ETV Bharat / state

23 વર્ષ બાદ ‘વાણી તો અમરત વદાં’નું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન, કવિ કાગના જીવનદર્શનને જીવંત કરતી અનોખી પહેલ

પુસ્તક વિમોચન પ્રસંગે મોરારીબાપુ સાથે વી.એસ. ગઢવી, પુસ્તકના સંપાદક અંબાદાન રોહડીયા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે તથા રામભાઈ જામંગનીની ઉપસ્થિતિ રહી હતી.

૨૩ વર્ષ બાદ ‘વાણી તો અમરત વદાં’નું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન, કવિ કાગના જીવનદર્શનને જીવંત કરતી અનોખી પહેલ
૨૩ વર્ષ બાદ ‘વાણી તો અમરત વદાં’નું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન, કવિ કાગના જીવનદર્શનને જીવંત કરતી અનોખી પહેલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 4:24 PM IST

|

Updated : February 25, 2026 at 4:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમરેલી: ગુજરાતી લોકસાહિત્યના શિરમોર, પદ્મશ્રી લોકકવિ દુલા ભાયા કાગના જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું 23 વર્ષ બાદ ભવ્ય પુનઃવિમોચન કાગધામ મજાદર ખાતે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના કરકમળે કરવામાં આવ્યું હતું.

રાજ્યના માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી આ નવીન અને નવસંવર્ધિત આવૃત્તિ કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ‘કાગના ફળિયે કાગની વાતુ’ કાર્યક્રમના ૨૫મા મણકા તરીકે કાગધામ મજાદર ખાતે વિમોચિત થઈ હતી.

પુસ્તક વિમોચન પ્રસંગે મોરારીબાપુ સાથે વી.એસ. ગઢવી, પુસ્તકના સંપાદક અંબાદાન રોહડીયા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે તથા રામભાઈ જામંગનીની ઉપસ્થિતિ રહી હતી.

૨૩ વર્ષ બાદ ‘વાણી તો અમરત વદાં’નું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન, કવિ કાગના જીવનદર્શનને જીવંત કરતી અનોખી પહેલ
૨૩ વર્ષ બાદ ‘વાણી તો અમરત વદાં’નું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન, કવિ કાગના જીવનદર્શનને જીવંત કરતી અનોખી પહેલ (ETV Bharat Gujarat)

ટેકનોલોજી સાથે કાગવાણીનો સંગમ

આ ગ્રંથની સૌથી વિશેષ બાબત એ છે કે, તેમાં અદ્યતન ટેકનોલોજીનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. પુસ્તકમાં મૂકાયેલ QR કોડ મોબાઈલથી સ્કેન કરતાં કવિ કાગના સ્વયં કંઠે ગવાયેલ લોકરામાયણ, મહાભારત તથા અન્ય અમર કૃતિઓના આકાશવાણી પ્રસંગો સાંભળી શકાય છે. કાગબાપુની કહેણીની શૈલી, કંઠની ઋજુતા અને ભાવરસને જનજન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ સાહિત્યપ્રેમીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

પુનઃવિમોચનની પૃષ્ઠભૂમિ

પુનઃવિમોચન પ્રસંગે પૂર્વ માહિતી નિયામક વસંત ગઢવીએ જણાવ્યું કે, આ પુસ્તકનું પ્રથમ વિમોચન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. કવિ કાગની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે આ પુસ્તક સાથે ટપાલ ટિકિટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કરી “કાવ્યાંજલિ” અર્પણ કરવામાં આવી હતી.

૨૩ વર્ષ બાદ ‘વાણી તો અમરત વદાં’નું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન, કવિ કાગના જીવનદર્શનને જીવંત કરતી અનોખી પહેલ
૨૩ વર્ષ બાદ ‘વાણી તો અમરત વદાં’નું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન, કવિ કાગના જીવનદર્શનને જીવંત કરતી અનોખી પહેલ (ETV Bharat Gujarat)

તેમણે ઉમેર્યું કે, ‘વાણી તો અમરત વદાં’ની પ્રતો લાંબા સમયથી ઉપલબ્ધ ન હોવાથી અને નવી પેઢી સુધી કાગસાહિત્ય પહોંચાડવા માટે તેને ટેકનોલોજી સાથે જોડીને નવ સંવર્ધિત સંસ્કરણ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

43 અધ્યાયો – કાગસાહિત્યનો ખજાનો

આ ગ્રંથમાં જાણીતા લેખક તથા હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ, કવિ તથા નિવૃત્ત સનદી અધિકારી ભાગ્યેશ જહા, વી.એસ. ગઢવી, લક્ષ્મણ પિંગળશી ગઢવી સહિતના સમર્થ લેખકો દ્વારા લખાયેલા કુલ ૪૩ અધ્યાયો સમાવિષ્ટ છે. કવિ કાગના સમગ્ર કર્તૃત્વ અને જીવનદર્શનને પાંચ ખંડોમાં રજૂ કરવામાં આવ્યું છે. વ્યક્તિત્વ અને વાઙ્મય, સંસ્કૃતિ અને સમાજ, પ્રાચીન-અર્વાચીનનો સમન્વય, કાગવાણી વિશેષ પરિપ્રેક્ષ્યમાં તથા કાગવાણીના બહુવિધ પરિમાણો.

ચારણ સંસ્કૃતિ અને કાગ એવોર્ડ

આ પ્રસંગે ચારણ સંસ્કૃતિને ઉજાગર કરતું અંક ‘ચારણ સંસ્કૃતિ’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કચ્છથી પધારેલા પ્રોફેસર રમજાને કાગવાણી અને સાહિત્યનું રસસભર રસપાન કરાવ્યું હતું. સાથે સાથે જાણીતા સાહિત્યકારો અને કવિઓને ‘કાગ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દર વર્ષે કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે તેમના વતન મજાદર ખાતે યોજાતો આ કાર્યક્રમ સતત ૨૫ વર્ષથી અવિરત રીતે યોજાય છે. આ પરંપરાને અખંડ રાખવા બદલ શ્રી વસંત ગઢવીએ મોરારીબાપુ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

કુલ મળીને, ‘વાણી તો અમરત વદાં’નું આ નવસંસ્કરિત સંસ્કરણ માત્ર એક પુસ્તક નહીં, પરંતુ કવિ કાગની વાણી, વિચાર અને સંસ્કૃતિને આવનારી પેઢીઓ સુધી જીવંત રાખતો અમૂલ્ય વારસો સાબિત થવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Last Updated : February 25, 2026 at 4:35 PM IST