ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ, મૃતક 16 કલાકમાં 51 કિમી ચાલ્યો હોવાનો ખુલાસો
ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં રાજ્ય સરકારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે પેન ડ્રાઇવ સહિતના પુરાવા રજૂ કર્યા હતા.

Published : August 25, 2026 at 5:58 PM IST
અમદાવાદ: ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં રાજ્ય સરકારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે પેન ડ્રાઇવ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. ખાસ કરીને રાજકુમાર જાટ નગ્ન અવસ્થામાં કેવી રીતે અને ક્યા સંજોગોમાં મળી આવ્યા હતા, તે મુદ્દે અગાઉ હાઇકોર્ટે સવાલ કર્યા હતા. હવે આ મામલે સરકારે તપાસ દરમિયાન સામે આવેલી વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી છે.
રાજકુમાર જાટનું માર્ચ 2025માં થયું હતું મોત
ગોંડલ ખાતે રાજકુમાર જાટ નામના યુવકનું માર્ચ 2025માં મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ રાજકુમાર ગુમ થયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તરઘડિયા ગામ નજીકથી મળી આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરિવાર અને જાટ સમાજે આ ઘટનાને અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો આક્ષેપ કરી CBI તપાસની માગ કરી હતી. પરિવાર અને સમાજના આગેવાનોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી તેમજ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માગ સાથે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
રાજકુમાર જાટ 16 કલાકમાં 51 કિલોમીટર ચાલ્યો હોવાનું તપાસમાં ખુલ્યું
આજે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકાર તરફથી કોર્ટમાં જણાવાયું કે રાજકુમાર જાટે પોતે જ પોતાના કપડાં કાઢ્યા હતા. તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ તેઓ કપડાં ઉતાર્યા બાદ લાંબા સમય સુધી ચાલતા રહ્યા હતા. સરકારની રજૂઆત પ્રમાણે રાજકુમાર જાટ આશરે 16 કલાકના સમયગાળામાં લગભગ 51 કિલોમીટર જેટલું અંતર ચાલ્યા હતા. આ સમગ્ર હિલચાલ અંગે તપાસ એજન્સીએ ઉપલબ્ધ પુરાવાઓના આધારે વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી છે. મહત્વની વાત એ છે કે રાજકુમાર જાટ દ્વારા પોતે જ નગ્ન થતો હોવાનો વીડિયો પણ સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ વીડિયોને સમગ્ર ઘટનાના સંદર્ભમાં મહત્વના પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત મૃતકના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન અનેક વાંધાજનક અને નગ્ન વીડિયો મળી આવ્યા હોવાની પણ સરકાર તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા કોર્ટને વધુમાં જણાવાયું કે માત્ર પોલીસ તપાસના આધારે જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નથી, પરંતુ વૈજ્ઞાનિક અને તબીબી પુરાવાઓને પણ તપાસનો ભાગ બનાવવામાં આવ્યા છે. આ મામલે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ નિષ્ણાત તબીબોના અભિપ્રાય અને રિપોર્ટ પણ કોર્ટમાં મૂકવામાં આવ્યા છે.
રાજકુમાર જાટની માનસિક સ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવી હોવાનું સરકાર તરફથી જણાવાયું છે. આ માટે માનસિક રોગોના નિષ્ણાત તબીબોની મદદ લેવામાં આવી હતી. તપાસમાં મૃતક ડ્રગ્સ અને દારૂનું સેવન કરતો હોવાની માહિતી પણ સામે આવી હોવાની સરકારની રજૂઆત છે. એટલે કે ઘટનાના કારણો સમજવા માટે મૃતકની શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ, નશાની આદતો, મોબાઇલમાંથી મળેલા ડિજિટલ પુરાવા અને ઘટનાક્રમને અલગ-અલગ રીતે તપાસવામાં આવ્યા હોવાનું સરકાર તરફથી કોર્ટને જણાવાયું છે. અગાઉની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ખાસ કરીને રાજકુમાર જાટ નગ્ન અવસ્થામાં મળી આવ્યા તે અંગે સવાલો કર્યા હતા. કોર્ટની ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે હવે આ મુદ્દે તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા પુરાવા અને નિષ્ણાતોના અભિપ્રાય સહિતનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે. પેનડ્રાઇવમાં પણ સંબંધિત પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
આ મામલે અરજદાર તરફથી વકીલ અસીમ પંડ્યાએ પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. અરજદાર પક્ષે સમગ્ર ઘટનાના સંદર્ભમાં પોતાની દલીલો રજૂ કરી હતી અને સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ તથા પુરાવાઓ અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું.હવે હાઇકોર્ટ સમક્ષ સરકાર દ્વારા રજૂ કરાયેલા સંપૂર્ણ રિપોર્ટ, FSLના તારણો, નિષ્ણાત તબીબોના અભિપ્રાય, મોબાઇલમાંથી મળેલા વીડિયો અને અન્ય પુરાવાઓનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવશે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે અને ત્યારબાદ કોર્ટ સમગ્ર મામલે આગળના નિર્દેશ આપી શકે છે.
આ પણ વાંચો:

