રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે સુરેન્દ્રનગરના તત્કાલીન સસ્પેન્ડ કલેકટર રાજેન્દ્ર પટેલને કર્યા જેલ હવાલે
ED દ્વારા રાજેન્દ્ર પટેલનું લેપટોપ, મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ સહિતના વિવિધ પ્રકારના ડેટા સંગ્રહ કરતા સાધનો જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

Published : January 7, 2026 at 6:30 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં NA જમીન કૌભાંડને લઈ તત્કાલીન સસ્પેન્ડ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઇડી વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ED દ્વારા રાજેન્દ્ર પટેલનું લેપટોપ, મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ સહિતના વિવિધ પ્રકારના ડેટા સંગ્રહ કરતા સાધનો અને પણ એજન્સી દ્વારા જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તત્કાલીન સસ્પેન્ડ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ અમદાવાદ કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતા ઇડી દ્વારા રાજેન્દ્ર પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ઇડી દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન થતા અમદાવાદ કોર્ટે રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
ACB દ્વારા કૌભાંડની તપાસ અને SITની રચના:
સુરેન્દ્રનગર જિલ્લામાં કિંમતી જમીનો ફાળવણી અને જમીન એને કરવા મુદ્દે કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં EDના દરોડા બાદ આવક કરતા વધુ સંપત્તિ હોવા મુદ્દે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ અને તેના PA જયરાજસિંહ ઝાલા અને મયુરસિંહ ગોહિલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ તમામ ફરિયાદની તપાસ ACB વિભાગને સોંપવામાં આવી છે.
આ સંદર્ભે આવક કરતા વધુ સંપત્તિ ધરાવવા મુદ્દે તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલ, તત્કાલીન કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલા અને મયુરસિંહ ગોહિલ અને ચંદ્રસિંહ મોરી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસીબી વિભાગ દ્વારા આ ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર મામલે હવે ACB દ્વારા એક SITની રચના કરવામાં આવી છે.
આ SITમાં એસીબી વિભાગના નાયબ નિયામક બી. જે. પંડ્યા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક રાજકોટ એસીબી વિભાગના કે. એચ. ગોહિલ, મદદનીશ નિયામક અમદાવાદના આર. બી. દેસાઈ, એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. પટેલ, સુરેન્દ્રનગર એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ડી. પટેલ અને મોરબી એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એ. દેકાવડિયાને એસઆઇટી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.
રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ:
ગુજરાત સરકાર દ્વારા રવિવારે રિલીઝ કરાયેલા સસ્પેન્શન ઓર્ડરમાં લખ્યું હતું કે, સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ વિરુદ્ધ પ્રિવેન્સન ઓફ મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ કેસની તપાસ ચાલુ છે અને 2 જાન્યુઆરીએ તેમની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ 7મી જાન્યુઆરી સુધી કસ્ટડીમાં છે, તેમનો કસ્ટડીનો સમયગાળો 48 કલાકથી વધી ગયો છે આથી ગુજરાતના રાજ્યપાલના હુકમથી ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સ 1969ના નિયમ 3ના પેટા નિયમ (2) મુજબ IAS રાજેન્દ્ર પટેલને 2 જાન્યુઆરી 2026ની તારીખથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ખાસ છે કે, EDએ કરેલી ધરપકડ અને PMLA એક્ટ હેઠળ કોઇ કલેકટર સામે આવી કાર્યવાહી થઈ હોય તેવો ભારતમા આ પહેલો કેસ છે.
થોડા દિવસ પહેલા EDએ દરોડો પાડ્યો હતો
થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ED દ્વારા દરોડા પાડવા આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ તેના PA જયરાજસિંહ ઝાલા અને નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
કલેક્ટરના PAની પણ બદલી
જમીન પ્રકરણોમાં વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરના અધિક કલેકટર આર.કે ઓઝા અને ચીટનીશ મયુર દવે ઉપર પણ હવે લટકતી તલવાર છે. ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થવાના એંધાણ અને ભણકારા વાગી રહ્યા છે, તે વચ્ચે હવે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં અધિકારીઓની બદલીઓ કરી અને તાલુકા લેવલે મૂકી દેવામાં આવ્યા છે. જેમાં વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના પી.એ તરીકે ફરજ બજાવતા અને અનેક કલેકટરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહી ચૂકેલા જયરાજસિંહ ઝાલાની પણ બદલી કરી અને મુળી ખાતે મૂકી દેવામાં આવ્યા છે.
ક્લાર્કની પણ બદલી કરવામાં આવી
આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલની પણ બદલી કરી અને તેને ધાંગધ્રા મૂકી દેવામાં આવ્યા છે. હાલમાં કલેક્ટર કચેરીમાં સોપો પડી ગયો છે. ત્યારે હવે ઇડીના દરોડા બાદ બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે. સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં પણ હવે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, તે વચ્ચે હવે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના સરકારી બંગલામાં અત્યાર સુધી રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાન તરીકે રાખવામાં આવ્યું હતું. પરંતુ તેની ED દ્વારા અટકાયત કરી લેવામાં બંગલો ખાલી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
કલેક્ટરનો બંગલો ખાલી કરાવાયો
બંગલામાં પડેલા સામાન ગાંધીનગર ખાતે આવેલા મકાન ખાતે ખસેડવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને સરકારી બંગલો રાજેન્દ્ર પટેલ દ્વારા અંતે ખાલી કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં પરિવાર પણ ત્યાં સ્થાયી થઈ શકે તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે જમીન કૌભાંડ મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બદલીઓ અને સરકારી બંગલાઓ પણ હવે ખાલી થવા લાગ્યા છે.
સુરેન્દ્રનગર કલેક્ટરની રાતોરાત બદલી
સુરેન્દ્રનગરમાં તાજેતરમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ની ટીમ દ્વારા કરવામાં આવેલા દરોડાના મામલે વહીવટી તંત્રમાં મોટી હલચલ જોવા મળી રહી હતી. આ ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની રાતોરાત બદલી કરવામાં આવી હતી.
DDOને જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો
ડો. રાજેન્દ્રકુમાર પટેલને સામાન્ય વહીવટ વિભાગના હવાલે કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિકને જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કે. એસ. યાજ્ઞિકે તાત્કાલિક અસરથી કલેક્ટર તરીકેની જવાબદારી સંભાળી લીધી છે અને વહીવટી કામગીરીમાં સતતતા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે.
નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રસિંહ મોરીની ધરપકડ
આ મુદ્દે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રસિંહ મોરીની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઘરેથી 60 લાખથી વધુની રકમની રોકડ મળી આવી છે, ચંદ્રસિંહ મોરીને અમદવાદ કોર્ટમાં રજૂ કરી ED દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગ કરવામાં આવી હતી, જો કે કોર્ટે ચંદ્રસિંહ મોરીના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
બેડરૂમમાં છુપાવેલ નાણાં મળી આવ્યા
EDએ PMLAની કલમ-17 હેઠળ ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી, નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રહેણાંક પરિસરમાં હાથ ધરવામાં આવેલી સર્ચ (તપાસ) દરમિયાન રુ.67.50 લાખની રોકડ રકમ મળી આવી, જેને જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીએ 23/12/2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે, જપ્ત કરાયેલી રોકડ એ વૈધાનિક જમીન-ઉપયોગની (statutory land-use) અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.
PMO ઓફિસમાં રજૂઆત
ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના અરજદાર દ્વારા પીએમઓ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, અંદાજિત 850 કરોડથી વધુના ખર્ચથી સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા આ અંગે રેવન્યુ વિભાગ ઘુડખર અભ્યારણ વિભાગ ફોરેસ્ટ અધિકારીઓ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી, તે છતાં પણ કોઈ પગલા ભરવામાં ન આવ્યા હોવાના કારણે અંતે પીએમઓ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી. 60 કરોડનો પ્લાન બતાવી 850 કરોડથી વધુનો પ્લાન નાખવામાં આવ્યા હોવાની રજૂઆત ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી. નજીકમાં ઘુડખર અભ્યારણ હોવાના કારણે આજુબાજુના પ્રાણીઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની હોય છે. તે વ્યવસ્થા ન કરવામાં આવી હોય અને પ્લાન ગેરકાયદેસર ઉભો કરવામાં આવી હોવાની રજૂઆત અધિકારીઓ સામે પીએમઓ ઓફિસ ખાતે કરવામાં આવી હતી. આ સંદર્ભે 7 વખત સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ પ્રશ્નનો નિવેડો ન આવતા અંતે ફરિયાદી દ્વારા પીએમઓ ઓફિસમાં ઓનલાઈન અરજી કરવામાં આવી હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે.
સોલાર કંપની દ્વારા પ્લાન્ટ ઉભો કરી નાખવામાં આવ્યો છે પરંતુ ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા અને આ ઉપરાંત રોજની 40 લાખ રૂપિયાની વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે. રેવન્યુ વિભાગ અને ખેડૂત ખાતેદારોની પણ પરમિશન લેવામાં ન આવી હોવાનું ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
હવે તપાસ ઇડીને સોંપવામાં આવી છે ત્યારે કંપનીના રોકાણકારો દ્વારા જિલ્લા કલેકટરને મળી મંજૂરી આપી દેવામાં આવી હોવાનો પણ ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ આધારે દરોડા પાડવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
- સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સમર્થનમાં આવ્યો પટેલ સમાજ અને ખેડૂતો, તંત્ર પાસે કરી આ માંગ
- સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, બંગલો પણ ખાલી કરાવાયો, કલેક્ટર કચેરીના કર્મચારીઓની બદલી
- સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ પર, સવારે EDએ કરી હતી ધરપકડ, શું છે સમગ્ર મામલો?
- સુરેન્દ્રનગર: ED ના દરોડા બાદ કલેક્ટરની બદલી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
- સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ધરે ઈડીના દરોડા, બેનામી સંપત્તિનો ખુલાસો થવાની શક્યતા
- સુરેન્દ્રનગરમાં EDના દરોડા, કલેક્ટરના બંગલાની અંદર સર્ચ ઓપરેશન

