ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
સ્વ. ગૌરાંગ વ્યાસના અંતિમ યાત્રા આજે સવારે 11.30 વાગ્યે અમદાવાદમાં આંબાવાડી ખાતે આવેલા નિવાસ સ્થાનથી નીકળશે.

Published : September 3, 2026 at 8:27 AM IST
|Updated : September 3, 2026 at 11:30 AM IST
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેમણે 100થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમના નિધન પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમની અંતિમ યાત્રા આજે સવારે 11.30 વાગ્યે અમદાવાદમાં આંબાવાડી ખાતે આવેલા નિવાસ સ્થાનથી નીકળશે.
PM મોદીએ ટ્વીટ કરીને ગૌરાંગ વ્યાસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતું અને શ્રદ્ઘાંજલિ અર્પી હતી.
ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું.
— Narendra Modi (@narendramodi) September 3, 2026
પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી… pic.twitter.com/2Hb6PcRqqD
મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વીટ કરીને ગૌરાંગ વ્યાસના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, ગુજરાતી ફિલ્મ અને સુગમ સંગીતના અગ્રણી પ્રયોગશીલ સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ગૌરાંગભાઈએ પોતાના કાળજયી સંગીત દ્વારા ગુજરાતી કલા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમના અવસાનથી ગુજરાતી સંગીત જગતને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ઈશ્વર દિવંગત આત્માને ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનો તથા અસંખ્ય ચાહકોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. ૐ શાંતિ...
ગુજરાતી ફિલ્મ અને સુગમ સંગીતના અગ્રણી પ્રયોગશીલ સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. 🙏
— Arjun Modhwadia (@arjunmodhwadia) September 3, 2026
ગૌરાંગભાઈએ પોતાના કાળજયી સંગીત દ્વારા ગુજરાતી કલા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમના અવસાનથી ગુજરાતી સંગીત જગતને ક્યારેય ન પુરાય તેવી મોટી… pic.twitter.com/d85w2aHt74
IMDB પર ઉપલબ્ધ પ્રોફાઈલ મુજબ, ગૌરાંગ અવિનાશ વ્યાસ એક જાણીતા ભારતીય સંગીતકાર, સંગીત દિગ્દર્શક અને ગાયક હતા, તેઓ મુખ્યત્વે ગુજરાતી સિનેમા અને ગુજરાતી સુગમ સંગીતમાં તેમના મૂલ્યવાન યોગદાન માટે જાણીતા હતા અને તેમના પિતા સુપ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર અને ગીતકાર અવિનાશ વ્યાસ હતા.
ગૌરાંગ વ્યાસનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમને નાનપણથી જ સંગીત પ્રત્યેનો શોખ હતો. તેમની સમૃદ્ધ સંગીત પૃષ્ઠભૂમિથી પ્રેરિત થઈને, તેમણે શાસ્ત્રીય સંગીત સહિત સંગીતમાં શિક્ષણ અને તાલીમ લીધી, જેણે સંગીતકાર, સંગીત દિગ્દર્શક અને ગાયક તરીકેની તેમની કારકિર્દીને આકાર આપવામાં મદદ કરી.
ગૌરાંગ વ્યાસે ગુજરાતી સંગીતની સમૃદ્ધ સંગીત પરંપરા ચાલુ રાખી અને અસંખ્ય ગુજરાતી ફિલ્મો, આલ્બમ્સ અને સ્ટેજ પ્રોડક્શન્સ માટે સંગીત આપ્યું છે. તેમના નોંધપાત્ર ફિલ્મ સંગીતમાં ભવની ભવાઈ (1981), મણિયારો (1980), નસીબ ની બલિહારી (1982), અને સુપરહીટ ગુજરાતી ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું (2001)' નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:

