્રીશ્રી સીધા જ તેના ઘરે પહોંચ્યા અને ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત આત્મીયતાથી સંવાદ કરી તેને શિક્ષણનું મહત્વ સમજાવ્યું.
શિક્ષણ મંત્રીના ઉષ્માભર્યા અભિગમ અને પ્રેમપૂર્વક આપેલી સમજણથી દીકરી તેમજ તેના પરિવારજનો પર હકારાત્મક અસર થઈ. જેના પરિણામે દેવયાનીબાએ ધોરણ-9માં પુનઃ અભ્યાસ શરૂ કરવા માટે ઉત્સાહભેર સંમતિ દર્શાવી.
મંત્રીની આ મુલાકાતથી ગદગદિત થયેલી દેવયાનીબાએ જણાવ્યું, “આજે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા મેડમ મને રૂબરૂ મળવા આવ્યા. તેમણે મને ખૂબ પ્રેમથી અભ્યાસ ચાલુ રાખવા અને તેની મારા જીવન પરની અસરો વિશે સમજાવી. અમારી વચ્ચે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે. આજના સમયમાં ખાસ કરીને દીકરીઓ માટે ભણવું ખૂબ જ જરૂરી છે, અને હવે હું આવતીકાલથી જ પૂરા ઉત્સાહ અને ગંભીરતા સાથે શાળાએ જઈને મારું ભણતર ફરી શરૂ કરીશ.”
આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ દીકરી દેવયાનીબાને નવા શૈક્ષણિક સત્રના ધોરણ-9નાં પાઠ્યપુસ્તકોનો સેટ પોતાના હસ્તે આપી મોં મીઠું કરાવ્યું અને આગળ વધવાના આશીર્વાદ આપ્યા. દીકરીના માતા-પિતાએ એક વાલી તરીકે મંત્રીની આ સંવેદનશીલતા અને કાળજીની નોંધ લેતા રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો.
મુલાકાત સંદર્ભે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું કે, “દીકરીઓનું શિક્ષણ સક્ષમ અને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે. આ દીકરીને શાળામાં પુનઃ પ્રવેશ અપાવીને તેના હાઈસ્કૂલ અને કોલેજ સુધીના અભ્યાસની તમામ જવાબદારી સરકાર સુનિશ્ચિત કરશે. સરકાર દરેક ડ્રોપ આઉટ બાળકને, ખાસ કરીને દીકરીઓને શોધીને તેમનો ફરી શાળા પ્રવેશ કરાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.”
શિક્ષણ મંત્રીની આ અનોખી અને સંવેદનશીલ કાર્યશૈલીની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. આ પ્રેરણાદાયી પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ ઓઝા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો...

