જસદણ નગરપાલિકાના સુપરવાઈઝર સામે મહિલા સફાઈકર્મીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, પોલીસે શરુ કરી તપાસ
જસદણ પોલીસ સ્ટેશનમાં સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

Published : December 17, 2025 at 1:38 PM IST
રાજકોટ : જિલ્લાના જસદણ નગરપાલિકામાં ફરજ બજાવતી એક મહિલા સફાઈકર્મીએ પોતાના જ સુપરવાઇઝર વિરુદ્ધ બળાત્કાર અને ધાકધમકીની ગંભીર ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. જસદણ પોલીસ સ્ટેશનમાં સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નગરપાલિકા મહિલા કર્મી પર સુપરવાઈઝરનો બળાત્કાર
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે દોઢ વર્ષ પૂર્વે જ્યારે જસદણ નગરપાલિકાની નવી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે મહિલા સફાઈ કામગીરી માટે ત્યાં હાજર હતી. આ સમય દરમિયાન મુલાકાત કરવા પહોંચેલા સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયાએ મહિલાને એકાંતમાં જોઈને ધાકધમકી આપીને જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ ગંભીર કૃત્ય બાદ આરોપી સુપરવાઇઝરે મહિલાને સખત ધમકી આપી હતી. તેણે ચેતવણી આપી હતી કે જો આ ઘટના વિશે તે કોઈને પણ જણાવશે, તો તેને અને તેના પતિને નગરપાલિકાની નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. સમાજમાં બદનામી થવાના ભય અને પોતાના સંતાનોના ભવિષ્યની ચિંતાને કારણે ભોગ બનનાર મહિલાએ લાંબા સમય સુધી આ ઘટનાને ગુપ્ત રાખી હતી અને કોઈને પણ જાણ કરી નહોતી.
પોલીસ ફરિયાદમાં વધુ ઉલ્લેખ છે કે બળાત્કારની ઘટના બાદ પણ સુપરવાઇઝર પ્રકાશ બારૈયા દ્વારા મહિલાને સતત હેરાન કરવામાં આવતી હતી, તે ધાકધમકી આપીને મહિલા પર ફરીથી શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જ્યારે મહિલાએ તેની વાત માનવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપી દ્વારા તેને માનસિક રીતે પણ હેરાન-પરેશાન કરવામાં આવી રહી હતી.

આોરપી વિરુધ્ધ ગુનો નોંધાયો
લાંબા સમય સુધી આ અત્યાચાર અને માનસિક ત્રાસ સહન કર્યા બાદ, આખરે મહિલા તેના પતિ સામે રડી પડી અને પોતાની સાથે બનેલી સમગ્ર હૃદયદ્રાવક ઘટનાની વાત જણાવી. સમગ્ર ઘટના સાંભળીને પતિ અત્યંત ગુસ્સે ભરાયો હતો અને તાત્કાલિક પોતાની પત્નીને લઈને જસદણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
જસદણ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલા સફાઈકર્મીએ સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા વિરુદ્ધ બળાત્કાર અને ધાકધમકીની લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ગુનો નોંધ્યો છે અને સુપરવાઇઝરની ધરપકડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો...

