રણમાં રેકોર્ડ તોડતો રણોત્સવ: બે વર્ષમાં 17 કરોડથી વધુની આવક, 9 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હર્ષ સંઘવી એ રણોત્સવ અંગે આ મહત્વપૂર્ણ આંકડા રજૂ કર્યા હતા.

Published : February 25, 2026 at 6:46 PM IST
કચ્છ: ગુજરાતના ગૌરવ સમાન રણોત્સવ હવે વૈશ્વિક પર્યટન નકશા પર મજબૂત ઓળખ બનાવી રહ્યો છે. દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી કચ્છના સફેદ રણમાં યોજાતો આ ઉત્સવ દેશ-વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષે છે. સંસ્કૃતિ, સંગીત, હસ્તકલા, સાહસિક પ્રવૃત્તિઓ અને રણની અદભુત ચાંદની રાત, આ બધું મળીને રણોત્સવને અનોખો બનાવે છે.
વિધાનસભા ગૃહમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હર્ષ સંઘવી એ રણોત્સવ અંગે મહત્વપૂર્ણ આંકડા રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2024 દરમિયાન કુલ 8 લાખ 55 હજાર 565 પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 9 લાખ 41 હજાર 637 સુધી પહોંચ્યો હતો. એટલે કે, માત્ર એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
આ વધતા પ્રવાહનો સીધો ફાયદો રાજ્ય સરકારની આવક પર પણ જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષમાં રણોત્સવ પ્રવાસ દ્વારા પ્રીમિયમ મેનેજમેન્ટ ફી મારફતે કુલ 17 કરોડ 06 લાખ 35 હજાર 667 રૂપિયાની આવક રાજ્યને પ્રાપ્ત થઈ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આ આંકડો દર્શાવે છે કે રણોત્સવ માત્ર સાંસ્કૃતિક ઉત્સવ જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ રાજ્ય માટે મહત્વપૂર્ણ સ્ત્રોત બની રહ્યો છે.
રણોત્સવથી સ્થાનિક હસ્તકલા કલાકારો, ઊંટ ચાલકો, ટેન્ટ સિટી સંચાલકો, હોટલ વ્યવસાયીઓ અને નાના વેપારીઓને રોજગારની વિશાળ તક મળે છે. કચ્છના ગ્રામિણ વિસ્તારોમાં આ ઉત્સવથી આર્થિક ગતિ વધી છે અને સ્થાનિક સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ મળી છે.
સરકારના પ્રયાસો અને સુવ્યવસ્થિત આયોજનના પરિણામે રણોત્સવ વર્ષે વર્ષે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. વધતી પ્રવાસી સંખ્યા અને કરોડોની આવક દર્શાવે છે કે કચ્છનો રણોત્સવ હવે માત્ર ઉત્સવ નથી, પરંતુ ગુજરાતના પર્યટન વિકાસનું પ્રતિક બની ગયો છે.

