ETV Bharat / state

શિક્ષણના નામે ધર્માતરણનું ‘બ્લડ મની’ કૌભાંડ: સરકારી પ્રિન્સિપાલ જ માસ્ટરમાઇન્ડ

આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામજીભાઈ દુબલભાઈ ચૌધરી છે, જેઓ પોતે સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.

શિક્ષણના નામે ધર્માતરણનું ‘બ્લડ મની’ કૌભાંડ: સરકારી પ્રિન્સિપાલ જ માસ્ટરમાઇન્ડ
શિક્ષણના નામે ધર્માતરણનું ‘બ્લડ મની’ કૌભાંડ: સરકારી પ્રિન્સિપાલ જ માસ્ટરમાઇન્ડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 15, 2025 at 7:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: ક્રિસમસ પૂર્વે સુરત જિલ્લા પોલીસે એક એવા મસમોટા ધર્માતરણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેણે શિક્ષણ જગત અને વહીવટીતંત્રમાં ભૂકંપ સર્જ્યો છે. સમાજને સાચો રાહ ચીંધવાની જવાબદારી જેમના શિરે છે, તેવા સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો જ આદિવાસી વિસ્તારોમાં ટ્રસ્ટ બનાવીને ગેરકાયદે ધર્માંતરણનું નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

પ્રિન્સિપાલ સહિત 9 સરકારી શિક્ષણવિદો અને પાસ્ટરની સંડોવણી

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, વર્ષ 2014માં ‘દી પ્રે ફોર એવર લાસિ્ટંગ લાઇફ ચેરીટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ આદિવાસી ભાઈ-બહેનોને લાલચ આપી કે ભ્રમિત કરીને ખ્રિસ્તી બનાવવાનો હતો. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામજીભાઈ દુબલભાઈ ચૌધરી છે, જેઓ પોતે સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. નવાઈની વાત એ છે કે, 11 સભ્યોના આ ટ્રસ્ટમાં 3 સરકારી શિક્ષણવિદો અને 6 પાસ્ટર સામેલ હતા.

સ્ટીરોઈડ્સના ઇન્જેક્શન, ‘ઈસુનો ચમત્કાર’ ગણાવી ધર્માતરણ!

આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી રામજીભાઈના પુત્ર અંકિત ચૌધરી (BHMS ડૉક્ટર)ની હતી. અંકિત ગેરકાયદેસર રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો. તે ગરીબ આદિવાસી દર્દીઓને નિઃશુલ્ક સારવારના બહાને ફસાવતો. પોલીસે તેની પાસેથી ₹56000ની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કર્યો, જેમાં હાનિકારક સ્ટીરોઈડ્સ અને ભારે માત્રામાં પેઈન કિલર ઇન્જેક્શનો મળી આવ્યા હતા. તે દર્દીઓને આ દવાઓ આપીને તાત્કાલિક રાહત આપતો, અને દર્દી સાજો થાય ત્યારે કહેતો કે “તમને દવાથી નહીં, પણ પ્રભુ ઈસુની કૃપાથી આરામ મળ્યો છે.” ત્યારબાદ ધર્માંતરણની અંતિમ પ્રક્રિયા માટે દર્દીઓને પિતા રામજીભાઈ પાસે મોકલી આપતો હતો.

ગુપ્તતા માટે પ્રાર્થના સભામાં મોબાઈલ પર પ્રતિબંધ

સુરત જિલ્લા એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, "આ નેટવર્કની કામ કરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત હતી. કોઈપણ ધર્માતરણ કે પ્રાર્થના સભાના કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને મોબાઈલ ફોન લાવવાની સખત મનાઈ હતી, જેથી કોઈ વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ ન થાય અને પોલીસને પુરાવા ન મળે."

આ ઉપરાંત, પ્રિન્સિપાલે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને સરકારની પૂર્વ મંજૂરી વગર જ આ ટ્રસ્ટ શરૂ કરી દીધું હતું. ૨૦૧૪થી કાર્યરત હોવા છતાં અત્યાર સુધી ટ્રસ્ટનું એક પણ વાર ઓડિટ થયું નથી, જેથી નાણાંની લેતીદેતી શંકાના દાયરામાં છે.

સુરત ગ્રામ્ય પોલીસે ચેરિટી કમિશનર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે અને ટ્રસ્ટની આર્થિક લેતીદેતીની તપાસ શરૂ કરી છે. શિક્ષણના ઓથે ચાલતા આ ધર્માંતરણના ખેલથી આદિવાસી સંગઠનોમાં ભારે રોષ છે, અને આગામી દિવસોમાં મોટા ધરપકડના એંધાણ છે.

આ પણ વાંચો: