RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસ, RTO ઈન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામીએ મિત્રને આપી હતી સોપારી
RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં RTO ઈન્સ્પેક્ટર પતિ અને તેમના મિત્રની ધરપકડ કરાઈ છે. તેની સાથે જ આ રહસ્યમય ઘટના હત્યાની સોપારી સુધી પહોંચી છે.

Published : November 13, 2025 at 7:39 AM IST
|Updated : November 13, 2025 at 9:59 AM IST
સુરત: સુરતના કામરેજના જોખા-વાવ રોડ પર ગત 06 નવેમ્બરના રોજ સર્જાયેલા રહસ્યમય બનાવમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવેલી કારમાંથી ઘાયલ થયેલા સુરત ફોરેસ્ટ કચેરીના મહિલા આર.એફ.ઓ. (RFO) સોનલ સોલંકીને માથાના ભાગે ગોળી વાગી હોવાનું તબીબી તપાસમાં ફલિત થતાં કેસમાં નવો વળાંક આવ્યો હતો.
પ્રથમ દૃષ્ટિએ અકસ્માત લાગતો આ કેસ પોલીસે તપાસ હાથ ધરતાં આપઘાત, હત્યાના પ્રયાસ અને અંતે હત્યાની સોપારીના કાવતરા સુધી આવી પહોંચ્યો છે. પોલીસે RFO સોનલ સોલંકીના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગિરી ગોસ્વામીની ધરપકડ કરી છે.
અકસ્માતથી હત્યાના કાવતરા સુધીનો ઘટનાક્રમ
06 નવેમ્બર:
કામરેજના જોખા-વાવ રોડ પર અકસ્માતગ્રસ્ત કારમાંથી લોહીલુહાણ હાલતમાં RFO સોનલ સોલંકી મળી આવ્યાં અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા.
માથાના ભાગે વાગી હતી ગોળી:
સારવાર દરમિયાન તબીબી તપાસમાં સોનલ સોલંકીને માથાના ભાગે ગોળી વાગી હોવાનું બહાર આવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી.
પતિ પર આરોપ:
સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો.
કોર્ટ કેસ:
પારિવારિક વિખવાદ અને કોર્ટ કેસ ચાલી રહ્યા હોવાથી પોલીસને આ દિશામાં તપાસ આગળ વધારી. ઘટના બાદથી જ પતિ નિકુંજ ગોસ્વામી ફરાર થઈ ગયા હતા.
પોલીસની શોધખોળ:
પોલીસ ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમને શોધી રહી હતી.

સરેન્ડરનો પ્રયાસ:
lCB પોલીસે RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીને કામરેજની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવા જતાં ઝડપી લીધા હતા.
ગત 6 નવેમ્બર 2025ના રોજ સવારના સાવ આઠ વાગ્યાની આસપાસ સુરત ગ્રામ્યના કામરેજના જોખા ગામ જોખા-વાવ રોડ ઉપર RFO સોનલબેન સોલંકી ઉપર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માથાની અંદર ગોળી વાગી છે આ બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસની અંદર સોનલબેનના પતિ નિકુંજ ગોસ્વામી આ ઘટનામાં સંડોવાયેલા હોવાની સોનલબેનના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી, જેમની ફરિયાદના આધારે નિકંજુ અને તેમના મિત્ર સામે શકમંદ તરીકેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રથમથી જ નિકુંજ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું, ટેકનિકલ, મેન્યુઅલ, સાયન્ટિફિક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારો દ્વારા આ ગુનામાં સંડોવાયેલા ઈસમોને પકડવામાં માટે ખુબજ પ્રયત્નો કરવામાં આવ્યા હતાં, કુલ સાત અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આરોપી પોતાના ફોન બંધ કરી અન્ય ફોનનો ઉપયોગ કરી અલગ-અલગ રાજ્યોની અંદર ભાગી રહ્યાં હતાં અને તેમને પકડવા માટે ટીમો તેમની પાછળ હતી દરમિયાન કામરેજની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવા જતાં નિકુંજને ઝડપી લીધો હતો અને તેમને મદદ કરનાર તેમના મિત્ર ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી જે મુળ સુરતના સચિન વિસ્તારનો રહેવાશી છે તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે, બંનેએ પોલીસ સમક્ષ પોતાનો કબુલી લીધો છે. ઈશ્વરપુરી ગોસ્વામીએ સોનલબેનને ગોળી મારી હોવાની હકિકત જણાવી હતી. આ બંને આરોપીઓ સામે પ્રથમ દર્શનીય પુરાવાઓ મળી આવ્યા છે. - આર.આર.સરવૈયા, DYSP,સુરત ગ્રામ્ય

પોલીસના જણાવ્યા અનુસાર સોનલબેન સોંલકીની હાલ તબીયત ખુબ નાજૂક છે અને તેઓ આઈસીયુમાં વેન્ટીલેટર પર છે, તેમની સારી સારવાર ચાલી રહી છે અમે પણ સતત ડોક્ટરોનાં સંપર્કમાં છીએ . - આર.આર.સરવૈયા, DYSP,સુરત ગ્રામ્ય

મિત્ર ભાવમાં આપી 'સોપારી'?
પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવતા નિકુંજ ગોસ્વામીએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે પારિવારિક વિખવાદના કારણે પોતાની પત્નીની હત્યા કરવા માટે મિત્ર ઈશ્વરગિરી ગોસ્વામીને સોપારી આપી હોવાનું સ્વીકાર્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં નિકુંજ ગોસ્વામીએ મિત્ર ભાવમાં સોપારી આપી હોવાની માહિતી છે. આ કેસમાં થોડા દિવસો અગાઉ સોનલ સોલંકીએ પોતાની કારમાં જી.પી.એસ. ટ્રેકર લગાડ્યા હોવાની ફરિયાદ પણ કામરેજ પોલીસ મથકમાં નોંધાવી હતી, જે પારિવારિક ઝઘડાની ગંભીરતા દર્શાવે છે.

હાલમાં પોલીસે પતિ નિકુંજ ગોસ્વામી અને મિત્ર ઈશ્વરગિરી ગોસ્વામી એમ બંનેની ધરપકડ કરી છે, અને સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

