હથોડા ગૌ-હત્યા કેસમાં પોલીસે આરોપીઓનો હાથમાં દોરડા બાંધી વરઘોડો કાઢ્યો, ઘટનાસ્થળેથી ધારદાર હથિયાર મળ્યા
સુરતના માંગરોળના હથોડા ગામમાં ગૌ-હત્યા અને પોલીસ પર હુમલાના કેસમાં 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

Published : March 1, 2026 at 10:32 AM IST
|Updated : March 1, 2026 at 10:57 AM IST
સુરત: સુરતના માંગરોળના હથોડા ગામમાં ગૌ-હત્યા અને પોલીસ પર હુમલાના કેસમાં 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. કોસંબા પોલીસ અને ગૌ રક્ષકો પર કરેલા જીવલેણ હુમલા બાદ આ કેસમાં પકડાયેલા 8 આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્રણ દિવસના રિમાન્ડ હેઠળ રહેલા 8 આરોપીઓને દોરડાથી બાંધીને હથોડા ગામની સીમમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યા આરોપીઓએ પોલીસ અને ગૌ રક્ષકો પર કઇ રીતે હુમલો કર્યો તેનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
26 ફેબ્રુઆરીએ કોસંબા પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે હથોડા ગામની સીમમાં કેટલાક ઇસમ ગૌ કતલ કરી રહ્યા છે. આ બાતમીના આધારે રેડ કરવામાં આવતા કેટલાક ઇસમ ગૌ કતલ કરતા હતા, આ દરમિયાન તપાસ દરમિયાન તેમણે પોલીસ અને ગૌ રક્ષક ઉપ રહુમલો કર્યો હતો જેમાં ગૌ રક્ષકને તિક્ષ્ણ હથિયાર માર્યું હતું અને આ હુમલામાં પોલીસને પણ ઇજા થઇ હતી. કોસંબા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. કોસંબા પોલીસ સ્ટેશનમાં ખુનની કોશીશ, સ્વેચ્છિક રીતે ઇજા પહોંચાડવી, ફરજ પર રૂકાવટ, જાહેરનામાનો ભંગ, રાયોટિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમિયાન સ્થાનિક સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું અને જુદી જુદી પોલીસની ટીમ બનાવી હથોડા ગામમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 22 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ આરોપીએ પૈકી 8 આરોપી જેમની આ ઘટનામાં મહત્ત્વની ભૂમિકા હતી તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપીઓએ જે જગ્યાએ હથિયાર છુપાવેલા હતા અને આ ગુનાને અંજામ આપ્યો હતો તે સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું. પંચનામા દરમિયાન આરોપીઓએ જે જે જગ્યાએ હથિયાર છુપાવ્યા હતા તેની તપાસ કરતા કેટલાક હથિયાર મળી આવ્યા હતા જેમાં ઝાડી-ઝાંખરામાં છુપાવેલા 8 લાકડી, ધારિયું, બે પાઇપ અને છરા સહિત કુલ 12 હથિયારો પોલીસે કબજે કર્યા છે. આ સાથે જ પશુઓને બાંધવાના દોરડા અને ખીલા પણ મળી આવ્યા છે. ઘટના સ્થળેથી ગાયના કપાયેલી હાલતમાં અવશેષો, તિક્ષ્ણ ચપ્પુ અને છીણાઓ મળી આવતા એવી આશંકા પ્રબળ બની છે કે આ નિર્જન જગ્યાએ લાંબા સમયથી મોટા પાયે ગૌ-હત્યાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ તમામ હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે અને આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે.


આ કેસમાં અત્યાર સુધીમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ 41 શખ્સો સામે અટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. LCB અને SOGની ટીમો દ્વારા સતત કોમ્બિંગ ચાલુ છે.

આ પણ વાંચો:

