અમદાવાદ: ભદ્રકાળી મંદિરની આસપાસ નોનવેજની દુકાનો બંધ કરાવવા માટે ઉઠ્યો અવાજ
અમદાવાદના નગરદેવી ગણાતા માતા ભદ્રકાળીના મંદિરની આસપાસ નોનવેજની લારીઓ અને દુકાનો બંધ કરાવવા માટે મહાનગર પાલિકાના તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

Published : October 15, 2025 at 2:52 PM IST
અમદાવાદ: ઐતિહાસિક ભદ્રકાળી મંદિરની આસપાસ નોનવેજની દુકાનો માં વધારો થઈ રહ્યો છે. આ દુકાનો બંધ કરાવવા માટે અવાજ ઉઠવા લાગ્યો છે. નગરદેવી ભદ્રકાળી મંદિર પરિસરની આસપાસ આવેલી નોનવેજની દુકાનોને બંધ કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. શ્રી રામ બલી પ્રાગ તિવારી ટ્રસ્ટ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી.
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે, કે નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની આજુબાજુના 1000 ચોરસ વાર વિસ્તારમાં ધીરે ધીરે અનેક નોનવેજ નાસ્તા અને જમવાની દુકાનો કાયદેસર અથવા ગેરકાયદેસર ચાલી રહેલી છે. જેનાથી સનાતન ધર્મ માનનારા લોકો તેમજ દર્શનાર્થીઓની લાગણી દુભાય છે, જે સનાતન ધર્મ અને રાષ્ટ્રપિતા ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
આવી નોનવેજ વેચનારી લાઈસન્સ વિનાની દુકાનો બંધ કરાવી અને લાઇસન્સવાળી દુકાનોના લાઇસન્સ રદ્દ કરી નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની ગરિમા જળવાઈ તે માટે આપશ્રીને નમ્ર વિનંતી છે.
મહત્વપૂર્ણ છે કે, અમદાવાદની સૌથી પ્રસિદ્ધ અને ઐતિહાસિક જગ્યા લાલ દરવાજામાં નગરદેવી ભદ્રકાળી માતાની મંદિર આવેલું છે. અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. ત્યારે ભદ્રકાળી મંદિરની આસપાસ અને ગેરકાદેસર પાથરણા વાળાને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા રહે છે.
તો બીજી તરફ નોનવેજ વેચતા લારી સંચાલકોના કારણે ભાવિકોને મુશ્કેલીનો સામને કરવો પડી રહ્યો છે. મંદિરની પાસે ઉપરાંત બજારમાં અસંખ્ય લાયસન્સ વગરની અનેક નોનવેજની લારીઓ લગાવવામાં આવી રહી છે, જેને બંધ કરાવવા માટે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે.

