રાજકોટ: અનૈતિક સંબંધોની શંકાએ પતિએ પત્નીને હથોડીથી માથામાં ફટકારી હત્યા કરી
અલ્તાફભાઈ સવારે રૈયાધાર વિસ્તારમાં આવેલી તેમની દુકાનેથી ઘરે પરત આવ્યા બાદ આ હત્યા કરી હતી

Published : May 30, 2026 at 8:00 AM IST
રાજકોટ: રાજકોટમાં ફરી એક વાર ગૃહવિવાદ અને અનૈતિક સંબંધોની શંકાને લઈને એક દર્દનાક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતા અલ્તાફભાઈ લાલાણીએ તેમની પત્ની શિલ્પાબેન લાલાણી (ઉં. ૪૦)ને માથામાં હથોડી જેવા તીક્ષ્ણ હથિયારથી ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાથી આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક તપાસ અનુસાર, અલ્તાફભાઈ સવારે રૈયાધાર વિસ્તારમાં આવેલી તેમની દુકાનેથી ઘરે પરત આવ્યા બાદ આ હત્યા કરી હતી. લાંબા સમયથી ઘરમાં ગૃહકલેશ ચાલતો હોવાનું પણ સામે આવ્યું છે. પતિને પત્નીના અનૈતિક સંબંધો હોવાની શંકા હતી, જેને લઈને વારંવાર ઝઘડા થતા હતા. ઘટના પછી શિલ્પાબેનને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હત્યાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. મૃતકની ભત્રીજીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે અલ્તાફભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને પકડવા માટે તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી આર.એસ. બારીયા, પીઆઈ દવે સહિત કાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ હત્યાથી શિલ્પાબેનના બે સંતાનો માતાની છત્રછાયા ગુમાવી બેઠા છે. મૃતકની ૨૧ વર્ષીય પુત્રી આરઝૂ અમદાવાદમાં રહે છે, જ્યારે ૧૭ વર્ષીય પુત્ર પોરબંદરમાં વેકેશન પર ગયો હતો. બંને સંતાનો માટે આ આઘાતજનક ઘટના જીવનભરના દુ:ખનું કારણ બની રહેશે. પરિવારના સભ્યો હજુ આ ઘટનાના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયમાં આવી હત્યાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે સમાજમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં કોઈપણ કસૂરવારને બચવા ન દેવાનો નિર્ણય લીધો છે અને તપાસને વધુ તીવ્ર બનાવી છે. આ ઘટના ફરી એક વાર સમાજમાં પારિવારિક વિવાદો અને સંદેહના આધારે થતી હિંસાના વધતા પ્રમાણ તરફ ધ્યાન દોરે છે.

