ETV Bharat / state

રાજકોટ મહાનગરપાલિકાનો હાઈટેક પ્રયોગ: મચ્છરોના નાશ માટે AI ડ્રોન ટેકનોલોજીનો કર્યો ઉપયોગ

રાજકોટમાં ચોમાસા બાદ મેલેરિયા અને ડેન્ગ્યુનો કહેર અટકાવવા મહાનગરપાલિકાએ AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો નવતર પ્રયોગ રામનાથપરા મંદિરથી શરૂ કર્યો છે.

મચ્છરોના નાશ માટે AI ડ્રોન ટેકનોલોજીનો કર્યો ઉપયોગ
મચ્છરોના નાશ માટે AI ડ્રોન ટેકનોલોજીનો કર્યો ઉપયોગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 2:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

રાજકોટ: શહેરમાં દર વર્ષે ચોમાસા બાદ મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઈલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનો કહેર જોવા મળે છે. ત્યારે આ રોગોને નાથવા માટે રાજકોટ મહાનગરપાલિકા હવે હાઈટેક બની છે. મચ્છરો સામેની લડાઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે, જેનો પ્રારંભ આજે રામનાથપરા મંદિરના પ્રાંગણથી કરવામાં આવ્યો હતો.

મેયર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા શહેરના 162 ચોરસ કિલોમીટરના સમગ્ર વિસ્તારનું AI આધારિત પ્લેટફોર્મ પર ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું છે. આ મેપિંગના આધારે જ્યાં મચ્છરોનું બ્રીડિંગ વધુ હોય તેવી જગ્યાઓને પ્રી-આઈડેન્ટિફાય કરવામાં આવી છે.

મહાનગરપાલિકાએ AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો નવતર પ્રયોગ રામનાથપરા મંદિરથી શરૂ કર્યો (Etv Bharat Gujarat)

આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સીધા પહોંચી શકતા નથી, ત્યાં આ ડ્રોન પહોંચીને દવા છંટકાવ કરશે. ખાસ કરીને આજી નદીના કાંઠાના દુર્ગમ વિસ્તારો, તળાવો, મોટા ખાડાઓ, કચરાના ડમ્પિંગ પોઈન્ટ, બંધ મકાનોના ધાબા, ખુલ્લી ટાંકીઓ અને ગીચ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં ડ્રોન દ્વારા લાર્વાસાઈડ દવાનો છંટકાવ કરીને મચ્છરોના પોરાનો નાશ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનો હાઈટેક પ્રયોગ (Etv Bharat Gujarat)

જ્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, "ડ્રોન મારફતે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનને શોધીને ત્યાં ડાયરેક્ટ એક્શન લઈ શકાશે. જે જગ્યાઓ પર અમારી ટીમ માટે જવું ડિફિકલ્ટ છે, ત્યાં ડ્રોનથી ઈફેક્ટિવ કામ થશે. આના ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. અમારો પ્રયાસ છે કે રાજકોટની તમામ આવી સાઈટ્સ પર આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને મચ્છરોથી મુક્તિ અપાવીએ." - તુષાર સુમેરા, મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ

આ પ્રોજેક્ટમાં ડ્રોન સર્વે દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થળોની એરિયલ ફોટોગ્રાફ અને તેના લેટિટ્યુડ-લોન્જિટ્યુડ સાથેની વિગત ગૂગલ મેપ પર ઓનલાઈન અપલોડ થશે. તેના આધારે ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક કામગીરી અસાઈન થશે અને કરવામાં આવેલી કામગીરીનું લાઈવ મોનિટરિંગ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર થઈ શકશે.

"રાજકોટ મહાનગરપાલિકા દ્વારા AIનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે દુર્ગમ નદીકાંઠાના વિસ્તારો છે કે જ્યાં મચ્છરોના લાર્વા છે અને જ્યાં માણસ પહોંચી શકતો નથી, તે વિસ્તારોને આઈડેન્ટિફાય કરીને ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના ચેરમેન અને વાઈસ ચેરમેન બંને ડોક્ટર હોવાથી તેમણે સંપૂર્ણ ચકાસણી કરીને અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ આ પ્રયોગનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. અમને આશા છે કે આનાથી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં મોટો ઘટાડો થશે." - ડૉ. નેહલ શુક્લ, મેયર, રાજકોટ શહેર

આ ઉપરાંત જો ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ સ્થળોની સફાઈ અંગે સૂચના આપ્યા બાદ પણ કામગીરી ન કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ નવતર પ્રયોગથી કેન્દ્ર સરકારના 'મેલેરિયા નાબૂદી મિશન 2030'ના 'ઝીરો વેક્ટર બોર્ન ડીસીઝ'ના લક્ષ્યને નવી ગતિ મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને 2030 સુધીમાં ડ્રોન હબ બનાવવાના વિઝનને પણ પ્રોત્સાહન મળશે. RMCની આ પહેલ અન્ય મહાનગરપાલિકાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

આ પણ વાંચો...

  1. રાજકોટ: મહાનગરપાલિકાની ઓફિસમાં જ પ્રેમલીલા, અધિકારી અને સફાઈ કામદારનો વીડિયો વાયરલ
  2. રાજકોટ લોકમેળો: હરાજી પૂર્ણ, હવે નાની રાઈડને છૂટ આપવાની માંગ